રાજકોટ:47 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મનપા બહાર જનરલ બોર્ડ, કોરોનાની ચર્ચા પડતી મુકી કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે તું તું-મેં મેં થઇ

રાજકોટએક વર્ષ પહેલા
ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી
  • ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો તું તું-મેં મેં પર ઉતરી આવ્યા, કોંગ્રસના અને ભાજપના કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી
  • ગુજરાતના કોંગ્રેસના અડધા ધારાસભ્યો ભાજપમાં આવવા માગે છે પણ ભાજપમાં હવે જગ્યા નથીઃ સ્ટેન્ડિંગ ચેરમેન
  • હાથ સેનિટાઇઝ અને ટેમ્પરેચર માપ્યા બાદ જ બોર્ડમાં પ્રવેશ, બે કોર્પોરેટર વચ્ચે બે ખુરશીનું અંતર રખાયું
  • પ્રજાના અને કોરોનાના સવાલો હલ કરવાના બદલે ફરી બોર્ડમાં તું તું-મેં મેં પર આવી સમયનો બગાડ અને નાટક યથાવત
  • આગળ હવે શું કામગીરી કરશો માહિતી આપો: વિપક્ષ, વિપક્ષ હલકી કક્ષાનું રાજકારણ કરે છે: સ્ટેન્ડિંગ ચેરમેન

આજે રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં પ્રથમ વખત મનપાનું જનરલ બોર્ડ યોજાઇ છે. 47 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મનપા કચેરી બહાર જનરલ બોર્ડની મિટિંગ યોજાઇ છે. આ બેઠકમાં કોરોના અંગે બોર્ડ ઉગ્ર બની છે. વિરોધપક્ષ અને શાસકો વચ્ચે ભારે ખેંચતાણ થઇ છે. કોંગ્રેસના કોર્પોરેટરો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે તો ભાજપ કામો વિશે વાત કરી રહી છે. જનરલ બોર્ડની બહાર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. 100થી વધુ પોલીસ જવાનો બોર્ડની બહાર બંદોબસ્તમાં ગોઠવાઈ ગયા છે. કોંગ્રેસનાં કોર્પોરેટર કરતા 4 ગણા પોલીસ જવાનો ઉતારવામાં આવ્યાં છે. મહત્વનું છે કે કોરોનાનાં કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું હોવાથી મનપાના બિલ્ડિંગમાં જ્યાં દર વખતે જનરલ બોર્ડ મળે છે ત્યાંના બદલે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં જનરલ બોર્ડ રાખવાનું આયોજન થયું છે. કોરોના અંગે ચર્ચા કરવાને બદલે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટવ વચ્ચે હોબાળો થયો છે. નીલસિટી રિસોર્ટને લઇને સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના અડધા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવવા માગે છે પણ હવે ભાજપમાં જગ્યા નથી. ગુજરાતમાંથી ઘણા આવવા માગે છે પણ ભાજપમાં જગ્યા નથી. 

થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યું
થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યું

જનરલ બોર્ડમાં સમયનો બગાડ અને નાટક યથાવત
જનરલ બોર્ડમાં કોર્પોરેટરો વચ્ચે તું તું-મેં મે શરૂ થયું છે. લોકોના અને કોરોનાના સવાલો હલ કરવાને બદલે કોર્પોરેટરો ફરી બોર્ડમાં તું તું -મેં મેં પર આવી જતાં સમયનો બગાડ અને નાટક યથાવત રાખ્યું જે દરેક જનરલ બો4ડની અંદર થાય છે. કોર્પોરેટરોએ કોરોના મુદ્દે ચર્ચા કરવાની હતી પરંતુ શાસક અને વિપક્ષ એકબીજાને ખેંચતાણ કરી રહ્યા છે. કોંગ્રેસના ઘનશ્યામસિંહ અને ભાજપના કોર્પોરેટર તથા સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ વચ્ચે તું તું -મેં મેં થઇ હતી. વર્ષોથી જનરલ બોર્ડ ચર્ચાલક્ષી બોર્ડ મટી હોબાળો બોર્ડ બનવાની પરંપરા મનપાએ યથાવત રાખી છે તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે.

ચાર મહિના બાદ જનરલ બોર્ડ મળી
રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં મનપાની સામાન્ય સભા મળી છે. કોર્પોરેટરોના તાપમાન ચકાસી સામાન્ય સભામાં પ્રવેશ આપવામાં આવ્યા હતો. સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય તે મુજબ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જનરલ બોર્ડમાં અન્ય મુદ્દાના બદલે કોરોનાની જ ચર્ચા કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે શાસક અને વિપક્ષ દ્વારા સહમતી કરાઇ છે. કોર્પોરેશન કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી માર્ચ સુધી 278 લોકો જે વિદેશથી આવ્યા તેને ક્વોરન્ટીન કરવામાં આવ્યા  છે. 18 માર્ચ પ્રથમ પોઝિટિવ કેસ રાજકોટમાં આવ્યો હતો. પ્રથમ પોઝિટિવ દર્દી UAEથી આવ્યા હતા. જેનું નામ એરપોર્ટ ઓથોરિટીમાંથી મળતી યાદીમાં ન હતું.  આ વ્યક્તિ મુંબઇથી ટ્રેન મારફત રાજકોટ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે  રાજકોટમાં 4 મહિના બાદ જનરલ બોર્ડ મળી છે. કોર્પોરેશનને બદલે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે જનરલ બોર્ડ મળી છે. થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી સેનિટાઇઝ કર્યા બાદ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં તમામને એન્ટ્રી આપવામાં આવી હતી. 2 ખુરશી છોડી એક વ્યક્તિને બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. 

(તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)

અન્ય સમાચારો પણ છે...