રાજકોટના સમાચાર:વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા કાલે ધોરાજી, ઉપલેટા, જસદણ સહિત ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં લોકદરબાર યોજાશે

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર, - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર,

રાજકોટ શહેર બાદ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે આવતીકાલે વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાજખોરોથી પીડિત નાગરીકોએ પોતાની રજુઆત લેખિત અરજી સ્વરૂપે પોલીસને આપવાની રહેશે અને તમામને રૂબરૂ સાંભળી કાયદેસરની કાર્યાવાહી કરવામાં આવશે. આવતીકાલે બપોરે 11થી 1 વાગ્યા સુધી જિલ્લાના ધોરાજી, ઉપલેટા, પાટણવાવ, જસદણ, ભાડલા, કોટડાસાંગાણી, પડધરી પોલીસ સ્ટેશન ખાતે જ્યારે બપોરે 2થી 4 વાગ્યા સુધી જામકંડોરણા, ભાયાવદર, વિરપુર, આટકોટ, વીંછિયા, લોધિકા, શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજવામાં આવશે.

રાજકોટમાં મહાકાળી મંદિર અને બૌદ્ધ વિહારને યાત્રાધામ તરીકે વિકસાવવા બહાલી
રાજકોટ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને આજે સાંજે યોજાઈ હતી. જેમાં જસદણમાં આવેલા ઐતિહાસિક ઘેલા સોમનાથ મંદિર, ગોંડલ તાલુકાના અનળગઢના કિલ્લામાં આવેલા મહાકાળી મંદિર તેમજ થાણાગાલોલના પૌરાણિક બૌદ્ધ વિહારને યાત્રાધામ તરીકે વિકાસવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી.

કાર્ય અંગે પણ સમીક્ષા કરવામાં આવી
આ બેઠકમાં મંદિર, પરિસર તેમજ આસપાસના વિસ્તારનો સર્વાંગી દ્રષ્ટિકોણથી વિકાસ કરવા પર ભાર મૂક્યો હતો અને તે અંગે પ્રેઝેન્ટેશન તૈયાર કરવા સૂચના આપી હતી. ખાસ કરીને ભક્તો આ શ્રદ્ધાસ્થાન અને ઐતિહાસિક મંદિરના દર્શને આવે ત્યારે ભક્તિમય-પવિત્ર માહોલમાં પૂજન-અર્ચન કરી શકે તેવી વ્યવસ્થા કરવા કહ્યું હતું. દર્શનાર્થીઓને અહીં પૂરતી સુવિધા મળી રહે, તેઓ મંદિરના ઐતિહાસિક વારસાને જાણીને તેના પર ગર્વ લઈ શકે તે માટે ઈતિહાસ-દર્શન ગેલેરી બનાવવા, પૂરતી પાર્કિંગ વ્યવસ્થા કરવા, પલ્બિક ટોઈલેટ્સની સંખ્યા વધારવા સૂચન કર્યું હતું. ઉપરાંત સણોસરાના દરબાર ગઢ તેમજ કોટડાસાંગાણીના સ્વામિનારાયણ મંદિરના કાર્ય અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

રાજકોટમાં વન નેશન વન ચલણ કાર્યરત બનશે: CP
રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ તેમજ અકસ્માત સંભવિત ક્ષેત્રો પર વિવિધ વિભાગોના સંકલન થકી કરવામાં આવતી કામગીરીની સમીક્ષાર્થે પોલિસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. પોલીસ વિભાગની ભવિષ્યની વિશિષ્ટ કામગીરીના આયોજન અંગે માહિતી આપતા CP ભાર્ગવે જણાવ્યું હતું કે, નજીકના સમયમાં રાજકોટ, અમદાવાદ, બરોડા તેમજ સુરતમાં ''વન નેશન વન ચલણ'' કાર્યરત બનશે. સાથે જ લોકોને ટ્રાફિક, ડાયવરઝ્ન, ફીડબેક, એલર્ટ મેસેજ પુરી પાડતી સ્વદેશી મેપલ્સ એપ પર માહિતીનો પ્રારંભ કરવામાં આવશે. આ તકે બ્લેક સ્પોટ વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્મિત પુલ તેમજ રોડની કામગીરીના સ્થળે રોડ સેફટી સંબંધિત સાઈન બોર્ડ તેમજ ડાયવરઝ્નની સૂચના સંબંધી કરવામાં આવેલી કામગીરીની માહિતી અધિકારીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડી હતી.

