રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ પૂર્વ બેઠકના લોકોએ હંમેશા મારા પર પ્રેમ રાખ્યો છે. 2012માં જે સ્થિતિ હતી તે જ સ્થિતિનું પુનરાવર્તન આ વખતે જવા જઈ રહ્યું છે. આજે ખૂબ આનંદ આવ્યો, કારણ કે અમારા કાર્યકરોમાં ખૂબ આનંદ હતો. મારા કોંગ્રેસના સાથીદારોનો રાજીપો જોઈ મારું દિલ ભરાઇ આવે છે. દેશની શ્રેષ્ઠ વિચારધારાથી દૂર ન રહુ તેવી મારા પર મહાદેવે કૃપા કરી છે. 2012 પહેલા દાંડિયા રાસ પણ ન થઈ શકે તે પ્રકારની સ્થિતિ હતી. પણ 2012 પછી મેં સ્થિતિ સુધારી હતી.
પશ્ચિમ બેઠક પર ખોડલધામના પૂર્વ ટ્રસ્ટીએ ઉમેદવારી નોંધાવી
ભાજપનો ગઢ ગણાતી રાજકોટ શહેરની ઐતિહાસિક પશ્ચિમ વિધાનસભા બેઠક પર બરાબરનો ચુંટણી જંગ જામી ગયો છે. અગાઉ ભાજપમાં અનેક મોટા માથાના નામો કપાઇ ગયા બાદ હવે ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી શર્મિલાબેન બાંભણીયાએ અપક્ષ દાવેદારી નોંધાવતા ભાજપમાં નવી ચર્ચા જાગી છે. શર્મિલાબેન બાંભણીયા ફોર્મ ભરવા માટે ગયા ત્યારે તેમની સાથે ભાજપના જ પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ઘેડીયા પણ ટેકેદાર તરીકે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે શર્મિલાબેન ખોડલધામના અગાઉ ટ્રસ્ટી રહી ચુકયા છે. અને ખોડલધામ મહિલા સમિતિના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચુકયા છે. ત્યારે તેમણે ભાજપનો ગઢ ગણાતી બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા નવી ચર્ચા શરૂ થઇ છે. જો કે શર્મિલાબેન આગેવાનોની સમજાવટથી ફોર્મ પરત ખેંચી લેશે ? કે પછી ચુંટણી જંગમાં લડી લેશે ? તે જોવું મહત્વનું રહેશે.
જેતપુરના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું
જેતપુર-જામકંડરણા 74 બેઠકના ભાજપના ઉમેવાર જયેશ રાદડિયાએ પોતાની ઉમેદવારી નોંધાવતા પહેલા વીરપુર પૂજ્ય જલારામ બાપાના દર્શન કર્યા હતા. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પૂજ્ય જલારામ બાપાના દર્શન કરીને આશીર્વાદ લેવા આવ્યો છું અને કાગવડ ખોડલધામ ખાતે મા ખોડલના દર્શન કરીને વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જયેશ રાદડિયાએ 50000 કરતા પણ વધુ બહુમતિથી જીતવાનો દાવો કર્યો હતો. ઉમેદવારી નોંધાવતા સમયે જયેશ રાદડિયાની સાથે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર તથા સંગઠનના આગેવાનો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજીમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાલરિયાએ ફોર્મ ભર્યું
રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરિયા આજે પોતાનું ફોર્મ ભરવા માટે સ્કૂટર પર ગયા હતા. તેઓએ પોતાનું ઉમેદવારીપત્રક રજૂ કરી ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
જસદણમાં બાવળિયાનું શક્તિ પ્રદર્શન
જસદણ વિધાનસભા 72ના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાએ ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા જનડા ગામ ખાતે પોતાના કુળદેવી માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ જસદણ અને વીંછિયાના ગઢડીયા ગામે મેલડી માતાજીના દર્શન કર્યા હતા. રેલી સ્વરૂપે ઉમેદવારી ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો જસદણના આટકોટ રોડથી સેવા સદન ખાતે નીકળ્યા હતા અને ફોર્મ ભર્યું હતું. આ સમયે જસદણના રાજવીએ બાવળિયાને અભિનંદન પાઠવ્યા હતા.
