• Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Ticket Was Given To Radadia In Jetpur And Bavlia In Jasdan, Radadia Boasted: 'I Will Win With A Huge Lead Of 50 Thousand Votes'

રાજકોટ સત્તાનો સંગ્રામ LIVE:AAPમાં ભડકો, રાજભા ઝાલાએ સો.મીડિયા પર પાર્ટીનો આભાર માન્યો, રાજીનામાની શક્યતા

23 દિવસ પહેલા
AAPના સંગઠન મંત્રી રાજભા ઝાલા - ફાઈલ તસવીર

AAPએ મહાસર્વેના પરિણામની સાથે ઈસુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા છે. એ સમયે આદમી પાર્ટીના સંગઠન મંત્રી રાજભા ઝાલા પ્રદેશ નેતાગીરીની સતત અવગણનાથી ભારે નારાજ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.ત્યારે આજે તેમણે સોશિયલ મીડિયા પર AAPના નેતાઓનો આભાર માન્યો હતો. જેને પગલે તેઓ રાજીનામુ આપશે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે.

ભાજપની લકી બેઠક પર ડો.દર્શિત્તા શાહને ટિકિટ મળી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. કેન્દ્રીય પાર્લામેન્ટ્રીની ચાલેલી 3 કલાકની બેઠક બાદ આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં ભાજપની લકી બેઠક એવી રાજકોટ પશ્ચિમ-69 પર ડો. દર્શીતા શાહ, રાજકોટ પૂર્વ 68માં ઉદય કાનગડ અને જેમના માટે ખુદ નરેશ પટલે સહિતના પાટીદાર નેતાઓએ લોબિંગ કર્યું હતું એવા પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાને દક્ષિણ બેઠકની ટિકિટ આપવામાં આવી છે.

ડો. દર્શીતા શાહ - ફાઈલ તસવીર
ડો. દર્શીતા શાહ - ફાઈલ તસવીર

3 બેઠક પર ભાજપે રિપીટ થિયરી અપનાવી
રાજકોટ જિલ્લાની કુલ 8 પૈકી 7 બેઠક પર ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં ધોરાજીને બાદ કરતા તમામ 7 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરની 3 તેમજ ગ્રામ્યની 1 બેઠક પર તમામ નવા નામો જાહેર કરવામાં આવ્યા છે. જયારે જસદણ, જેતપુર અને ગોંડલ બેઠક પર ભાજપે રિપીટ થિયરી અપનાવી છે.

કોણ છે ડો.દર્શિતા શાહ ?
નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા તેની પાછળ રાજકોટનો સિંહફાળો છે. કારણ કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ રાજકોટની પશ્ચિમ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. આ બેઠક ભાજપ માટે લક્કી છે. જે અહીંથી ચૂંટણી લડે તે મુખ્યમંત્રી કે વડાપ્રધાન બન્યા છે.ડો.દર્શિતા શાહ સતત બે ટર્મથી રાજકોટના ડેપ્યુટી મેયર છે અને જાણીતા MD છે તથા વોર્ડ નં. 2ના કોર્પોરેટર છે.તેમના પિતા PM મોદીના ખાસ મિત્ર હતા.લોકહિતના કાર્યોમાં સારી એવી પકડ છે.

ઉદય કાનગડ - ફાઈલ તસવીર
ઉદય કાનગડ - ફાઈલ તસવીર

ઉદય કાનગડના નામે નાની વયે મેયર બનવાનો રેકોર્ડ
પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ, રાજકોટના પૂર્વ મેયર, પૂર્વ ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને શાસકપક્ષના પૂર્વ નેતા ઉદયભાઇ કાનગડ છે. કોર્પોરેટર તરીકે ચારવાર ચૂંટાયા અને ચારેયવાર પક્ષે તેઓને મહત્વપૂર્ણ હોદ્દો આપ્યો હતો. ગુજરાતમાં સૌથી નાની વયે મેયર બનવાનો રેકોર્ડ પણ તેઓના નામે જ છે. વર્ષ 1995માં પ્રથમવાર મહાપાલિકાની ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા તેઓ જંગી લીડથી વિજેતા બન્યા 1997માં તેઓને રાજકોટના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન પ્રાપ્ત થયું ત્યારે તેઓએ રાજ્યમાં સૌથી નાની વયે મેયર બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