7 દિવસમાં સિટી બસ સેવામાં કરવામાં આવેલી કાર્યવાહી
રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV રાજકોટ રાજપથ લી. દ્વારા ગત 2થી 8 જાન્યુઆરી સુધીમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 8,575 કિમીની પેનલ્ટી મુજબ અંદાજિત રૂ.3,00,125ની કરવામાં આવી છે. સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ રૂ.25,800ની પેનલ્ટી કરવામાં આવી છે.

સિટી બસના 6 કન્ડક્ટર કાયમી સસ્પેન્ડ
સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી અને અનિયમિતતા બદલ 14 કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે 6 કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચેકિંગ દરમિયાન 45 મુસાફરો ટિકિટ વગર જણાતા તેમની પાસેથી અંદાજિત રકમ રૂ.4950નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

BRTSમાં રાજ સિક્યોરિટીને રૂ.600 દંડ ફટકાર્યો
રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા રાજકોટ શહેરીજનોને BRTS રૂટ પર કુલ 18 BRTS બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. BRTS બસ સેવામાં 2થી 8 જાન્યુઆરી દરમિયાન અંદાજિત 48,546 કિમી ચાલી છે તેમજ 1,81,572 મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવ્યો છે. BRTS બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યોરિટી પૂરા પાડતી એજન્સી રાજ સિક્યોરિટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ.600ની પેનલ્ટી કરવામાં આવી છે.

ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા અંગે બેઠક યોજાઈ
રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાના પાટણવાવ સ્થિત ઓસમ ડુંગર ખાતે તૃતીય ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા 2022-23નું આયોજન 12 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યું છે, ત્યારે આ સ્પર્ધાના સુચારા આયોજન માટે ધોરાજી પ્રાંત અધિકારી જયેશ લીખિયાના અધ્યક્ષસ્થાને ઓસમ ડુંગર તળેટી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પર્ધકોના રહેવા-જમવાની વ્યવસ્થા, ખોરાકની ગુણવત્તા, આરોગ્ય વ્યવસ્થા, લાઈટિંગની વ્યવસ્થા, રૂટ સાફ સફાઈ વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, વન્ય જીવોથી સલામતી માટે પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઓસમ ડુંગરની તળેટીમાં બેઠક યોજાઇ હતી.
ઓસમ ડુંગરની તળેટીમાં બેઠક યોજાઇ હતી.

આ સ્પર્ધામાં 14થી 18 વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લેશે
આ સ્પર્ધામાં 8 જિલ્લાનાં જુનિયર વિભાગના 14થી 18 વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લેવાના છે. આ બેઠકમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.પી. દિહોરા, ધોરાજી મામલતદાર એમ.જી. જાડેજા, ઉપલેટા મામલતદાર એમ.ટી. ધનવાણી, ધોરાજી તાલુકા વિકાસ અધિકારી પી.ડી. ડઢાણીયા, પાટણવાવ સરપંચ પ્રવીણભાઈ પેથાણી તથા સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વેરા વસુલાત શાખાએ આજે 12 મિલકત સીલ કરી.
વેરા વસુલાત શાખાએ આજે 12 મિલકત સીલ કરી.

વેરા વસુલાત શાખાએ 12 મિલકત સીલ કરી
આજે વેરા-વસુલાત શાખા દ્વારા 12 મિલ્કતોને સીલ કરી હતી. તેમજ 65 મિલ્કતોને ટાંચ જપ્તી નોટિસ ફટકારી 55.28 લાખ રૂપિયાની રીકવરી કરી હતી. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફિસર, તમામ વોર્ડના ટેક્સ ઇન્સપેક્ટરો કરવામાં આવી હતી.. હાલ સીલિંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...