હાઈકમાન્ડે સૌરાષ્ટ્ર-કચ્છનું આખું ગણિત ફેરવ્યું:રૂપાણી-વજુભાઈના નજીકનાને જ મળતી ટિકિટ, કોંગ્રેસમાંથી આવેલા 8 કદાવર નેતા રિપીટ, રાજકોટની ચારેય બેઠક પર નવા ચહેરા

રાજકોટએક મહિનો પહેલા

ભાજપ દ્વારા આજે 182માંથી 160 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પક્ષ કોને મેદાનમાં ઉતારે છે તેના ઉપર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની બાજ નજર રહેલી હતી. કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળી જવાનો સિલસિલો આ વખતે પણ જળવાયેલો છે. ટિકિટ ફાળવણીને લઈને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી આવેલા 10માંથી 8ને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે રૂપાણી સરકારમાં મંત્રી રહેલા બે કપાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં રૂપાણી અને વજુભાઈના નજીકનાને જ ટિકિટ મળતી હતી. પરંતુ હાઈકમાન્ડે આખું ગણિત ફેરવી નવા ચહેરાને તક આપી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ચારેય બેઠક પર નવા ચહેરાને ઉતારી જ્ઞાતિગત સમીકરણ બરાબરનું બેસાડ્યું છે.

અબડાસા, જસદણમાં રિપીટ થિયરી
ભાજપ દ્વારા અબડાસા બેઠક ઉપર પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. પ્રદ્યુમનસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળ્યા હતા. ગત ચૂંટણીમાં જીત મળતા આ વખતને પણ તેમને રિપીટ કરવામાં આવ્યા છે. આવી જ રીતે જસદણ બેઠક ઉપર કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા અને કોંગ્રેસમાંથી જ સાંસદ તેમજ ધારાસભ્ય રહી ચૂકેલા કુંવરજી બાવળિયાને રિપીટ કરવામાં આવ્યા છે. હવે તેમનો સામનો જસદણ બેઠક ઉપર ભોળાભાઈ ગોહિલ સામે થશે.

ભાજપે કોંગ્રેસમાંથી આવેલા દિગ્ગજ કુંવરજી બાવળિયા અને પ્રદ્યુમનસિંહ જાડેજાને ટિકિટ આપી.
ભાજપે કોંગ્રેસમાંથી આવેલા દિગ્ગજ કુંવરજી બાવળિયા અને પ્રદ્યુમનસિંહ જાડેજાને ટિકિટ આપી.

રીબડીયા અને બારડને તો આવતા વેત ચાંદી
જામનગર ગ્રામીણ બેઠક ઉપર રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ, દ્વારકા બેઠક ઉપરથી કદાવર નેતા પબુભા વીરમભા માણેક, માણાવદરથી જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા, વિસાવદરથી હર્ષદ રીબડીયા, હજુ ત્રણેક દિવસ પહેલાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ભળેલા ભગવાનભાઈ ધાનાભાઈ બારડને ભાજપે તાલાળાની ટિકિટ આપી છે, આવી જ રીતે ધારી બેઠક પર મૂળ કોંગ્રેસી એવા જે.વી. કાકડિયાને ભાજપે મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.

રિબડિયા અને ભગવાનજી બારડને આવતા વેંત ટિકિટ મળી ગઈ.
રિબડિયા અને ભગવાનજી બારડને આવતા વેંત ટિકિટ મળી ગઈ.

બ્રિજેશ મેરજા કપાયા તો કાંતિ અમૃતિયા ફાવ્યા
ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાંથી કોંગ્રેસ છોડીને આવેલા બે ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જેમાં મોરબીથી બ્રિજેશ મેરજા કે જેઓ રૂપાણી કેબિનેટમાં મંત્રીપદે રહી ચૂક્યા છે તેમના સ્થાને કાંતિભાઈ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જામનગર ઉત્તરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને રૂપાણી કેબિનેટમાં મંત્રી રહી ચૂકેલા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના સ્થાને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ભાજપે ટિકિટ આપી છે. અહીંથી કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા હોવાથી બે ક્ષત્રિયો વચ્ચે જોરદાર જંગ જોવા મળશે. બીજીબાજુ આ વખતે સંતના રૂપમાં બોટાદથી શંભુપ્રસાદ ટુંડિયાને પણ ટિકિટ આપવામાં આવી છે.

મોરબીમાં કાંતિ અમૃતિયાને ટિકિટ અપાઈ.
મોરબીમાં કાંતિ અમૃતિયાને ટિકિટ અપાઈ.

