રાજકોટના સ્વાતિપાર્ક મેઇન રોડ પર માટેલ પાર્કમાં રહેતાં નિશાબેન સંજયભાઈ હરસોડા (ઉં.વ.40) ગઇકાલે ઘરે હતા. ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે પરિવારને જાણ થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ થતાં પોલીસે જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. મૃતકના પતિને લોઠડામાં હાર્ડવેરનું કારખાનું છે, જેમનો થોડા સમય પહેલા અકસ્માત થયો હતો જેમાં તેને હેમરેજ થયાં બાદ અવારનવાર આંચકી આવતી હતી. જેની ચિંતામાં છેલ્લાં 15 દિવસથી ગમગીન રહેતાં હતા. અંતે કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ધોરાજીના મંડલિકપુરમાં યુવાને ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
ધોરાજીના મંડલીકપુર ગામે રહેતા ધર્મેન્દ્ર વિરજીભાઈ ત્રાડા (ઉં.વ.40) ગઈકાલે પોતાનાં ઘરે કારખાને જાઉં છું કહીને નિકળ્યો હતો. બાદમાં કોઈ કારણોસર પોતાના લાદી બનાવવાના કારખાને જઈ ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં નીચે પડી ગયો હતો. આ ત્યાં કામ કરતા મજૂરે જોતા તેના પરિવારને જાણ કરી હતી. બાદમાં 108 મારફત તાત્કાલિક સારવાર માટે પ્રથમ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક ધર્મેદ્રને જેતપુરના પેઢલા ગામે લાદી બનાવાનું કારખાનું છે. પોતે બે ભાઈમાં મોટો હતો અને સંતાનમાં એક દીકરી તથા એક દીકરો હોવાનું જાણવા મળ્યું હતું. તેના પિતા ખેતીકામ કરે છે, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ઝેરી દવા પી પ્રૌઢનો આપઘાતનો પ્રયાસ
રાજકોટના શાપર નજીક આવેલા કાંગસીયાળીમાં રહેતાં પ્રૌઢ ગઇકાલે રાતે ઘરે હતાં ત્યારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આથી તેમે સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. પ્રૌઢ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને સંતાનમાં ત્રણ પુત્રી તથા એક પુત્ર છે. ગતરોજ ઘર બહાર ગયા બાદ ઝેરી દવા પી ઘરે આવ્યા હતાં. જે અંગે પરિવાર પણ અજાણ હોવાનું રટણ કર્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટ જેલમાં હડતાળ પર ઉતરેલા પાકા કામના કેદીની તબિયત લથડી
જામનગ૨ના મર્ડ૨ના ગુનામાં 19 વર્ષથી રાજકોટ જેલમાં રહેલા પાકા કામના કેદી મહમદ ઈશાક તુર્કબા (ઉં.વ.37) ભુખ હડતાલ ઉપ૨ ઉતર્યો હતો. તેની તબિયત લથડતા સા૨વા૨ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પોતે જેલની બે૨કનો ચોકીદા૨ છે. તેમજ તેમના જણાવ્યા મુજબ કોર્ટે 19 વર્ષથી જેલમાં હોય આ જેલની બે૨કમાં હત્યાના ગુનામાં પાકા કામના કેદી કાનો દેવજી અને એજાજ અહેમદ ઝઘડો ક૨તા હતા. આ બનાવની જાણ જેલના સુપરિટેન્ડેન્ટને થતા તેમને મહમદને બોલાવી ચોકીદા૨ની કામગીરીમાંથી મુક્ત કરી દઈ શિક્ષા આપી હતી. જેથી પોતે ભુખ હડતાલ પ૨ ઉતરી ગયો હતો.
બુલેટ સ્લીપ થતા યુવાનનું મોત
રાજકોટના હોડથલી ગામે રહેતાં કેતન પરસોત્તમભાઈ તોગડીયા (ઉં.વ.35) ગઇકાલે પોતાના કામ માટે બુલેટ લઈ આટકોટ ગયો હતો. જ્યાંથી ઘરે પરત ફરતો હતો ત્યારે સરધાર નજીક પહોંચતા બુલેટ સ્લીપ થઈ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બનાવસ્થળે એકઠાં થયેલા લોકોએ ઇજાગ્રસ્ત કેતનને સારવારમાં આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક ખેતીકામ કરતો અને અપરિણીત હતો. તેમજ ત્રણ બહેનનો એકનો એક ભાઈ અને પરિવારનો આધારસ્તંભ હતો.
ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં 58 હજારની ચોરી
રાજકોટ શહેરના ઢેબર રોડ પર મનસાતીર્થ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા રાજનભાઈ વિજયભાઈ ખિરૈયાની ગોંડલ ચોકડી પાસે આવેલી શિવાય ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનના તાળા તોડી દુકાનમાંથી તસ્કરો પાંચ એ.સી. ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. રાજનભાઈએ જણાવ્યું હતું કે, ગત તારીખ 2 જાન્યુઆરીના રોજ રાત્રિના હું મારી દુકાને તાળા મારી અને ઘરે જતો રહ્યો હતો અને બીજા દિવસે સવારના હું ઘરે હતો ત્યારે મને અમારે ત્યાં પેપર નાખવા આવે છે તેનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે, તમારી દુકાનનું શટર તૂટેલ હાલતમાં છે. જેથી હું મારી દુકાને ગયો તો મારી દુકાનનું શટર તૂટેલું જોવા મળ્યું હતું અને દુકાન અંદર જઈ તપાસ કરતા મારી દુકાનમાં રાખેલા અલગ અલગ પાંચ જેટલા એ.સી. રૂ.58 હજારના જે કોઈ ચોરી કરી ગયું હતું. હાલ આજીડેમ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ચાઈનીઝ દોરી સાથે એક શખ્સની ધરપકડ
રાજકોટ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે વેપારી મેહુલ કેસરીયાની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ એલસીબી ઝોન 2ની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે સોની બજાર સ્થિત ખત્રીવાડ ખાતે મેહુલ સિઝન સ્ટોર નામની દુકાનમાંથી પોલીસે અલગ અલગ કંપનીની ચાઈનીઝ દોરી નંગ 217 મળી આવી હતી. પોલીસે 217 નંગ ચાઇનીઝ દોરી સાથે કુલ 64,100નો મુદામાલ કબ્જે કરી વેપારી મેહુલ કેસરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.