રમેશ ટીલાળા - ફાઈલ તસવીર
રમેશ ટીલાળા - ફાઈલ તસવીર

રમેશ ટીલાળા લેઉવા પટેલ સમાજના તેઓ ટ્રસ્ટી છે રમેશ ટીલાળાનો જન્મ રાજકોટ જિલ્લાના શાપર ગામ ખાતે 15 જાન્યુઆરી 1964ના રોજ થયો હતો. 10 ધોરણ પાસ રમેશ ટીલાળા પ્રથમ ખેતરમાં ખેતી કરતા હતા અને ખેતી કરતા કરતા તેઓને ઉદ્યોગ સ્થાપવાનો વિચાર આવ્યો હતો. આ વિચારની શરૂઆત તેમને ટેક્સટાઇલના ઉદ્યોગથી કરી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સફળતા મળ્યા બાદ તેઓ એક બાદ એક નવા ઉદ્યોગની સ્થાપના કરતા ગયા અને આજે તેઓ રાજકોટ અને આણંદમાં મળી કુલ 7 ઇન્ડસ્ટ્રી ધરાવે છે.રાજકોટના ટોપ 5 બિલ્ડર પૈકી એક નામ રમેશ ટીલાળાનું છે અને સાથે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામ, કાઠિયાવાડ બાલાશ્રમ, એ.પી. પટેલ કન્યા છાત્રાલય અને રાજકોટ લેઉવા પટેલ સમાજના તેઓ ટ્રસ્ટી છે. શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રી વિસ્તારની શરૂઆત ખૂબ જ ખરાબ હતી. પરંતુ ટીલાળા ચેરમેન બન્યા બાદ આજે તેઓ આ વિસ્તારને આગળ વધારવા ખૂબ મહેનત કરી રહ્યા છે.

જામકંડોરણામાં PM મોદી સાથે જયેશ રાદડિયા - ફાઈલ તસવીર
જામકંડોરણામાં PM મોદી સાથે જયેશ રાદડિયા - ફાઈલ તસવીર

જેતપુરમાં રાદડિયા, જસદણમાં બાવળીયા અને ગોંડલમાં ગીતાબાને ટિકિટ અપાઈ
આ ઉપરાંત જેમને મોડી રાત્રે ભાજપે ટિકિટ કન્ફોર્મ માટે ફોન કરી દીધા હતા તેવા જસદણ બેઠક પર પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા, જેતપુર બેઠક પર જયેશ રાદડિયા અને ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે હાલ આ ત્રણેય નેતાઓના દ્વારા ટિકિટ મળ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જયેશ રાદડિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, 'હું 50 હજાર મતની જંગી લીડથી વિજેતા થઇશ.'

ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી
ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી

ગોંડલમાં ભાજપે છઠ્ઠી વખત જાડેજા પરિવારને ટિકિટ આપી
ગોંડલ બેઠક ઉપર છઠ્ઠી વખત ટિકિટ મેળવનારા જયરાજસિંહ જાડેજા પરિવારના ગીતાબા જાડેજાએ જણાવ્યું કે, ભાજપે છઠ્ઠી વખત અમારા ઉપર વિશ્વાસ કરીને મને વિધાનસભાની ટિકિટ આપી છે ત્યારે હું પક્ષનો આ વિશ્વાસ સાર્થક કરી બતાવીશ. હું વિધાનસભા ચૂંટણીમાં વિકાસના મુદ્દા સાથે ઉતરીશ. ભાજપના શાસનમાં ગોંડલની અંદર રોડ-રસ્તા, પાણી, ફિલ્ટર પ્લાન્ટ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. આમ તો ગોંડલ બેઠક ઉપર દરેક ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ હોવાનું કહેવાઈ રહ્યું હોય છે પરંતુ જીત હંમેશા ભાજપની જ થતી આવી છે. આ વખતે પણ અહીંની જનતા ભાજપને ખોબલે ખોબલે મત આપનાર હોવાથી મારી 25,000થી વધુ મતની લીડથી જીત નિશ્ચિત છે.

બાવળિયા પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા
જસદણ બેઠક ઉપરથી કુંવરજી બાવળિયાને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે તેમણે ભાજપ હાઇકમાન્ડનો આભાર માન્યો હતો અને જંગી બહુમતી સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી લડવાની ઈચ્છા ન હતી. ભોળાભાઈ ગોહિલને પાર્ટી તરફ જબરજસ્તી ટીકીટ આપી સીજે. ભોળા ગોહિલ સાથેના બીજા મારા મિત્રો હતા એ બધા વિખુટા પડ્યા છે ત્યારે ભોળા ગોહિલ ભૂંડી રીતે હારશે. બુધવારે પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ જસદણ અને વિંછીયા વિસ્તારના અલગ અલગ આગેવાનો સાથે ઓટલા બેઠક શરૂ કરી દીધી હતી. જેમાં તેઓ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અને જીત માટેના સમીકરણોની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળીયા પાછલી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બની પક્ષપલટો કરી ભાજપમાં પ્રવેશ કરી ફરી ભાજપમાંથી પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. જો કે આ વખતે ત્રિપાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરતા આ વખતની ચૂંટણી રસાકસી ભરી જોવા મળશે.

