વ્યાજખોરોએ પરિવારનો જીવ લીધો:રાજકોટમાં પઠાણી ઉઘરાણીથી કંટાળી વેપારીએ પરિવાર સાથે ઝેરી દવા પીધી, પત્ની-પુત્રના મોત બાદ આજે પોતે પણ દમ તોડ્યો

રાજકોટ13 દિવસ પહેલા

રાજકોટના યુનિવર્સિટી રોડ પર મિલાપનગર-2માં રહેતા વેપારી કિર્તીભાઈ ધોળકિયાએ પત્ની માધુરીબેન અને પુત્ર ધવલ સાથે 18 નવેમ્બરની મોડી રાતે ઝેરી દવા પી લીધી હતી. દરમિયાન બપોર સુધી કિર્તીભાઈ દુકાને નહીં આવતા તેમના મોટાભાઇ ઘરે આવી તપાસ કરતા ત્રણેયને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી તુરંત 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી અને પુત્ર ધવલના નિવેદન પરથી ફરિયાદ નોંધી હતી. ફરિયાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ત્રણેયે ઝેરી પીધી હોવાનું જણાવ્યું હતું. બાદમાં ધવલનું 20 નવેમ્બરે અને માધુરીબેનનું 21 નવેમ્બરના રોજ સારવારમાં મોત નીપજ્યું હતું. આજે કિર્તીભાઈએ પણ દમ તોડી દેતા સોની પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

પોલીસે 4 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો
18 નવેમ્બરની મોડી રાતે કિર્તીભાઈ, માધુરીબેન અને ધવલે ઝેરી દવા પી લીધી હતી. દરમિયાન બપોર સુધી વેપારી દુકાને નહીં આવતા તેમના મોટાભાઇ ઘરે આવી તપાસ કરતા ત્રણેયને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આથી તુરંત 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. વેપારીની તબિયત નાજુક હોય પોલીસે સારવાર લઇ રહેલા વેપારીના પુત્ર ધવલની પૂછપરછ બાદ સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ધવલ પપ્પુ મુંધવા, યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબ શાહ નામના વ્યાજખોર સામે મનીલેન્ડ એક્ટ, IPC 386, 506(2)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

મૃતક કિર્તીભાઈ ધોળકિયાની ફાઈલ તસવીર.
મૃતક કિર્તીભાઈ ધોળકિયાની ફાઈલ તસવીર.

વ્યાજખોરોએ ઝેરોક્સની દુકાન લખાવી લેવા ધમકી આપી હતી
મૃતક ધવલની પત્ની અમરેલી પિયર ગઈ હતી. ધવલ તેના પિતા સાથે ઝેરોક્સની દુકાન ચલાવતો હતો. પિતાએ પુત્રને વાત કરી હતી કે, આપણે વ્યાજે લીધેલા નાણાંની વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ઝેરોક્સની દુકાન લખાવી લેવા સતત ફોન પર ધમકી આપે છે. આથી હવે મરવા સિવાય કોઇ રસ્તો નથી. જે વાતથી પોતે અને મમ્મી સહમત થતા પિતાએ ઝેરી દવાની બોટલ કાઢી હતી અને દવા પાણીમાં ભેળવી પી લીધી હોવાનું સામે આવ્યું હતું.

મૃતક માધુરીબેન ધોળકિયાની ફાઈલ તસવીર.
મૃતક માધુરીબેન ધોળકિયાની ફાઈલ તસવીર.

વ્યાજ સાથે રકમ ચૂકવી છતાં વ્યાજખોરો ધમકી આપતા
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ધંધાના કામે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ ઝાલા પાસેથી રૂ.10 લાખ, સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂ.50 હજાર અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબ શાહ પાસેથી રૂ.8 લાખ લીધા હતા. જેનું સમયસર વ્યાજ સાથેની રકમ ચૂકવી છતાં ચારેય સતત કિર્તીભાઈ પાસે પઠાણી ઉઘરાણી કરતા કંટાળીને પગલું ભર્યું હતું.

મૃતક ધવલ ધોળકિયાની ફાઈલ તસવીર.
મૃતક ધવલ ધોળકિયાની ફાઈલ તસવીર.

બે વ્યાજખોરની ધરપકડ કરી
વ્યાજખોરો સામે ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં સંજયરાજસિંહ ઉર્ફે ચિન્ટુ ઝાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંજયરાજસિંહ અગાઉ પણ આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિત 4 જેટલા ગુનામાં રાજકોટ પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

સોની પરિવાર આઘાતમાં સરી પડ્યો.
સોની પરિવાર આઘાતમાં સરી પડ્યો.

હજી બે વ્યાજખોર પોલીસ પકડથી દૂર
ઉલ્લેખનીય છે કે સોની પરિવારના કીર્તિભાઇ ધોળકિયાએ વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી વ્યાજખોરો વારંવાર આપતા હોવાથી ગત 18 નવેમ્બરના રોજ સમગ્ર પરિવારે એક સાથે ઝેરી દવા પી લીધી હતી. જેમાં સારવાર દરમિયાન કિર્તીભાઇના પુત્ર ધવલ અને પત્ની માધુરીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે કિર્તીભાઇનું આજે સારવાર દરમિયાન મોત થતા સોની પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. જો કે હજુ પણ બે જેટલા વ્યાજખોરો પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા માટે પોલીસ મથામણ કરી રહી છે.

પોલીસ બે આરોપીને વહેલી તકે પકડે
સોની પરિવારના સભ્ય તુષારભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, અમારી દુકાન અને કિર્તીભાઈની દુકાન આજુબાજુમાં જ છે. શનિવારે ત્રણેયે દવા પીધી હતી. રવિવારે ધવલનું તો સોમવારે માધુરીબેનનું નિધન થયું હતું. આજે કિર્તીભાઈ પણ અમારી વચ્ચે ન રહીને દમ તોડી દીધો છે. પોલીસે પાસે એવી જ માગ છે કે, આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. બે આરોપીની ધરપકડ કરી છે અને હજી બે આરોપી પકડાવાના બાકી છે. બને તેટલી વહેલી તકે આ આરોપીને પકડે તેવી અપેક્ષા છે.

સોની પરિવારના સભ્ય તુષારભાઈ ધોળકિયા.
સોની પરિવારના સભ્ય તુષારભાઈ ધોળકિયા.

આરોપીના પિતા હોસ્પિટલે આવ્યા ને ધવલ ડરી ગયો હતો
તુષારભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, એક આરોપીના પિતા હોસ્પિટલમાં આવીને ધવલને કહ્યું હતું કે, તમારે આ ક્યાં કરવાની જરૂર હતી. તમે બધા સાજા થઈ જાવ વહેલીતકે અને તમારી બધી રકમ માફ કરીએ છીએ. બાદમાં અમે પોલીસને પણ આ અંગે જાણ કરી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. ધવલની તબિયત એકદમ સારી હતી અને તેણે જ પોલીસને સાનભાનમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું અને તેના પરથી જ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ આરોપીના પિતાને મળ્યા બાદ ડરના કારણે ધવલની તબિયત બગડી હતી અને જીવ ગુમાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...