રાજકોટમાં રવિવારે સાંજે 7.30 કલાકે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમીન માર્ગ, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં મિનિ વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. લોધિકા, ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. હજુ બુધવાર સુધી માવઠાની આગાહી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ લોકલ ફોર્મેશનને કારણે કેટલાક વિસ્તારોમાં માવઠું અને પવન તેમજ વીજળીના ચમકારા થયા હતા. અત્યારે નોર્થ સાઉથ ટ્રફ તેમજ હવાના હળવા દબાણનો પટ્ટો હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો છે.
ગોંડલ પંથકમાં રીબડા, ભુણાવા સહિતના ગામમાં અમીછાંટણા વરસ્યા હતા. જ્યારે કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે પણ વરસાદ વરસ્યો હતો. જ્યારે મોટામાંડવા અને ગોંડલના ડૈયા ગામે કરાં પડતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતું. જસદણ, આટકોટ પંથકમાં પણ મોડી સાંજથી માહોલ બદલાયો હતો અને જોતજોતામાં ધોધમાર વરસાદ પડી જતાં રસ્તા પર પાણી ચાલતા થયા હતા. ખેડૂત અગ્રણી કનકસિંહ જાડેજાએ જણાવ્યુ કે કમોસમી વરસાદથી ચણા,ઘઉં,ધાણા અને જીરુના પાકને મોટુ નુકસાન થયુ છે.
રાજકોટ-કોટડાસાંગાણી રોડ પર બરફના થર, 12 વીજફીડર બંધ
રાજકોટ-કોટડા સાંગાણી રોડ પર કરાનો વરસાદ વરસ્યો હતો અને રોડ પર બરફના થર જામી ગયા હતા. બીજીબાજુ રાજકોટ શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ થોડો વરસાદ વરસતા જ ફીડર બંધ પડી ગયા હતા અને વીજળી ગુલ થઇ ગઈ હતી. રાજકોટ શહેરના HT-1 ડિવિઝન હેઠળ આવેલા કુવાડવા, લાતી પ્લોટ અને માર્કેટિંગ યાર્ડ ફીડર ભારે પવનને કારણે બંધ પડી ગયો હતો. આ ઉપરાંત HT-2 ડિવિઝન હેઠળ મોટી ટાંકી ચોક અને દીનદયાળ ફીડરમાં પણ ફોલ્ટ સર્જાયો હતો. HT-3 ડિવિઝન હેઠળ ગાયત્રી, પુષ્કરધામ, વાવડી, આલાપ, નાનામવા, શાંતિવન, વિદ્યુતનગર ફીડરમાં ભારે પવનને કારણે ફોલ્ટ સર્જાયો હતો.
રવિવારે સવારમાં 72 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે બંધ, બપોરે ફરી શરૂ
જૂનાગઢ | જૂનાગઢમાં રવિવારે 72 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા રોપ-વેનું સંચાલન બંધ રાખવાની ફરજ પડી હતી. ત્યારબાદ પવનની સ્થિતિ કાબૂમાં આવતા ફરી બપોરના 12 કલાકે રોપ-વેનું સંચાલન રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું રોપ-વેના સંચાલક દીપક કપલીસે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.