કોઇ રોકટોક નહીં, બિન્દાસ પધારો!:રાજકોટને ઓમિક્રોનનો ખતરો, જામનગરથી રોજ અસંખ્ય લોકો આવે છે, ST બસપોર્ટ કે રેલવે સ્ટેશને ટેસ્ટિંગ બૂથ ખડકી દીધા પણ કોઇ રોકતું નથી

રાજકોટ7 મહિનો પહેલા
એસટી બસપોર્ટમાં હજારો મુસાફરો આવે છે પણ ટેસ્ટિંગ બૂથ દ્વારા ચેકિંગ કે સ્ક્રિનિંગ કરવામાં આવતું નથી.
  • ગઈકાલે રાજકોટમાં દાદા-દાદી અને પૌત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્રણેયનું જામનગર કનેક્શન નીકળ્યું
  • ઓમિક્રોન જામનગરથી રાજકોટમાં ફેલાય નહીં તે માટે તંત્ર સતર્ક અને તમામ મુસાફરોના ટેસ્ટિંગનો મેયરનો પોકળ દાવો

ગુજરાતમાં સૌથી વધુ ઓમિક્રોનના 3 કેસ જામનગરમાં નોંધાયા છે. ગઇકાલે રાજકોટના એક જ પરિવારના દાદા-દાદી અને પૌત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં ત્રણેયની ટ્રાવેલ હિસ્ટ્રી જામનગરની સામે આવી છે. ત્રણેયને ઓમિક્રોન હોય શકે તેવી શંકા પણ સેવાય રહી છે. આથી રાજકોટ પર ઓમિક્રોનનો ખતરો મંડરાઇ રહ્યો છે. આજે દિવ્યભાસ્કરની જામનગરથી આવતા અસંખ્ય લોકોનું ચેકિંગ થાય છે કે નહીં તે જાણવા એસટી બસપોર્ટ, રેલવે સ્ટેશન અને મુખ્ય પ્રવેશદ્વાર માધાપર ચોકડી પર જઇને ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, મનપાએ રેલવે સ્ટેશન અને બસપોર્ટ પર ટેસ્ટિંગ બૂથ ખડકી દીધા છે પરંતુ સ્ટાફ દ્વારા એક પણ મુસાફરને રોકવામાં આવતો નથી.

એસટી બસપોર્ટ પર કોવિડ ગાઇડલાઇન્સનો ભંગ
દિવ્યભાસ્કરની ટીમ એસટી બસપોર્ટ પર પહોંચી ત્યારે જામનગરથી આવતી બસોમાંથી ઉતરતા મુસાફરોનું આરોગ્ય ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે કે નહીં તે તપાસ્યું હતું. પરંતુ એક પણ મુસાફરને ચેકિંગ કે સ્ક્રિનિંગ માટે રોકવામાં આવતો નથી. તેમજ એસટી બસપોર્ટમાં કોવિડ ગાઇડલાઇન્સનો ઉલાળ્યો થતો હોવાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. ન તો લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું કે ન તો મુસાફરોએ માસ્ક પહેર્યા. આવી જ સ્થિતિ રહી તો રાજકોટમાં ઓમિક્રોનનો પગપેસારો થતા વાર નહીં લાગે.

બસપોર્ટમાં મુસાફરો બાજુમાંથી જ પસાર થાય છે પણ આરોગ્યની ટીમ ચેકિંગ માટે તસ્દી લેતું નથી (સર્કલમાં જોઇ શકાય છે).
બસપોર્ટમાં મુસાફરો બાજુમાંથી જ પસાર થાય છે પણ આરોગ્યની ટીમ ચેકિંગ માટે તસ્દી લેતું નથી (સર્કલમાં જોઇ શકાય છે).

રેલેવે સ્ટેશને પણ જામનગરથી આવતા મુસાફરોને કોઇ રોકતું નથી
આવી જ સ્થિતિ રેલવે સ્ટેશને જ જોવા મળી હતી. રેલવે સ્ટેશન પર આરોગ્ય વિભાગની ટીમને મુસાફરોનું સ્ક્રિનિંગ અને ચેકિંગ કરવા માટે મુકવામાં આવી છે. પરંતુ આરોગ્ય વિભાગના એક પણ એક પણ કર્મચારી મુસાફરનું ચેકિંગ કે સ્ક્રિનિંગ કરવાની તસ્દી લેતા નથી. મુસાફરો બેરોકટોક ફરી રહ્યા છે. જામનગરવાસીઓ માટે રાજકોટના પ્રવેશ ગણાતા માધાપર ચોકડી ખાતે પણ અસંખ્ય ખાનગી વાહનો મારફત જામનગરથી લોકો આવી રહ્યા છે. મુખ્ય પ્રવેશદ્વાર પર જ ટેસ્ટિંગ બૂથ રાખવામાં આવ્યું નથી. આથી લોકો બેરોકટોક રાજકોટમાં ઘૂસી જાય છે. જામનગરથી આવતો એક વ્યક્તિ જો ઓમિક્રોન પોઝિટિવ હોય અને રાજકોટમાં આમ તેમ ફરે તો અસંખ્ય લોકો માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે.

