તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:રાજકોટમાં 135 એકરમાં અમુલ ડેરી બનશે, રસી નહિ લેનાર વેપારીએ દર 10 દિવસે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજીયાતઃ કલેક્ટર

રાજકોટ5 દિવસ પહેલા
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન.
  • વેપાર-ધંધો કરવા માટે નાના-મોટા વેપારીઓએ રસી લેવાનું ફરજીયાત કરાયું
  • વાલીઓને શાળા અંગે કોઇ ફરિયાદ હોય તો DEOને રજુઆત કરે, સરકારના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે: કલેકટર

સૌરાષ્ટ્ર માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. રાજકોટમાં અમૂલ ડેરી બનાવવામાં આવેશે તેવી જાહેરાત કલેક્ટર રેમ્યા મોહન દ્વારા કરવામાં આવી છે. કલેક્ટરે આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા અમુલ ડેરી માટે 135 એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. આગામી સમયમાં મળનારી કેબિનેટ બેઠક મળશે. જેમાં મંજૂરી મળ્યા બાદ પ્લાન ફાઇનલ કરવામાં આવશે. તેમજ વેક્સિનેશનને વેગ આપવા માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. રસી ન લેનાર વેપારીએ દર 10 દિવસે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવાનો રહેશે.

વેક્સિનેશનને લઇને કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું
રાજકોટ શહેર અને જિલ્લામાં વેક્સિનેશન વધારવા કલેક્ટરે એક્શન પ્લાન ઘડ્યો છે. જે અંતર્ગત એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ જિલ્લાની તમામ 6 પાલિકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વેપાર-ધંધો કરવા માટે નાના-મોટા વેપારીઓએ રસી લેવાનું ફરજીયાત કરાયું છે. તેમજ જે વેપારી રસી નહીં લે તેણે દર 10 દિવસે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજીયાત હોવાનું જણાવાયું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીજી લહેરને રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ પ્રયાસો કરવામાં આવે છે.

હવે વેપાર-ધંધો કરતા લોકોએ વેક્સિન લેવી ફરજીયાત
સંક્રમણ રોકવા વેક્સિનેશન અત્યંત જરૂરી હોવાથી હવે શાકભાજીના છૂટક તેમજ જથ્થાબંધ વિક્રેતા અને ખાણીપીણીનાં લારી-ગલ્લાવાળા, હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારી, રિક્ષા, ટેક્ષી, કેબ ઉપરાંત ભાડેથી ફરતા વાહનોના ડ્રાઈવર-ક્લિનર, પાનના ગલ્લા,ચાની દુકાન, હેરસલૂન, બ્યુટીપાર્લર, ખાનગી સિક્યુરિટી એજન્સીનો સ્ટાફ, સ્વરોજગાર મેળવતા સુથાર, લુહાર, ઈલેક્ટ્રિશિયન, પ્લંબર, ટેક્નિશયનો, સાથે જ શોપિંગ મોલ કે કોમ્પલેક્ષમાં ધંધો-નોકરી કરતા વેપારી માટે વેક્સિન ફરજીયાત કરવામાં આવી છે. એમ છતાં કોઈને વેક્સિન ન લેવી હોય તો ગ્રામ્ય વિસ્તારમાં 10 દિવસે તેઓએ કોવિડ નેગેટિવ હોવાનો રિપોર્ટ આપવો પડશે.

રસીનું પ્રમાણપત્ર નહિ હોય તેવા વેપારીઓને ધંધો કરવા દેવામાં આવશે નહિ
વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, આજથી લઈ આગામી તારીખ 30 સુધી જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકા સહિતનાં જિલ્લાના તમામ તાલુકામાં કલેક્ટર અને નગરપાલિકાની ટીમો ચેકિંગમાં ઉતારવામાં આવશે. અને જે વેપારીઓ પાસે રસીનું પ્રમાણપત્ર નહિ હોય તેવા વેપારીઓને ધંધો કરવા દેવામાં આવશે નહિ. તેમજ આ ચેકિંગની ટીમો સાથે માથાકૂટ કરનાર વેપારીઓ સામે એપેડેમિક ડીસીઝ કોવિડ એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

એઈમ્સમાં રાજ્યભરમાંથી દર્દીઓ આવે તે માટે રેલવે સાથે પ્લાનિંગ
રાજકોટ જિલ્લા કલેકટરે એઈમ્સ વિશે કહ્યું હતું કે, એઈમ્સમાં રાજ્યભરમાંથી દર્દીઓ આવે તે સંદર્ભે રેલવે સાથે મળી મહત્વનું પ્લાનિંગ કરાય રહ્યું છે. ખંઢેરી રેલવે સ્ટેશનને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે વહીવટી તંત્ર અને રેલવે વચ્ચે મિટિંગ યોજાય છે. જે અંતર્ગત એઈમ્સ માટે જ પરાપીપળીયાનો 7 મીટરનો રોડ 10 મીટરનો કરવા કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ રૂડાનો ડી.પી. રોડ પણ ડેવલપ કરવા અંગે આજે માર્ગ-મકાનના સુપરિટેન્ડેન્ટ અને એજ્યુકેટિવ ઈજનેર સાથે મિટિંગ યોજાનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

ભારતમાં સૌ પ્રથમ રાજકોટ તાલુકાના આણંદપરમાં અમૂલ ‘ATM’નું ઉદ્ઘાટન
ભારતમાં સૌપ્રથમ વખત રાજકોટ દૂધ સંઘ અને GCMMF (અમૂલ)ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ દૂધ સંઘ સંલગ્ન આણંદપર દૂધ મંડળી પર અમૂલ માઇક્રો ATMનું ઉદ્ઘાટન રાજકોટ દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ કર્યુ હતું. આણંદપર ગામના કોઈ પણ દૂધ ઉત્પાદક દૂધ મંડળીમાં અમુલ માઇક્રો ATM દ્વારા રૂપિયા ઉપાડીને ઝડપથી વળતર મેળવી શકશે, જેથી ખેડૂતોને હવે બેંકે જવાની જરૂર નહિ પડે. આ પ્રોજેક્ટ દ્વારા દેશના બીજા ઘણા દૂધ સંઘો પ્રેરિત થઈને લાખો દૂધ ઉત્પાદકોને ફાયદો મળશે.