રાજકોટમાં એક તરફી પ્રેમીના ત્રાસની વધુ એક ફરિયાદ સામે આવી છે. જ્યાં 'તું મારી વાઇફ છો' કહી હેરાન કરતા નાના મવા રોડ નહેરૂનગર શેરી ન. 5માં રહેતો ધવલ મુકેશભાઇ રાજપોપટ નામના યુવકથી કંટાળી ધો. 9માં અભ્યાસ કરતી રાજકોટની તરૂણીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ધવલ તેની સતત પજવણી કરતો હતો જેથી તરુણીએ આજે પોતાના હાથમાં છરીથી છરકા મારી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. પોલીસે છાત્રાના માતાની ફરિયાદ પરથી ધવલ વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ 354 તથા પોકસો એકટની કલમ 8,12 મુજબ ગુનો નોંધ્યો છે.
નંબર બ્લોક કરી નવું સિમકાર્ડ લઇ લીધું
ફરિયાદમાં યુવતીની માતાએ જણાવ્યું હતું કે,ગુરૂવારે 17/2ના રોજ મારી દિકરીએ પોતાના હાથના કાંડા પર છરીથી બે ત્રણ છરકા કરી લેતાં હું જોઇ જતાં તે રડવા લાગી હતી અને કહ્યું હતું કે મને ધવલ ખુબ ત્રાસ આપે છે તેના કારણે આમ કર્યુ છે. તેને હું સારવાર માટે લઇ ગઇ હતી. લોકડાઉનને કારણે શાળાઓ બંધ થઇ ત્યારે દિકરી મોબાઇલ ફોન પર અભ્યાસ કરતી હતી. એ દરમિયાન તેણીનો પરિચય ઈન્સ્ટાગ્રામ પર ધવલ સાથે થયો હતો. બંને સામાન્ય વાતચીત કરતાં હોવાની મને ખબર પડતાં મેં ધવલનો નંબર બ્લોક કરી નવું સિમકાર્ડ લઇ લીધું હતું.
યુવકના પિતા પણ તેને પ્રોત્સાહન આપતા હતા
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, છતાં ધવલે કોઇપણ રીતે મારો નંબર મેળવી લીધો હતો. જેથી મેં તેના પિતા મુકેશભાઇને મળી ધવલને સમજાવવાની વાત કરી હતી. પણ તેણે અમને કેસ કરવાની ધમકી આપી હતી અને પોતાના દિકરાને પ્રોત્સાહન આપતા હોય તેવું વર્તન કર્યુ હતું. ધવલના ત્રાસથી મેં અવાર નવાર મારા મોબાઇલના સિમકાર્ડ બદલ્યા હતાં. છતાં તેણે મારી સગીર દિકરીનો પીછો છોડ્યો નહોત. તે મારી દિકરીની બહેનપણીઓ અને પરિચીતોના મોબાઇલમાં મારી દિકરીના ફોટા મોકલી હેરાન કરતો હતો. તે શાળાએ જતી આવતી ત્યારે રસ્તામાં ઉભો રહી હાથ પકડી તું મારી વાઇફ છો...તેમ કહી હેરાન કરતો હતો. આ બધી વાત મારી દિકરીએ મને કરતી હતી.
બીભત્સ મેસેજ તથા ફોટા મોકલતો હતો
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, અમે ધવલને સમજાવવા છતાં તે ધમકી આપતો હતો. તે કહેતો હતો કે તમારી દિકરીના ફોટા પેનડ્રાઇવમાં છે એ વાયરલ કરી દઇશ. તે મારા મોબાઇલમાં પણ બીભત્સ મેસેજ તથા ફોટા મોકલતો હતો. ધવલની સતત હેરાનગતી, છેડછાડથી કંટાળીને મારી દિકરીએ હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.