તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણધામ કે માફિયાનો અડ્ડો:રાજકોટની રોઝરી સ્કૂલની વાલીને ધમકીભરી નોટિસ, ગત વર્ષની ફી બાકી હોવાથી બંને દિકારાના 3 દિવસમાં લિવિંગ સર્ટી લઇ જવા દાદાગીરી

રાજકોટ8 દિવસ પહેલા
  • ધો.5માં ભણતા એક દિકરાની ગત વર્ષની રૂ. 2500 અને HKGમાં ભણતા બીજા દિકરાની રૂ. 6250 ફી બાકી

રાજકોટમાં શિક્ષણનું ધામ કહેવાતી કેટલીક સ્કૂલો દ્વારા હવે માફિયા જેવું વર્તન વાલીઓ સાથે કરવામાં આવી રહ્યું છે. શહેરમાં આવેલી રોઝરી સ્કૂલે મુકુંદભાઇ રાવલ નામના વાલીને ધમકીભરી નોટિસ ફટકારી છે. જેમાં લખ્યું છે કે, ગત વર્ષની તમારા બંને દિકારાની ફી બાકી હોવાથી 3 દિવસમાં બંનેના લિવિંગ સર્ટિફિકેટ લઇ જવા જણાવાયું છે. આથી મુંકુંદભાઇ પણ ચિંતામાં મૂકાયા છે. આ પ્રકારે નોટિસ ફટકારી અન્ય વાલીઓમાં પણ ચર્ચા ઉઠી છે કે, આ શિક્ષણધામ છે કે માફિયાઓનો અડ્ડો.

વાલીઓ આર્થિક પરિસ્થિતિને કારણે ફી ભરી શકતા નથી
ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા દરેક શાળાના વિદ્યાર્થીઓને ફીમાં 25% રાહત આપવા જાહેરાત કરવામાં આવી હતી. જોકે આમ છતાં પણ કેટલાક વાલીઓ આર્થિક મુશ્કેલીને કારણે ફી ભરી શક્યા ન હતા. આવા જ એક વાલી મુકુંદભાઇ રાવલના બે સંતાન રાજકોટની રોઝરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમની ગત વર્ષની ફી બાકી હોવાથી સ્કૂલે વાલીને નોટીસ મોકલી કે તમારા સંતાનોનું ત્રણ દિવસમાં લિવિંગ સર્ટી લઇ જાઓ.

નોટિસની તસવીર.
નોટિસની તસવીર.

એકની 2500 અને બીજા દિકરાની 6250 રૂપિયા ફી બાકી
સ્કૂલ પિન્સિપાલે વાલી મુકુંદભાઈને મોકલાવેલી નોટિસમાં જણાવાયું છે કે, ધો.5માં ભણતા નીલની ગત વર્ષની રૂપિયા 2500 અને એચ.કે.જી.માં ભણતા વીરની રૂપિયા 6250 ફી બાકી છે. બન્ને સંતાનોને ફીમાં માફી પણ આપી છતાં મીડિયા સમક્ષ ખોટી રજૂઆતો કરી ઘર્ષણમાં ઉતરવાના પ્રયત્ન કરો છો. જેથી આપના બાળકની તમામ જરૂરિયાતો સંતોષી શકે તેવી શાળામાં એડમિશન લેવા માટે અહીંથી ત્રણ દિવસમાં લિંવિંગ સર્ટી લઇ જજો. અન્યથા રજીસ્ટર એ.ડી.થી આપના ઘરે એલ.સી. મોકલી દેવામાં આવશે.

