વિશાખાપટ્ટનમમાં મંગળવારે ત્રીજો ટી-20 મેચ રમ્યા બાદ બુધવારે બપોરે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ ખાસ પ્લેન મારફતે રાજકોટ આવી પહોંચશે. એરપોર્ટથી સાઉથ આફ્રિકાની ટીમ ફોર્ચ્યુન હોટેલ જવા રવાના થશે. જ્યારે ટીમ ઇન્ડિયા હોટેલ સયાજી જવા નીકળશે. કાલાવડ રોડ પર આવેલી હોટેલ સયાજીમાં ટીમ ઇન્ડિયાને આવકારવા માટે લાલ જાજમ પાથરવામાં આવી છે.
હોટેલ પહોંચતા જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પર ફૂલો વરસાવવામાં આવશે. બાદમાં રાજકોટના ખેલૈયાઓ દ્વારા પરંપરાગત રાસ-ગરબાની રમઝટ સાથે ટીમ ઇન્ડિયાનું કંકુ તિલક કરી વેલકમ કરવામાં આવશે. ટીમ ઇન્ડિયાના કપ્તાન, ઉપકપ્તાન અને કોચ માટે અલાયદી સુવિધાઓ સાથેના પ્રેસિડેન્સિયલ સ્યૂટ રૂમમાં તેમજ ટીમના ખેલાડીઓ પ્રીમિયમ રૂમમાં ઉતરશે. ખેલાડીઓના મનપસંદ વિવિધ ભોજન સાથે કાઠિયાવાડી ભોજન પણ પીરસવામાં આવશે. જ્યારે સાઉથ આફ્રિકા ટીમના ખેલાડીઓનું પણ પરંપરાગત સ્વાગત કરવામાં આવશે.
ખેલાડીઓના બ્રેકફાસ્ટ, લંચ-ડિનર માટે ખાસ શેફને રાજકોટ બોલાવવામાં આવ્યા છે. બુધવારે બપોરે ચાર વાગ્યે બંને ટીમ રાજકોટ આવ્યા બાદ હોટેલમાં આરામ કરશે. ત્યાર બાદ ચોથા ટી-20 મેચ પૂર્વે સાઉથ આફ્રિકાની ટીમ બપોરે એક વાગ્યે ખંઢેરી સ્ટેડિયમ નેટ પ્રેક્ટિસ માટે પહોંચશે. આફ્રિકા બાદ સાંજે 5 વાગ્યે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ખંઢેરી સ્ટેડિયમ પર શ્રેણીની બરાબરી કરવા માટે નેટ પ્રેક્ટિસ કરશે..
જામનગરથી રાજકોટનો ટ્રાફિક ડાઇવર્ટ કરાયો
શુક્રવારે રમાનાર મેચ દરમિયાન અહીં આવતા પ્રેક્ષકોને તેમજ બંને ટીમને પહોંચવામાં ટ્રાફિક સમસ્યા નડે નહિ તે માટે રાજકોટ-જામનગરનો ટ્રાફિક બપોરના ચાર વાગ્યાથી મોડી રાતના એક વાગ્યા સુધી ભારે વાહનો માટે રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.
જામનગર તરફથી આવતા ટ્રક, ટેન્કર, ટ્રેલર જેવા ભારે વાહનો પડધરીના મોવૈયા સર્કલથી ટંકારા થઇ રાજકોટ આવી શકશે. આ ઉપરાંત પડધરી, નેકનામ થઇ મીતાણા થઇને પણ રાજકોટ આવી શકશે. આ જ રીતે રાજકોટથી જામનગર જતા ભારે વાહનો જઇ શકશે.
ટ્વેન્ટી-30 : ભારતની ટીમના 11 ખેલાડી 20+ના જયારે સાઉથ આફ્રિકાના 10 ખેલાડીની ઉંમર 30 વર્ષથી વધુ
ટીમ ઇન્ડિયામાં સૌથી વધુ ઉંમરના એક માત્ર ખેલાડી દિનેશ કાર્તિક(37) છે. જ્યારે સૌથી નાની ઉંમરનો રવિ બિશ્નોઇ(22) છે. તેમજ 30થી વધુની વયના યજુર્વેન્દ્ર ચહલ(32), હર્ષલ પટેલ(32) અને ભુવનેશ્વર કુમાર(32) છે. જ્યારે 20 વર્ષથી વધુની વયમાં કપ્તાન રિષભ પંત(25), હાર્દિક પંડ્યા(29), રૂતુરાજ ગાયકવાડ(25), શ્રેયશ અય્યર(28), અક્ષર પટેલ(28), દીપક હુડા(27), વેંકટેશ અય્યર(28), ઇશાન કિશન(24), અવેશ ખાન(26), અર્ષદીપ સિંહ(23) અને ઉમરાન મલિક(23) છે. 23 વર્ષીય અર્ષદીપ અને 32 વર્ષીય ભુવનેશ્વર કુમારની જન્મ તારીખ અને મહિનો સરખો છે. બંનેના 5, ફેબ્રુઆરીના જન્મદિવસ છે.
જયારે સાઉથ આફ્રિકાની ટીમમાં પણ યુવા ખેલાડીઓ છે પરંતુ આ ટીમમાં 30થી વધુની ઉંમરના 10 ખેલાડી છે. કપ્તાન ટેમ્બા બાવુમા(32), ડેવિડ મિલર(33), ક્વિટન ડી કોક(30), રાસી વેન ડેર ડ્યુસેન(33), રિઝા હેન્ડ્રિક્સ(33), ડવેન પ્રિટોરિયસ(33), હેનરિક ક્લાસેન(31), તબરેજ શમસી(32), કેશવ મહારાજ(32), વેઇન પર્નેલ(33) છે. જ્યારે 20થી વધુની ઉંમરમાં એડન મારકસ(28), કાગીસો રબાડા(27), એનરીચ નોર્ટજે(29), લુંગી નગીડી(26) છે. જ્યારે આ ટીમમાં સૌથી નાની વયના ક્રિસ્ટન સ્ટ્રબ્સ(22) અને માર્કો જેન્સન(22) છે. આ ટીમમાં પણ 33 વર્ષના રિઝા હેન્ડ્રિક્સ અને 22 વર્ષના ક્રિસ્ટન સ્ટ્રબ્સનો ઓગસ્ટ માસમાં છે.
પ્રવેશદ્વાર પર 18 ડોર ફ્રેમ સાથે પોલીસ તૈનાત
મેચ જોવા આવતા પ્રેક્ષકોને પોલીસ તંત્ર દ્વારા સ્ટેડિયમના વિવિધ પ્રવેશદ્વારો પર ગોઠવવામાં આવેલા 18 ડોર ફ્રેમમાંથી પસાર થવું પડશે. આ ઉપરાંત મેટલ ડિટેક્ટર સાથે 35 કર્મચારીને તૈનાત કરાયા છે. અહીં લગેજ સ્કેનર પણ ગોઠવવામાં આવ્યું છે.
આ ઉપરાંત બે ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ સાથે મેડિકલની ટીમને પણ સ્ટેડિયમમાં રાખવામાં આવી છે. સ્ટેડિયમ અંદર તેમજ બહારની સુરક્ષા માટે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ 5 ડીવાય.એસ.પી., 10 ઇન્સ્પેક્ટર, 40 સબ ઇન્સ્પેક્ટર, 232 એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, 64 મહિલા પોલીસને રાખવામાં આવ્યા છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની બે ટીમને રાખવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.