તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળસંકટના ભણકારા:રાજકોટના ડેમોમાં નવેમ્બર સુધીનો જળજથ્થો, કલેક્ટરે કહ્યું- બેઠક કરી સરકારને રિપોર્ટ કરાશે, કૃષિમંત્રીએ કહ્યું- પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને પાણી અપાશે

રાજકોટએક મહિનો પહેલા
ભાદર ડેમમાં ડિસેમ્બર સુધી ચાલે તેટલું પાણી.
  • વરસાદની ખેંચને કારણે ડેમોમાં જળજથ્થો ખૂટવાને આરે, પીવાના પાણીનો પ્રશ્ન ઉભો થશે

રાજ્યમાં વરસાદ ખેંચાતા જળસંકટના ભણકારા વાગી રહ્યાં છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પીવાના પાણીનો પ્રશ્ન વર્ષોથી છે. વરસાદ ખેંચાતા રાજકોટ જિલ્લાના જળાશયોમાં માત્ર નવેમ્બર મહિના સુધી ચાલે તેટલો જ જળજથ્થો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, પીવાના પાણી માટે ખાસ બેઠક કરી સરકારને રિપોર્ટ કરવામાં આવશે. બીજી તરફ રાજકોટ આવેલા રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતો અને ઉદ્યોગોને પાણી આપવામાં આવશે.

ભાદર અને આજી-2 ડેમમાં ડિસેમ્બર સુધી ચાલે તેટલું પાણી
મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટર અરૂણ મહેશ બાબુએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના લોકોને ભાદર, ફોફળ, આજી 3, ન્યારી 2, બેટી, મોજ અને વેણુ ડેમમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે. આ તમામ ડેમમાં હાલ પાણીનો જથ્થો નવેમ્બર મહિના સુધી ચાલે તેમ છે. ભાદર અને આજી-2 ડેમમાં ડિસેમ્બર સુધી ચાલે તેટલું પાણી છે. રાજકોટ જિલ્લાની પીવાના પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સૌની યોજના મારફત પાણી પૂરૂ પાડવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. ચોમાસાની સિઝન હજુ બાકી છે અને આગામી દિવસોમાં વધુ સારો વરસાદ પડે તેવી પ્રભુને પ્રાર્થના. પરંતુ આગામી અઠવાડિયે પીવાના પાણી સંદર્ભે ખાસ બેઠક બોલાવી સરકારમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયા સાથે વાત કરી.
રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયા સાથે વાત કરી.

સૌની યોજનાથી પીવાનું પાણી આપવામાં આવે છે તેની પણ વ્યવસ્થા ચાલુઃ કૃષિમંત્રી
બીજી તરફ કૃષિમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, 15 દિવસથી જળ સંપત્તિ યોજનાઓમાં પીવાનું પાણી રિઝર્વ રાખી તમામ રિઝયનમાં ખેતીવાડી માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. નર્મદા આધારિત સૌની યોજનાથી પીવાનું પાણી આપવામાં આવે છે તેની પણ વ્યવસ્થા ચાલુ છે. રાજ્ય સરકારનું પ્રથમ કર્તવ્ય જનતાને પીવાના પાણીની સંપૂર્ણ વ્યવસ્થા જાળવી રાખવી. પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને અને ઉદ્યોગો માટે પાણી આપવામાં આવશે.

કૃષિમંત્રી આર.સી. ફળદુ જળસંકટને લઇ મીડિયાને નિવેદન આપ્યું.
કૃષિમંત્રી આર.સી. ફળદુ જળસંકટને લઇ મીડિયાને નિવેદન આપ્યું.

મોરબીની કેનાલમાંથી કારખાનેદારોની પાણી ચોરી અંગે કૃષિમંત્રીનું મૌન
વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનું હબ રાજકોટ છે. રાજકોટથી પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અને ખેતીવાડી માટે જળ સંપત્તિની યોજનામાં જે પાણી રિઝર્વ રાખવાનું હોય છે. તેને લઇને ફાઇલ રાજ્ય સરકારે મુવ કરી છે. અમે વરસાદ માટે સંપૂર્ણ આશાવાદી છીએ. ખરીફ સિઝન રામ મોલ કહેવાય છે અને રામ મોલમાં દર વર્ષે વરસાદનું પ્રમાણ જળવાયેલું જ રહેતું હોય છે. આ વર્ષે પણ ભગવાન આપણને વરસાદ આપશે. મોરબીમાં કેનાલમાંથી કારખાનેદારો પાણી ચોરી કરે છે, જેને લઇને થયેલા આંદોલન મુદ્દે આર.સી. ફળદું બોલવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...