આ કાર્યવાહી સરકાર હસ્તક જ થવી જોઇએઃ મુકુંદભાઇ
મુકુંદભાઇ રાવલે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાત એવી છે કે સ્કૂલ હવે મને ધમકી આપે છે. મે સોશિયલ મીડિયા મારફત સરકારને જાણ કરી છે. જેમાં મેં જણાવ્યું છે કે, આવી સ્કૂલની મંજૂરી રદ કરી તાત્કાલિક બંધ કરવામાં આવે. આ કાર્યવાહી સરકાર હસ્તક જ થવી જોઇએ જેથી કોઇ સ્કૂલ વાલી સાથે દાદાગીરી ના કરે. મને ફી ન ભરો તો રજીસ્ટર એડીથી લિવિંગ સર્ટિફિકેટ ઘરે મોકલી દેવામાં આવશે તેવી નોટિસ મોકલી છે. મેં સ્કૂલને લેખિત બાંહેધરી આપી છે કે હું ફી ભરી દઇશ. છતાં પણ સ્કૂલને પીડીસી ચેક જોઇએ તો હું આપવા તૈયાર છું. સરકાર રાતોરાત અન્ય નિર્ણયો લે છે તો આ અંગે કેમ કોઇ નિર્ણય લેવામાં આવતો નથી.

વાલીએ સરકાર પાસે મદદ માગી.
વાલીએ સરકાર પાસે મદદ માગી.

શાળા દ્વારા નકલ DEOને મોકલાય હોવા છતાં શાળા સામે કોઈ કાર્યવાહી નહિ
શાળા દ્વારા નકલ ડી.ઈ.ઓ.ને મોકલાય હોવા છતાં શાળા સામે કોઈ કાર્યવાહી થઇ નથી. ઉલ્લેખનીય છે કે આ પ્રકારે ઘણા વાલીઓ છે કે, જેમને ફી ભરપાય નથી કરી અને શાળા દ્વારા ફી માંગવામાં આવે તો યેનકેન પ્રકારે બહાના બતાવવામાં આવી રહ્યાં છે. ત્યારે શાળા સંચાલકો પણ આ મુદ્દે સરકાર પાસે ચર્ચા કરવા તૈયારી દાખવી રહ્યાં છે.

અગાઉ પબ્લિક સ્કૂલે વાલીને ધમકીભર્યો પરિપત્ર મોકલ્યો હતો
8 દિવસ પહેલા રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા વાલીઓને એક સર્ક્યુલર મોકલવામાં આવ્યો હતો. જેમાં 10 જેટલા અલગ અલગ મુદ્દાઓની નોંધ કરવામાં આવી હતા. આ 10 મુદ્દાઓ પૈકી કેટલાક મુદ્દાઓના કારણે વિવાદ સર્જાયો હતો અને વાલીઓ તેને ફતવારૂપ ગણાવ્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, શાળા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફી ભરશો તો જ પરિણામ આપવામાં આવશે અને ભૂતકાળમાં ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે.

8 દિવસ પહેલા પબ્લિક સ્કૂલે વાલીને ધમકીભર્યો પરિપત્ર મોકલ્યો હતો.
8 દિવસ પહેલા પબ્લિક સ્કૂલે વાલીને ધમકીભર્યો પરિપત્ર મોકલ્યો હતો.

સરકારના નિયમોનો ઉલાળિયો કરતી સ્કૂલ
આ સાથે LKG, HKG, નર્સરી અને ધોરણ 1ના વાલીઓને 1 જૂનના રોજ જ્યારે ધોરણ 2થી 5ના વાલીઓને 2 જૂનના રોજ અને ધોરણ 6થી 9ના વાલીઓને 3 જૂનના રોજ સ્કૂલે બોલાવવામાં આવ્યા હતા. જેમાં પાછલી ફી બાકી હોય તો તે અને નવા વર્ષમાં પ્રવેશ માટે 5000 રૂપિયા સાથે ભરવા માટે સર્ક્યુલરમાં ઉલ્લેખ કરાયો હતો. એટલું જ નહિ આ સાથે સરકારના નિયમોનો ઉલાળિયો થતો હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે. કારણ કે સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને NCERTના પુસ્તકો જ લેવડાવવા સૂચન કર્યુ છે. પરંતુ આમ છતાં પણ રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા ખાનગી પ્રકાશનના પુસ્તકો લેવા વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...