રાજકોટમાં શું કામ નવાને ટિકિટ આપી
રાજકોટ પૂર્વમાં વર્તમાન ધારાસભ્ય અને વાહન વ્યવહાર, યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદ રૈયાણીનું પત્તુ કપાય ગયું છે. તેમની જગ્યાએ પૂર્વ મેયર અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ પર પાર્ટીએ પસંદગી ઢોળી છે. રાજકોટ-69માં ચૂંટણી ન લડવાની જાહેરાત કરનાર વિજય રૂપાણીની જગ્યાએ જૈન સમાજના જ કોર્પોરેટર અને ડે.મેયર ડો.દર્શિતાબેન શાહને મેદાને ઉતારવામાં આવ્યા છે. આ બેઠક પર પ્રથમ વખત મહિલાને પાર્ટીએ ટિકિટ આપી છે. રાજકોટ-70માં ગોવિંદ પટેલને નિવૃત્ત કરીને પાર્ટીએ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ઉમેદવાર બનાવ્યા છે. સાથે જ આ બેઠક પરથી ડો.ભરત બોઘરાનું નામ કપાયું છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં સલામત મનાતા ધારાસભ્ય લાખા સાગઠીયાને પણ પાર્ટીએ બદલાવીને પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન કોર્પોરેટર ભાનુબેન બાબરીયાને પસંદ કર્યા છે.

નવા ચહેરા ઉતારી જૂથવાદ ખાળવા પ્રયાસ
ગુજરાતમાં રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપે મોટાભાગના નવા ચહેરા જાહેર કરી અને તમામ સમીકરણો બદલી નાખ્યા છે. રાજકોટમાં ચારેય સીટ પર નવા ચહેરા જાહેર કરી અને ભાજપે કોઈ રિસ્ક લીધું નથી. આંતરિક જૂથવાદ ખાળવાનો મોટો પ્રયાસ કર્યો છે. જામનગરની વાત કરીએ તો રિવાબાની ટિકિટ માટે પૂનમ માડમે લોબિંગ કર્યું હતું. આથી તેની સાંસદની સીટ પણ અકબંધ રહે. સૌરાષ્ટ્રમાં પક્ષ પલટા કરનાર કોંગ્રેસના નેતાઓને પણ ભાજપે ટિકિટ આપી અને બેઠક સિક્યોર કરી છે.

જૂના જોગીઓને પહેલેથી ચૂંટણી ન લડવાનું કહી દેવાયું
કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, ભગા બારડ જેવા નેતાઓને ટિકિટ આપી કોઈ જાતનું રિસ્ક લીધું નથી. જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં ભાજપે અનેક નવા ચહેરાઓને તક આપી છે. જૂના જોગીઓ નારાજ ન થાય તે માટે પહેલેથી જ તેની પાસે ચૂંટણી ન લડવાના જાણે શપથ લેવડાવી લીધા હોય અને તમામને જીતાડવાની બાહેંધરી પણ લીધી છે. સૌરાષ્ટ્રમાં ક્યાંક અંશે હજી સંઘનો દબદબો જોવા મળી રહ્યો છે. સંઘના પાયા રાજકોટ-સૌરાષ્ટ્રથી નખાયા હતા. સંઘ સાથે કનેક્શન ધરાવતા અનેક લોકોને ભાજપે ટિકિટ આપી અને પાર્ટીથી મોટું સંઘ છે તેવું મહદઅંશે સાબિત કરી દીધું છે.

વજુભાઈ અને રૂપાણીના નજીકનાની આ વખતે બાદબાકી થઈ.
વજુભાઈ અને રૂપાણીના નજીકનાની આ વખતે બાદબાકી થઈ.

વજુભાઈ-રૂપાણીના નજીકના જ ટિકિટ મળતી
મોરબીમાં મોટી હોનારત થઈ તેનું રાજકારણ ફેરવવા કાંતિ અમૃતિયાને ટિકિટ આપી અને મંત્રી બ્રિજેશ મેરજાના અરમાન પર પાણી ફેરવી નાખ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યારસુધી જૂના જોગીઓનો ભારે દબદબો હતો પરંતુ હવે આ દબદબો દૂર કરી એક નવી જ ભાજપની પ્રણાલી ઉભી કરવાનો ભાજપે તખ્તો ગોઠવ્યો છે. સૌરાષ્ટ્ર હર હંમેશાં રાજકારણની પાઠશાળા રહી છે તો હવે સૌરાષ્ટ્રમાંથી ભાજપ નવા રાજકારણના પાઠ ભણાવશે. અત્યારસુધી વિજય રૂપાણી, વજુભાઈ જેવા જૂથ સક્રિય હતા અને તેના નજીકનાઓને ટિકિટ મળતી. પરંતુ સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકોમાં ડાયરેક્ટ હાઈકમાન્ડે રસ લઈ અનેક ગણિત ફેરવી નાખ્યા છે. જો કે, બેઠકો જાહેર થતાં ભાજપમાં ઘણો આંતરિક ગણગણાટ જ છે અને જૂના ચહેરાઓ ઘણા નારાજ પણ જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...