રાજકોટ મહાનગરપાલિકાનો 49મો જન્મદિવસ 19મીએ આવી રહ્યો છે. જો કે આ વખતે આચારસંહિતા હોવાથી કોઇપણ પ્રકારની ઉજવણી કરવામાં આવશે નહિં. મનપાના સ્થાપના દિવસ નિમિત્તે મ્યુઝિક નાઈટ, કોન્સર્ટ સહિતના કાર્યક્રમો થતા હોય છે. રેસકોર્સમાં યોજાતા આ જાહેર કાર્યક્રમોમાં શહેરીજનો મોટી સંખ્યામાં જોડાતા હોય છે. જો કે આ વર્ષે ચૂંટણી હોવાથી આચારસંહિતાને કારણે કોઇ કાર્યક્રમ કરી શકાશે નહિ તેમજ સાદી રીતે પણ ઉજવણી કરાશે નહિ. રાજકોટ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો 19-11-1973માં મળ્યો હતો અને ત્યારથી જ દર વર્ષે સ્થાપના દિવસ ઉજવાય છે.
ઘણા વર્ષો સુધી મનપાના વિસ્તારમાં વધારો થયો ન હતો. બાદમાં 1998માં રૈયા, નાના મૌવા અને મવડી વિસ્તારોને રાજકોટ મહાનગરપાલિકામાં સમાવી લેવાયા હતા જેથી મનપાનો વિસ્તાર 104.86 ચોરસ કિ.મી. થયો હતો. તબક્કાવાર અલગ અલગ ગામો મનપામાં ભળવા લાગ્યા હતા અને છેલ્લે ઘંટેશ્વર, માધાપર ગ્રામપંચાયત ભળી જતા હાલ રાજકોટ મનપાનો વિસ્તાર 161.86 ચોરસ કિલોમીટર થયું છે.
શહેરનો પશ્ચિમ વિસ્તાર ખૂબ ઝડપથી વધી રહ્યો છે જ્યારે બીજી તરફ રાજકોટ પૂર્વમાં આવેલું આણંદપર(નવાગામ) રાજકોટ શહેરમાં ભળવા માટે ઘણા સમયથી માગ થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, મનપાના સ્થાપના દિવસે યોજાતા સંગીતના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડે છે. પરંતુ આ વખતે આચારસંહિતાને કારણે રંગીલા રાજકોટવાસીઓને આ કાર્યક્રમ માણવા મળશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.