છેતરપિંડી:રાજકોટમાં ટાઇલ્‍સ ખરીદવા વેપારીએ ઓનલાઇન રૂ. 2.60 લાખ ચૂકવ્યા, ઓર્ડર લેવા ગયા તો બોગસ કંપની હોવાનું ખુલ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપીઓની ફાઈલ તસવીર
  • પોલીસે 2 ની ધરપકડ કરી, મોરબીમાં કરોડોની છેતરપીંડી આચર્યાનું સામે આવ્યું છે

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નિવેદીતાનગરમાં રહેતા હિરેનભાઇ કિરીટભાઇ કિશોર (ઉ.વ.38) એ સાયબર ક્રાઇમ પોલીસ મકમાં બ્રીજેશ પટેલ ઉર્ફે યાજ્ઞિક વાસુદેવ નિમાવત, વિવેક, દિપક, જયેશ દિનેશભાઇ અગ્રાવત અને યશપાલ વાસુદેવભાઇ નિમાવત સામે ફરીયાદ નોંધાવી હતી.

એક અજાણી પોસ્‍ટમાં પોતાનો કોન્‍ટેક નંબર દાખલ કર્યો
હિરેનભાઇએ ફરીયાદમાં જણાવ્‍યું હતું કે, પોતે 150 ફૂટ રીંગ રોડ પર આર.કે. એમ્‍પાયર બિલ્‍ડીંગમાં ઓફીસ ધરાવે છે. આઠેક મહિના પહેલાથી આકર્નીટ ઇંન્‍ટરનેશનલ નામની પેઢી ભાગીદારીમાં પેઢી શરૂ કરી હતી પોતે વેપાર બાબતે વારંવાર સોશિયલ મીડીયામાં પોસ્‍ટ મુકતા હોઇ, દરમ્‍યાન પોતાના ફેસબુકમાં એક અજાણી પોસ્‍ટમાં પોતાનો કોન્‍ટેક નંબર નાખી પોતે રીપ્‍લાય આપતા સામે વાળી વ્‍યકિતએ સાંઇ સીરામીક, મોરબી ખાતે ટાઇલ્‍સનું વેચાણ અંગે મેસેજ આવતા પોતે આ મેસેજ વાંચ્‍યા બાદ ટાઈલ્‍સ ખરીદવાનું નકકી કર્યુ હતું. અને પોતે વ્‍હોટસએપ નંબર પર કોલ કરતા સામે વાળી વ્‍યકિતએ પોતાનું નામ બ્રીજેશ પટેલ હોવાનું જણાવી પોતાનું ‘સાંઇ સીરામીક' નું વીઝીટીંગ કાર્ડનો ફોટો મોકલ્‍યો હતો બાદ પોતે પોતાનું બિઝનેસનું વીઝીટીંગ કાર્ડ મોકલ્‍યુ હતું.

મારા પાર્ટનર વિવેક સાથે વાત કરવાની રહેશે.
ગત તા. 15 માર્ચ ના રોજ પોતે તેની પાસે અલગ અલગ કંપનીના ટાઇલ્‍સના બ્રોસર મંગાવ્‍યા હતા. તેણે બ્રોસર મોકલતા બ્રોસરમાં પસંદ પડેલ ટાઈલસ સીલેકટ કરી ટાઈલ્‍સ ખરીદી બાબતે તથા ભાળ બાબતે બ્રીજેશ પટેલ સાથે વાતચીત કરી હતી. ગત તા. 21 માર્ચ ના રોજ પોતે પોતાના ઓર્ડર મુજબની ટાઇલ્‍સની લોડીંગ માટે ફેકટરીનું સરનામુ તથા ટાઈલ્‍સ ખરીદીનું પેમેન્‍ટ કરવા માટે બેંક એકાઉન્‍ટની ડીટેઇલ મંગાવતા બ્રીજેશે બેંકની માહિતી પોતાને બીજા દિવસે આપવા માટે કહેલ બાદ બ્રીજેશ પટેલે કહેલ કે ‘હાલ હું આઉટ ઓફ ઇન્‍ડીયા છું, જેથી વોટસએપ કોલ મારફતે જ વાતચીત કરી શકશુ, અને લોડીંગ બાબતે તમારે મારા પાર્ટનર વિવેક સાથે વાત કરવાની રહેશે. તેમ કહી પોતાને વિવેકના મોબાઇલ નંબર મોકલ્‍યા હતા.

