માંગ:રાજકોટમાં ટ્યુશન ક્લાસિસ બંધ હોવાથી નુકસાની, કોચિંગ ક્લાસિસ ઓનર્સ એસો.એ કહ્યું- શિક્ષકો અને સંચાલકોને રાહત પેકેજ, પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપો

રાજકોટ4 મહિનો પહેલા
રાજકોટ કોચિંગ ક્લાસ ઓનર્સ એસો.ના પ્રમુખ પ્રકાશ કરમચંદાણી
  • ક્લાસિસ છેલ્લા દોઢ વર્ષથી બંધ હોવાથી ઘણા સંચાલકોના ઘરમાં આર્થિક સ્થિતિ કથળી

રાજકોટમાં કોચિંગ ક્લાસિસ ઓનર્સ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ પોતાની બે માંગ રજૂ કરવામાં આવી છે. ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા 24 માર્ચ 2020ના રોજ તાત્કાલિક અસરથી કોચિંગ ક્લાસ બંધ કરવાની સુચના આપવામાં આવી હતી. જે સૂચનાને ધ્યાનમાં રાખીને તમામ ક્લાસિસ સંચાલકોએ તાત્કાલિક ધોરણે ક્લાસિસ બંધ કરીને જાહેરનામાનું ચુસ્તપણે પાલન કર્યુ હતું અને આજ દિવસ સુધી તમામ ક્લાસિસ બંધ હોવાથી નુકસાની થતી હોવાથી રાહત પેકેજ અને પ્રોપર્ટી ટેક્સમાં રાહતની માંગ સરકાર સમક્ષ રજૂ કરી છે.

ક્લાસિસ સંચાલકોની આર્થિક સ્થિતિ દયનીય
કોચિંગ કલાસ ઓનર્સ એસોસિએશન દ્વારા પત્ર લખી માંગ રજૂ કરતા જણાવ્યું હતું કે, લગભગ છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી અમારા ક્લાસિસ બંધ છે કે જે અમારો અને અમારા પરિવાર તથા અમારી સાથે સંકળાયેલા શિક્ષકોનો એકમાત્ર આવકનો સ્ત્રોત છે. અમારો વ્યવસાય છેલ્લા દોઢ વર્ષથી બંધ હોય, ઉપરાંત ઘણા ક્લાસિસ સંચાલકોના ઘરમાં મહામારીની અસર વરતાણી હોય, ક્લાસિસ સંચાલકોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. આવા સમયે ઘરખર્ચ, લોનના હપ્તા ઉપરાંત પગાર ચૂકવણી જેવા ખર્ચ જેવા આર્થિક બોજ ઉઠાવ્યા બાદ વેરા ભરવા માટે અમે સક્ષમ રહ્યા નથી.

ક્લાસિસ 50 ટકા ક્ષમતા સાથે શરુ કરવાની મંજૂરી આપો
આ સાથે સરકાર દ્વારા હોટલ, રિસોર્ટ અને વોટરપાર્કસને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે તે જ રીતે તેમાં ટ્યુશન ક્લાસિસનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગણી રજૂ કરી છે. સાથે સરકાર અન્ય વ્યવસાયો અને સેવાઓની જેમ ટ્યુશન ક્લાસિસને પણ ગાઈડલાઈન્સ મુજબ 50 ટકા ક્ષમતા સાથે શરુ કરવાની પરવાનગી આપે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...