એસટી બસપોર્ટના મુખ્ય દરવાજા બહાર પણ ગાર્ડ મુસાફરોના હાથ સેનિટાઇઝ કરવાને બદલે ખુરશી પર આરામ ફરમાવે છે.
એસટી બસપોર્ટના મુખ્ય દરવાજા બહાર પણ ગાર્ડ મુસાફરોના હાથ સેનિટાઇઝ કરવાને બદલે ખુરશી પર આરામ ફરમાવે છે.

જામનગરથી મોટાભાગના લોકો ખાનગી વાહનોમાં આવે છે
સમગ્ર સૌરાષ્ટ્ર પૈકી માત્ર જામનગરમાં હાલ ઓમિક્રોનનો કેસ સામે આવ્યો છે. જોકે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર હોય સ્વાભાવિક રીતે જામનગરથી અનેક લોકો રાજકોટ અવર-જવર કરતા હોય છે. જેમાં કેટલાક લોકો બસ-ટ્રેન મારફતે જ્યારે કેટલાક અન્ય પ્રાઇવેટ વાહનો મારફતે જામનગરથી રાજકોટ આવતા હોય છે. ત્યારે જામનગરમાં જોવા મળેલો ઓમિક્રોન રાજકોટમાં ફેલાય નહીં તે માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે દિવ્યભાસ્કરે શહેરના મેયર સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં મેયરે રેલવે-બસસ્ટેશન પર મુસાફરોનું ટેસ્ટિંગ થતું હોવાનું જણાવ્યું છે. જોકે અન્ય ખાનગી વાહનોમાં આવતા લોકો મામલે બોલવાનું મેયરે ટાળ્યું હતું.

એસટી બસપોર્ટમાં સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ.
એસટી બસપોર્ટમાં સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ.

રેલવે-બસસ્ટેશન ખાતે દિવસ-રાત ટેસ્ટિંગ કરવામાં આવેઃ મેયર
મેયર ડો.પ્રદિપ ડવે વધુમાં જણાવ્યું હતું કે, વિદેશથી આવતા લોકોનું એરપોર્ટ ઉપર ચેકિંગ કરવામાં આવતું જ હોય છે. હાલમાં કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ એરપોર્ટ ઉપર ખાસ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાનાં સહેજ પણ લક્ષણો જણાય તેવા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે પણ ખસેડવામાં આવે છે. સાથે ક્યારેક મુસાફરો ટેસ્ટ કરાવવા ઇચ્છતા હોય ત્યારે તેને સમજાવીને પણ આરોગ્યની ટીમો દ્વારા દિવસ-રાત ટેસ્ટિંગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજીત 190 કરતા વધારે વિદેશી મુસાફરો રાજકોટ આવી ચૂક્યા છે. આ પૈકી હજુ સુધી ઓમિક્રોનનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ તકે લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતનાં નિયમોનું પાલન કરવા અપીલ પણ તેમણે કરી છે.

માધાપર ચોકડીએ જામનગરથી ખાનગી વાહનોમાં આવતા લોકોને પણ રોકવામાં આવતા નથી.
માધાપર ચોકડીએ જામનગરથી ખાનગી વાહનોમાં આવતા લોકોને પણ રોકવામાં આવતા નથી.

ગઇકાલે એક જ પરિવારના 3 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
ગઇકાલે રાજકોટના પેલેસ રોડ પર રહેતા એક જ પરિવારના દાદા-દાદી અને પૌત્રી કોરોના સંક્રમિત થયા હતા. ગઈકાલે શહેરમાં કુલ 4 કેસ નોંધાયા હતા. જેમાં પેલેસ રોડ પર રહેતા 76 વર્ષીય દાદા, 68 વર્ષીય દાદી અને 8 વર્ષીય પૌત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ત્રણેય દર્દી તાજેતરમાં જ જામનગરથી પરત રાજકોટ આવ્યા હતા. તેમજ 41 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેણે તો વેક્સિનના બંને ડોઝ પણ આપ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તેને હોમ આઇસોલેટ કરાયા છે.

મેયર ડો.પ્રદિપ ડવે ચેકિંગ રાત-દિવસ ચાલે છે તેવો દાવો કર્યો
મેયર ડો.પ્રદિપ ડવે ચેકિંગ રાત-દિવસ ચાલે છે તેવો દાવો કર્યો
અન્ય સમાચારો પણ છે...