કુલ રકમમાંથી 50 ટકા ટ્રાન્સફર કર્યા
જે બાદ પોતે વિવેક સાથે ટાઈલ્‍સના લોડીંગ બાબતે વાતચીત કરી હતી અને રૂા. 5 લાખની ટાઇલ્‍સ ખરીદ કરવા બાબતે વાત કરતા વિવેકે પોતાને વોટસએપમાં ટાઈલ્‍સનું લોડીંગ માટે ‘સેન્‍ટો સીરામીક, સરતાનપર લગતી માહિતી મોકલાવી હતી અને વિવેકે પોતાને ટાઈલ્‍સ ખરીદીની કુલ રકમમાંથી 50 ટકા એટલે કે રૂા. 2,60,437 નું આર.ટી.જી. એસ. કરવાનું કહેતા પોતે ગતા તા. 21 માર્ચના રોજ કોટક મહિન્‍દ્ર બેંકમાંથી રૂા. 2,60,437 નું આરટીજીએસ કરી આપ્‍યું હતું.

એન.સી.આર.પી. પોર્ટલમાં અરજી કરી
ગત તા. 22 માર્ચ ના રોજ પોતે પોતાના ભાગીદાર સાગરભાઇ હરસોડા, અક્ષયભાઇ સખીયા સાથે મોરબી સેન્‍ટો સીરામીક ખાતે ઓર્ડર મુજબ ટાઇલ્‍સ ભરવા માટે ગાડી લઇને પહોંચ્‍યા ત્‍યારે ત્‍યાં વિવેક અને બ્રિજેશ નામની વ્‍યકિતઓની કોઇ સાંઇ સીરામીક નામની કંપની ન હોવાનું જાણવા મળ્‍યું હતું. પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની ખબર પડતા પોતે ઓનલાઇન એન.સી.આર.પી. પોર્ટલમાં અરજી કરી હતી.

આંગળીયામાં પૈસા મોકલ્યા
જે બાદ પોતે તપાસ કરતા બ્રીજેશ પટેલ અને વિવેકના કહ્યા મુજબ જયશે દિનેશભાઇ અગ્રાવતે કમીશન માટે ફેડરલ બેંકમાં દીપક નનુભાઇ વાસાણી પાસે એકાઉન્‍ટ ખોલાવ્‍યું હતું. જે રૂપિયામાંથી પોતે રૂા. 1000 કમીશન પોતાની પાસે રાખી જયેશ અગ્રાવતને રૂા. 2.50 લાખ આપ્‍યા હતા. જેમાંથી જયેશ અગ્રાવતે રૂા. 10,000 પોતે કમિશન પેટેરાખી રૂા. 1,40,000 સુરત પી.એમ. આંગળીયામાંથી નોર્થ ગોવા પણજી ખાતે યશપાલ નિમાવતને આંગળીયુ કરેલ બાકીના રૂા. 1 લાખ મેકસ મેન્‍સવેર અમદાવાદ ખાતે આઇડીબીઆઇ બેંક એકાઉન્‍ટમાં બ્રીજેશ પટેલ ઉર્ફે યાજ્ઞિકના કહ્યા મુજબ જમા કર્યા હોવાનું જાણવા મળ્‍યું હતું.

મોરબીમાં કરોડોની છેતરપીંડી આચરી હતી
આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ટાઇલ્‍સના વેપારી સાથે ઓનલાઇન ટ્રાન્‍જેશન કરી રૂા. 2,60,000 ની છેતરપીંડી આચરનારા યશપાલ વાસુદેવભાઇ નિમાવત (ઉ.વ.31) અને જયેશ દિનેશભાઇ અગ્રાવત (ઉ.વ.44) ને પકડી લઇ રૂા. 1,60,000 ની રોકડ કબ્‍જે કરી હતી. અને બ્રીજેશ પટેલ ઉર્ફે યાજ્ઞિક વાસુદેવભાઇ નિમાવત, વિવેક અને દિપકની શોધખોળ હાથ ધરી છે. આ ટોળકીએ અગાઉ મોરબીમાં કરોડોની છેતરપીંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.