કુંવરજીભાઈ બાવળિયા - ફાઈલ તસવીર
કુંવરજીભાઈ બાવળિયા - ફાઈલ તસવીર

ગ્રામ્યમાંમાં સાગઠીયા આઉટ, ભાનુબેન બાબરિયા ઈન
રાજકોટ ગ્રામ્ય બેઠક પર લાખાભાઈ સાગઠીયાના બદલે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ટિકિટ આપવામાં આવે તેવી પુરી શક્યતા છે. ભાનુબેન બાબરિયાએ રાજકોટ કોર્પોરેશનના વોર્ડ નંબર 1ના કૉરપોર્ર્ટર છે.ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.તેમના સસરા માધુભાઈ બાબરીયા પણ પૂર્વ ધારાસભ્ય છે.

ભાનુબેન બાબરિયા - ફાઈલ તસવીર
ભાનુબેન બાબરિયા - ફાઈલ તસવીર

નોંધનીય છે કે, આજે આમ આદમી પાર્ટીના વિધાનસભા 70ના ઉમેદવાર શિવલાલ બારસીયાએ જૂની કલેકટર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારીનું ફોર્મ રજુ કર્યુ છે.

AAPના ઉમેદવાર શિવલાલ બારસીયા
AAPના ઉમેદવાર શિવલાલ બારસીયા

મહત્તમ મતદાન થાય એ માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસો
રાજકોટના ભગવતીપરમાં રહેતા 92 વર્ષના રહેમતબેન હિંગરોજા કહે છે કે, ‘‘મારા ઘડપણના કારણે હું બહુ ચાલી શકતી નથી. એવા સંજોગોમાં મારે મત આપવા મતદાન કેન્દ્ર ઉપર જવું અશક્ય જેવું હતું. પરંતુ હવે ચૂંટણી તંત્રએ મને ઘરે બેઠા મત આપવાની સગવડ આપી છે, તે અમારા જેવા લોકો માટે ગૌરવની વાત છે. લોકશાહી મજબૂત બનાવવામાં અમારા જેવા વરિષ્ઠ નાગરિકોના કિંમતી મત ખૂબ ઉપયોગી રહેશે. મતદાનની પવિત્ર ફરજમાં અમારી ઉમરનું વિઘ્ન આડે આવશે નહીં’’

87 વર્ષના વૃદ્ધ પણ મતદાન માટે ઉત્સાહિત
ભગવતીપરામાં જ રહેતા 87 વર્ષના વ્રજલાલ જોગી વૃદ્ધાવસ્થાના કારણે હલનચલન કરી શકતા નથી. ઘરે બેઠા મતદાનની વાતથી તેઓ ખૂબ ઉત્સાહિત હતા. તેઓએ કહ્યું હતું કે ‘આ પ્રકારે ઘરેબેઠા મતદાન કરવાની સુવિધાથી મતદાનની સંખ્યામાં વધારો થશે. મારો અમૂલ્ય મત હું આપી શકવાનો તો મને આનંદ છે જ સાથો સાથ લોકશાહીના આ અમૂલ્ય મહાપર્વનો હિસ્સો બનવાને હું મારો સદભાગ્ય સમજીશ.’

રાજકોટની 8 બેઠક માટે 90 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે આજે 10મી નવેમ્બરે આશરે 90 ફોર્મ ઉપડ્યા છે. આ સાથે કુલ 402 ફોર્મ ઉપડ્યા છે. આજે નવા ચાર વ્યક્તિ દ્વારા 6 નામાંકન ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે.

 • 68-રાજકોટ પૂર્વ બેઠક માટે આજે 8 અને કુલ 71 ફોર્મ ઉપડ્યા.
 • 69- રાજકોટ પશ્ચિમ બેઠક માટે આજે 8 અને કુલ 65 ફોર્મ ઉપડ્યા.
 • 70-રાજકોટ દક્ષિણ બેઠક માટે આજે 31 અને કુલ 62 ફોર્મ ઉપડ્યા.
 • 71-રાજકોટ ગ્રામ્ય બેઠક માટે આજે 8 અને કુલ 60 ફોર્મ ઉપડ્યા.
 • 72-જસદણ બેઠક માટે આજે 11 અને કુલ 40 ફોર્મ ઉપડ્યા.
 • 73-ગોંડલ બેઠક માટે આજે 1 અને કુલ 44 ફોર્મ ઉપડ્યા.
 • 74-જેતપુર બેઠક માટે આજે 16 અને કુલ 31 ફોર્મ ઉપડ્યા.
 • 75-ધોરાજી બેઠક માટે આજે 7 અને કુલ 29 ફોર્મ ઉપડ્યા.