ટિકિટને લઈ રાજકોટમાં બ્રહ્મ સમાજનો વિરોધ
વઢવાણ બેઠક પર ભાજપે જીજ્ઞા પંડ્યાનું નામ બદલીને જગદીશ મકવાણાનું નામ જાહેર કરતા રાજકોટના બ્રહ્મ સમાજમાં વિરોધ ઉઠ્યો છે. બ્રહ્મ સમાજના અગ્રણી મિલન શુક્લએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, આ બ્રહ્મ સમાજનું અપમાન છે. સૌરાષ્ટ્રમાં બ્રહ્મ સમાજને ભાજપે એક પણ ટિકિટ આપી નથી. જીજ્ઞા પંડ્યાની જેમ રાજકોટ પશ્ચિમની બેઠક પર બ્રાહ્મણ ઉમેદવાર જાહેર કરવાની માગ કરી છે. બીજી તરફ રાજકોટ પશ્ચિમ બેઠક પર ગોપાલ અનડકટનું ઉમેદવાર તરીકે નામ જાહેર ન થતા તેઓ નારાજ થયા છે. યાજ્ઞિક રોડ પર વિવેકાનંદ સ્ટેચ્યુ ખાતે કાર્યકરો એકઠા થયા છે.
જસદણમાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા
જસદણના ભાડલા ખાતે આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો ડો ચિરાગ કાકડિયા, વલ્લભભાઈ રાજપરા, રિંકલબેન કાકડિયા, હંસરાજભાઇ, અશોકભાઈ પોતાના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
રાજકોટમાં કોંગ્રેસના નારાજ બે દિગ્ગજ નેતા એક થયા
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપુત વચ્ચે નારાજગી ચાલતી હતી. પરંતુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને મહેશ રાજપુત ફરી એકત્ર થયા છે. આ બન્ને નેતાની હાજરીમાં આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી વોર્ડ નં. 4ના નંદાભાઈ ડાંગર અને દિપકભાઈ મકવાણા કોંગ્રેસમાં જોડાયા છે.ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના અનેક સમર્થકો કોંગ્રેસમાં જોડાશે.
પંજાબના પંચાયત મંત્રી પ્રચાર માટે રાજકોટ આવી પહોંચ્યા
પંજાબના આમ આદમી પાર્ટીના પંચાયત મંત્રી કુલદીપસિંહ ધવલિયા રાજકોટ પહોંચ્યા છે. તેઓ વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકોટમાં પ્રચાર કરશે અને ચૂંટણી સુધી રહેશે. ઈન્દ્રનીલ રાજ્યગુરુને લઈને તેઓએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી છે. ગુજરાતમાં તો શું પૂરા દેશમાં આમ આદમી પાર્ટી રૂપિયાનો ગોટાળો કરે તે શક્ય નથી. આગામી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અમે ઘરે ઘરે જઈશું, બેઠકો કરીશું અને લોકોને સમજાવીશું. અમારી સાથે બે પ્રકારના લોકો જોડાઈ છે. એક જે સિસ્ટમ બદલવા માટે આવે છે અને બીજા એ કે જે પોતાને બદલવા માટે આવે છે.
રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસે પાટીદાર પર કળશ ઢોળ્યો
ભાજપ દ્વારા રાજકોટ પશ્ચિમ સીટ પરથી ડો. દર્શિતા પારસ શાહને ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે આ બેઠકને લઈ કોંગ્રેસનું કોકડું ગુચવાયું હતું. કડવા પાટીદાર સમાજમાંથી મનસુખ કાલરીયા અને લોહાણા સમાજમાંથી ગોપાલ અનડકટને દાવેદાર માનવામાં આવ્યા હતા. અંતે કોંગ્રેસ પાટીદાર પર કળશ ઢોળી મનસુખ કાલરિયાને ટિકિટ આપી છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં બંને સમાજના મતદારોનું પ્રભુત્વ છે. મનસુખ કાલરિયા કડવા પાટીદાર સમાજના અગ્રણી છે. તેઓ રાજકોટના વોર્ડ નં.10ના કોર્પોરેટર રહી ચૂક્યા છે. રાજકોટ મ્યુનિ.માં વિરોધ પક્ષના ઉપનેતા પણ રહી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.