તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયાલિટી ચેક:રાજકોટમાં RT-PCR રિપોર્ટમાં કોરોના છે કે નહીં એ જાણવા 3થી 4 દિવસ રાહ જોવાની, વ્યક્તિ પોઝિટિવ કે નેગેટિવ અંગે અજાણ, સુપરસ્પ્રેડર બને છે

રાજકોટ5 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • અમુક લેબોરેટરીમાં તો હાલપૂરતા ટેસ્ટ બંધ કરી દેવાયા, રિપોર્ટમાં 72થી 96 કલાકનું વેઇટિંગ
  • મોદીએ કહ્યું છે, RT-PCR પર ભાર મૂકો, પણ રિપોર્ટ આવે એ પહેલા દર્દીની તબિયત લથડી જાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ RT-PCR ટેસ્ટ પર ભાર મૂકવા ભલામણ કરી છે, પરંતુ રાજકોટમાં દિવ્યભાસ્કની ટીમે લેબોરેટરીમાં જઇ રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં જાણવા મળ્યું કે તમામ લેબોરેટરીમાં ત્રણથી ચાર દિવસ બાદ રિપોર્ટ આવે છે એવી સ્થિતિ ઊભી થઇ ગઈ છે. શહેરની મોટા ભાગની લેબોરેટરીમાં રિપોર્ટનો એટલો ભરાવો થઈ ગયો છે કે ટેસ્ટિંગ જ બંધ કરી દીધા છે. લેબોરેટરીની બહાર ટેસ્ટિંગ માટે પણ લાંબું વેઇટિંગ છે. રિયાલિટી ચેકમાં વેઇટિંગ અને ત્રણ દિવસ પછી રિપોર્ટ મળશે એવા લેબોરેટરીના સ્ટાફ દ્વારા જવાબો મળ્યા હતા. અમુક લેબે તો ઘસીને કહી દીધું કે ભાઈ ટેસ્ટ હમણાં બંધ રાખ્યા છે અને પહોંચાતું જ નથી.

ચાર દિવસમાં પોઝિટિવ દર્દી મોટા પ્રમાણમાં સંક્રમણ ફેલાવે
રાજકોટમાં કોરોનાનો કહેર એટલો છે કે હવે લેબોરેટરીઓમાં પણ લાંબું વેઇટિંગ ચાલી રહ્યું છે. RT-PCR રિપોર્ટ કરાવવા માટે લેબોરેટરીમાં દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે, પરંતુ રિપોર્ટ ચાર દિવસ પછી મળી રહ્યા છે. રાજકોટની લેબોરેટરીમાં રિપોર્ટ ક્યારે મળશે એ અંગે સ્ટાફને પૂછવામાં આવતાં જવાબ મળ્યો કે શુક્રવારે લેવાયેલા નમૂનાનો રિપોર્ટ સોમવારે મળશે, પરંતુ ત્યાં સુધીમાં ટેસ્ટિંગ કરેલા લોકોની તબિયત પણ બગડી ગઇ હોય છે અને યોગ્ય સારવાર પણ મેળવી શકતા નથી તેમજ ટેસ્ટિંગ કરાવ્યા બાદ આટલા દિવસ સુધી લોકો જાહેરમાં ફરે તો સંક્રમણ મોટા પ્રમાણમાં ફેલાય શકે છે.

તમામ લેબમાં 72થી 96 કલાકનું વેઈટિંગ
મહાપાલિકાએ જેને માન્યતા આપેલી છે એ તમામ લેબમાં 72થી 96 કલાકનું વેઈટિંગ છે. સરકાર દ્વારા કરાયેલા ભાવબાંધણાને પણ ઘોળીને પી ગયેલી અમુક લેબે 300 રૂપિયાનો વધારો કરી નાખ્યો છે. સાત લેબોરેટરીએ ટેસ્ટ કરવાનું જ બંધ કરી દીધું છે. હોસ્પિટલમાં દાખલ થવા માટે અત્યંત જરૂરી છે RT-PCR ટેસ્ટ ,જે લેઈટ આવતાં ત્રણથી ચાર દિવસમાં દર્દીની હાલત લથડી જાય છે. બીજી તરફ, લોકો કહી રહ્યા છે કે ચાર દિવસ પછી રિપોર્ટ આવે અને જો પોઝિટિવ હોય તો કેટલા લોકોને સંક્રમિત કર્યા હોય એ ખૂબ ગંભીર બાબત ગણાય.

ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં લોકોની લાંબી લાઇન.
ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં લોકોની લાંબી લાઇન.

ટેસ્ટિંગનો રેશિયો ગત વર્ષ કરતાં 40 ટકા વધુ
આ તરફ લેબોરેટરીના સંચાલકે (નામ ન આપવાની શરતે) જણાવ્યું હતું કે હાલમાં દર્દીઓનો ખૂબ જ ધસારો છે અને સ્ટાફ તથા મશીનરી મર્યાદિત છે. એટલું જ નહિ, કોરોના ટેસ્ટિંગની કામગીરીમાં કામ કરવા માટે સ્ટાફ તૈયાર નથી. ટેસ્ટિંગનો રેશિયો પણ ખૂબ જ વધારે છે; ગત વર્ષ કરતા આ વખતે 40 ટકાથી વધારે છે.

ટેસ્ટિંગ કરાવ્યા બાદ પણ ત્રણથી ચાર દિવસે રિપોર્ટ આવે છે.
ટેસ્ટિંગ કરાવ્યા બાદ પણ ત્રણથી ચાર દિવસે રિપોર્ટ આવે છે.

ટેસ્ટિંગ માટે ચારથી પાંચ દિવસનું વેઇટિંગ
રાજકોટ શહેરમાં અલગ અલગ 15થી વધારે લેબોરેટરી આવેલી છે, જેમાંથી મોટા ભાગની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે ચારથી પાંચ દિવસનું વેઇટિંગ છે અને જે સેમ્પલ સાઇઝ સામે આવી રહી છે એમાં પોઝિટિવ રેશિયો 50 ટકાથી વધારે છે. ત્યારે સરકારે આ અંગે ચિંતા વ્યક્ત કરવી ખૂબ જ જરૂરી છે, નહિ તો પોઝિટિવ દર્દીને રિપોર્ટ મળશે એ પહેલા ચાર દિવસ અનેક લોકોને સંક્રમિત કરે છે.

કંઈ લેબોરેટરીમાં કેવી હાલત?

લેબોરેટરી નામહાલત
ન્યૂબર્ગફોન સ્વિચ ઓફ
ગ્રીન ફોર્સફોન રિસીવ થતો નથી
ન્યૂઝોનટેસ્ટિંગ ચાલુ, પણ 72થી 96 કલાકે મળતો રિપોર્ટ
મેટ્રોપોલીસફોન રિસીવ થતો નથી
ભટ્ટ લેબોરેટરીટેસ્ટિંગ ચાલુ, પણ 72થી 96 કલાકે મળતો રિપોર્ટ
એક્યુટીસફોન રિસીવ થતો નથી
ખોડિયારટેસ્ટિંગનો ભાવ રૂ. 1100-1500, 96 કલાકે રિપોર્ટ
ન્યુટ્રોટેસ્ટિંગ બંધ
મહેકટેસ્ટિંગ બંધ
એક્સેલફોન રિસીવ થતો નથી
અર્પણફોન સ્વિચ ઓફ
માઈક્રોટેસ્ટિંગ બંધ
વોકહાર્ટફોન રિસીવ થતો નથી
સિનર્જીફોન રિસીવ થતો નથી
ગોકુલટેસ્ટિંગ બંધ
આર.બી.કોઠારીફોન રિસીવ થતો નથી
મંગલમટેસ્ટિંગ બંધ
અન્ય સમાચારો પણ છે...