તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:30 વર્ષથી બિનહરીફ થતી સરધાર મંડળીની આજે ચૂંટણી, પરિણામની અસર યાર્ડમાં દેખાશે

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે રાત્રે જ પરિણામ જાહેર થઈ જશે, ભાજપના જ બે જૂથ આમને-સામને

મિનિયાર્ડ મનાતી અને છેલ્લા ત્રીસ વર્ષથી સતત બિનહરીફ થતી સરધાર સહકારી મંડળીની આજે ચૂંટણી થશે. આજે રાત્રે 12.00 કલાકે જ પરિણામ જાહેર થઈ જશે. આ પરિણામ પર તમામ સહકારી જગતની મીટ મંડાયેલી છે. જે પરિણામ આવશે તેના પરથી યાર્ડમાં કોની સત્તા આવશે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે તેમ સહકારી જગતમાં ચર્ચાઈ રહ્યું છે. યાર્ડમાં ભાજપના બે જૂથ આમને-સામને થયા છે ત્યારે આ સહકારી મંડળીની ચૂંટણીમાં પણ ભાજપના જ બે જૂથ આમને-સામને થયા છે. આમ ,યાર્ડની ચૂંટણીનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

સહકારી મંડળીના પ્રમુખ હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ મંડળીમાં રાજસમઢિયાળા, લાખાપર, નવાગામ, રામપર,સૂકીસાજડિયાળી, હરિપર, સરધાર, ખારચિયા, ભંગડા સહિત બાર ગામનો સમાવેશ થાય છે. કુલ 20 બેઠક માટે 2400 ઉમેદવારો મતદાન કરશે. એક પક્ષે નાગદાનભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ વિરાણી, ચેતન પાંઉ, અરવિંદ રૈયાણીનું જૂથ છે.

તો બીજી તરફ યાર્ડના વાઈસ ચેરમેન અને સરધાર સહકારી મંડળીના પ્રમુખ હરદેવસિંહ જાડેજા, નિતિનભાઇ ઢાંકેચા, નરેન્દ્રસિંહ જાડેજા, ભાનુભાઈ જલુ, વનરાજસિંહ વાળા, નારણભાઇ રબારી, શૈલેષભાઈ વસોયા, હરેશભાઇ સાવલીયા,સંજયભાઈ ટીંબડીયા સહિતના આગેવાનનો સમાવેશ થાય છે. સવારે 8.00 કલાકે મતદાન થશે અને તે મતદાન બપોરે 2.00 સુધી ચાલુ રહેશે. મતગણતરી 3.00 કલાકે શરૂ થશે. અંદાજિત રાત્રીના 12.00 સુધીમાં પરિણામ જાહેર થઇ જશે.

આ ચૂંટણીમાં 15 જનરલ સીટ, 2 મહિલા, 1 નાના સીમાંત ખેડૂત સહિત કુલ 20 બેઠક માટે મતદાન થશે. સરધાર સહકારી મંડળીમાં ડિપોઝિટરની સીટ પર શુક્રવારે સાંજે જ નિતીનભાઈ ઢાંકેચા બિનહરિફ થઈ ગયા હતા. આ બેઠક પર જે ઉમેદવાર ચૂંટણી લડે તેની પાસે મિનિમમ રૂ. 10 હજારથી વધુ ડિપોઝિટ હોવી જોઇએ. પરંતુ નિતીનભાઈની સામે જે ઉમેદવાર હતા તેને પોતાની અને તેના માતા બન્નેની મળીને ગણાવી હતી.જે નિયમ મુજબ માન્ય ગણાય નહિ.

સમાધાન માટેની બેઠક મળી, વચલો રસ્તો નામંજૂર ના રહ્યો ,એટલે ચૂંટણીની ફરજ પડી
સહકારી સૂત્રોના જાણવા મળતી વિગત મુજબ ચૂંટણી થતા પહેલા હરદેવસિંહ જાડેજા અને તેનું જૂથ અને સામે નાગદાનભાઈ ચાવડા અને તેના જૂથની એક બેઠક મળી હતી. જેમાં સમાધાન માટે સત્તાધારી જુથે જે બેઠક છે તેમાં બન્ને પક્ષના ઉમેદવાર આવે તે માટેની ઓફર કરી હતી. પરંતુ હરિફ જુથે આ ઓફર માન્ય રાખી ન્હોતી. જેને કારણે આ ચુંટણીનો જંગ જામ્યો છે. જો કે, આ મંડળીમાં મતદાનની સાથે- સાથે પરિણામ પર સૌ કોઇની મીટ મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...