તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડ સામે વિરોધ:પ્રશાસન ખોટી રીતે દંડ ફટકારતું હોવાથી આજે બગસરા સજ્જડ બંધ, કોરોનામાં ટાર્ગેટ પુરો કરવા વેપારીઓને પરેશાન કરાતા હોવાનો આક્ષેપ, વેપારીઓમાં આક્રોશ

બગસરા8 મહિનો પહેલા
પ્રશાસન દ્વારા ફટકારવામાં આવતા દંડના વિરોધમાં બગસરા સજ્જડ બંધ - Divya Bhaskar
પ્રશાસન દ્વારા ફટકારવામાં આવતા દંડના વિરોધમાં બગસરા સજ્જડ બંધ
  • બગસરામાં આજથી બે દિવસ માટે ચેમ્બર ઓફ કોમર્સે બંધનું એલાન આપતા વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો
  • બગસરા વેપારી મંડળ, કરિયાણા એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું

બગસરામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે જે તે શાખાના સરકારી અધિકારીઓ માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર લોકો પાસેથી દંડ વસુલે છે. પરંતુ સરકારી અધિકારીઓ પોતાના ટાર્ગેટ પુરા કરવા માટે ખોટી રીતે વેપારીઓને હેરાન-પરેશાન કરી રહ્યાં છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી આજે બગસરાના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. બગસરાના તામામ નાના-મોટા વેપારીઓએ આજે પોતાની દુકાનો બંધ રાખી છે. સવારથી જ બગસરાની બજારો સુમસામ ભાસી રહી છે. અમરેલીના સાંસદ નારણ કાછડીયા અને ધારાસભ્ય જે.વી. કાકડીયા સહિતના નેતાઓ બગસરા ખાતે પહોંચી વેપારીઓ સાથે બેઠક કરી હતી. વેપારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

દંડ અંગે જવાબદાર અધિકારીઓ અને ધારાસભ્યને રજુઆત કરાઈ હતી
બગસરા વેપારી મંડળ, કરિયાણા એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આવતીકાલે રવિવારે પણ બગસરાના વેપારીઓ બંધ પાળશે. આજે બંધને સારો પ્રતિસાદ મળ્યો છે. સરકારી અધિકારીઓ દ્વારા ફટકારવામાં આવતા દંડ અંગે સ્થાનિક ધારાસભ્ય અને જવાબદાર અધિકારીઓ સુધી રજુઆત કરવામાં આવી હતી. પરંતુ પરિણામ નહીં આવતા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

બગસરામાં મેડિકલ સ્ટોર પણ બંધમાં જોડાયા
બગસરામાં મેડિકલ સ્ટોર પણ બંધમાં જોડાયા

10 દિવસથી પ્રશાસન દ્વારા દંડની કાર્યવાહી વધારવામાં આવીઃ વેપારી
બગસરાના વેપારીએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, બગસરામાં છેલ્લા 10 દિવસથી પ્રશાસન દ્વારા દંડની કાર્યવાહી વધારવામાં આવી છે. અતિરેક થતા ના છૂટકે અમારે બંધનું એલાન કરવામાં આવ્યું છે. સરકારી અધિકારીઓ યેનકેન પ્રકારે દંડ વસુલી લે છે. ગામડાઓમાંથી આવતા લોકોના બાઈક ડિટેઈન કરવામાં આવે છે. આથી ગામડાઓમાંથી આવતા ગ્રાહકો બંધ થઈ ગયા છે. આથી વેપારીઓમાં આક્રોશ હતો અને અમે બધે રજુઆત કરી છતાં કોઈ ઉકેલ ન આવતા નાછૂટકે બંધનું એલાન આપવું પડ્યું છે. છતાં પણ યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું.

બગસરામાં વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો
બગસરામાં વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો

દુકાનમાં આવીને પોલીસ કહી જાય છે કે પાંચ વ્યક્તિને ભેગા થવા દેવા નહીંઃ વેપારી
બીજા એક વેપારીએ જણાવ્યું હતું કે, વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને અમે આવકારીએ છીએ. નિર્ણયના પગલે આખું બગસરા અમે સજ્જડ બંધ રાખ્યું છે. બગસરામાં એક પણ દુકાન ખુલ્લી નથી. બીજા એક કટલેરીના વેપારીએ જણાવ્યું હતું કે, પોલીસવાળા મારી દુકાને આવીને કહી ગયા હતા કે પાંચ જણાને ભેગા ન થવા દેતા. એક ગ્રાહક લેવાવાળા હોય અને તેની સાથે બે વ્યક્તિ હોય તો મારે તેને કેમ કહેવું કે એક રહોને બે જતા રહો. આવું કહુ તો મારી દુકાને કોઈ ગ્રાહક જ ન આવે. આનાથી મારે ધંધો પણ થાતો નથી. સરકારે નાના વેપારીઓ સામે જોવું જોઈએ. અમે ઘર કંઈ રીતે ચલાવીએ છીએ એ અમે જાણીએ છીએ.

બગસરાની બજારો સુમસામ ભાસી
બગસરાની બજારો સુમસામ ભાસી

મુખ્યમંત્રીને પણ વિનંતી છે કે, બગસરામાં થોડુક ધ્યાન આપેઃ વેપારી
ચિરાગ પરમાર નામના વેપારીએ જણાવ્યું હતું કે, આજે અમે બંધ પાળી બંધના એલાનને સંપૂર્ણપણે ટેકો જાહેર કર્યો છે. બગસરાના લોકોને પ્રશાસન વધારેમાં વધારે દંડની કાર્યવાહી કરે છે તે કાર્યવાહી ઓછી થાય અને વેપારીઓમાં રાહત થાય તેવી અમારી માગ છે. બહારથી ગામડાના લોકો આવે છે તે દંડના કારણે આવતા નથી. દંડની જોગવાઈ છે તે પ્રશાસન દ્વારા ઓછી કરવામાં આવે અને લોકોનો વેપાર ફરીથી ધમધમતો થાય તેવી સરકાર પાસે માગ કરૂ છું. મુખ્યમંત્રીને પણ વિનંતી છે કે, બગસરામાં થોડુક ધ્યાન આપે.

(એહવાલ-તસવીરોઃ જયદેવ વરૂ, અમરેલી)