ગુજરાતમાં કાશ્મીર જેવો માહોલ, બરફના થર જામ્યા:રાજકોટ-જસદણમાં રાત્રે ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ, રસ્તા પાણી પાણી, હાઇવેનાં અદભુત દૃશ્યો

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં રવિવારની સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બાદમાં અમીન માર્ગ, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. લોધિકા, ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ તથા કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટ-કોટડાસાંગાણી હાઈવે પર કરાના થર જામતાં કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો. હાઈવે પર બરફના થર જામતાં અદભુત દૃશ્યો જોવા મળ્યાં હતાં.

રાજકોટમાં ઠેર ઠેર વીજળી ડૂલની ફરિયાદો ઊઠી
રાજકોટ-કોટડાસાંગાણી હાઈવે પર કરાનો વરસાદ વરસ્યો હતો અને રોડ પર બરફના થર જામી ગયા હતા. બીજી બાજુ, રાજકોટ શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ થોડો વરસાદ વરસતાં જ ફીડર બંધ પડી ગયા હતા અને વીજળી ડૂલ થઈ ગઈ હતી. રાજકોટ શહેરના HT-1 ડિવિઝન હેઠળ આવેલા કુવાડવા, લાતી પ્લોટ અને માર્કેટિંગ યાર્ડ ફીડર ભારે પવનને કારણે બંધ પડી ગયું હતું. આ ઉપરાંત HT-2 ડિવિઝન હેઠળ મોટી ટાંકી ચોક અને દીનદયાળ ફીડરમાં પણ ફોલ્ટ સર્જાયો હતો. HT-3 ડિવિઝન હેઠળ ગાયત્રી, પુષ્કરધામ, વાવડી, આલાપ, નાનામવા, શાંતિવન, વિદ્યુતનગર ફીડરમાં ભારે પવનને કારણે ફોલ્ટ સર્જાયો હતો.

રાજકોટમાં વરસાદથી રસ્તા પર પાણી ભરાયાં.
રાજકોટમાં વરસાદથી રસ્તા પર પાણી ભરાયાં.

ભારે પવનથી દુકાનોનાં બોર્ડ ઊડ્યાં
રાજકોટમાં કાલાવડ રોડ પર મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનને કારણે દુકાનોનાં બોર્ડ ઊડીને રસ્તા પર ફેંકાયાં હતાં તેમજ ધૂળની આંધી ફૂંકાતાં વાહનચાલકો પરેશાન બન્યા હતા.

આ પણ વાંચો: હોલિકા દહન પૂર્વે કમોસમી વરસાદ:રાજકોટમાં કાલાવડ રોડ-લક્ષ્મીનગરમાં કરા સાથે વરસાદ,હોળીને પ્લાસ્ટિકથી કવર કરાઈ,પડધરીમાં ચણાના પાથરા પલળ્યા

જસદણમાં કરા પડતાં લોકોએ કરા વીણી વાસણો ભર્યાં.
જસદણમાં કરા પડતાં લોકોએ કરા વીણી વાસણો ભર્યાં.

પાંચિયાવદર ગામમાં અડધો ઇંચ વરસાદ
ગોંડલ પંથકમાં રીબડા, ભુણાવા સહિતનાં ગામમાં અમીછાંટણાં વરસ્યાં હતાં, જ્યારે કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે પણ વરસાદ વરસ્યો હતો. જ્યારે મોટામાંડવા અને ગોંડલના ડૈયા ગામે કરા પડતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. જસદણ, આટકોટ પંથકમાં પણ મોડી સાંજથી માહોલ બદલાયો હતો અને જોતજોતામાં ધોધમાર વરસાદ પડી જતાં રસ્તા પર પાણી ફેલાઈ ગયું હતું. ખેડૂત અગ્રણી કનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી ચણા, ઘઉં, ધાણા અને જીરુના પાકને મોટું નુકસાન થયું છે. ગોંડલના પાંચિયાવદરમાં અડધો ઇંચ વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતાં તેમજ ડૈયા ગામમાં કરા પડ્યા હતા. વાડી-ખેતરમાં પડેલી જણસીમાં ભારે નુકસાન પહોંચ્યું છે.

આટકોટમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ.
આટકોટમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ.

જસદણ પંથકનાં ગામડાંમાં વીજળી ડૂલ થઈ
જસદણ અને વીંછિયા પંથકના ગામડાંમાં મિની વાવાઝોડા, કરા અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતાં વીજળી ડૂલ થઈ જતાં લોકોએ હાલાકી ભોગવવી પડી હતી તેમજ વરસાદથી તૈયાર પાક બચાવવા ખેડૂતોએ ખેતર તરફ દોટ મૂકી હતી, પરંતુ ભારે પવન અને કરાને કારણે ખેડૂતો પોતાની નજર સામે પાક પલળતો જોવા મજબૂર બન્યા હતા.

આ પણ વાંચોઃ જસદણ યાર્ડમાં જીરુ અને ધાણાના ઢગલા તણાયા, ખેડૂતોએ કહ્યું- નજર સામે જ આખા વર્ષની મહેનત તણાઇ ગઈ

જસદણ યાર્ડમાં જીરાનો પાક તણાયો.
જસદણ યાર્ડમાં જીરાનો પાક તણાયો.

જસદણ યાર્ડમાં તૈયાર પાકના ઢગલા તણાયા
જસદણમાં રવિવારની રાત્રે કરા સાથે ધોધમાર વરસાદ પડતાં જસદણ માર્કેટિંગ યાર્ડમાં ધાણા, જીરુ, રાયડો, ચણા સહિતના પાકના ઢગલા પાણીમાં તણાઈ ગયા હતા. જસદણ પંથકના ખેડૂતો જણસીનો પાક વેચાણ માટે લાવ્યા હતા. અનેક ખેડૂતોનો હાથમાં આવેલો કોળિયો કમોસમી વરસાદે છીનવી લીધો હતો, જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વળ્યાં.
ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વળ્યાં.

હજુ બુધવાર સુધી માવઠાની આગાહી છે
હવામાન ખાતાના જણાવ્યા મુજબ, લોકલ ફોર્મેશનને કારણે કેટલાક વિસ્તારોમાં માવઠું અને પવન તેમજ વીજળીના ચમકારા થયા હતા. અત્યારે નોર્થ સાઉથ ટ્રફ તેમજ હવાના હળવા દબાણનો પટ્ટો હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો છે, આથી બુધવાર સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.

વીજળીના કડાકાભડાકા કેમેરામાં કેદ થયા.
વીજળીના કડાકાભડાકા કેમેરામાં કેદ થયા.
રાજકોટના કાલાવડ રોડ પર ધૂળની આંધી ઊઠી હતી.
રાજકોટના કાલાવડ રોડ પર ધૂળની આંધી ઊઠી હતી.
જસદણમાં કરાના થર જામ્યા.
જસદણમાં કરાના થર જામ્યા.
અન્ય સમાચારો પણ છે...