ધરપકડ:જેલમાંથી જામીન પર છૂટી ફરાર ત્રણ કેદી ઝડપાયા

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા પાકા કામના ત્રણ કેદી જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ દોઢ મહિનાથી નાસતા ફરતા ત્રણ કેદીને પોલીસે ઝડપી લઇ જેલહવાલે કર્યા હતા. કુવાડવા રોડ પર તિરુપતિ બાલાજી સોસાયટીમાં રહેતા કરમશી બચુ સોલંકી સામે વર્ષ 2016માં બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને તેને સજા ફટકારવામાં આવી હતી. કરમશી સોલંકીને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો હુકમ થયો હતો અને તેણે 1 જાન્યુઆરીના જેલમાં હાજર થવાનું હતું,

પરંતુ તે નિયત સમયે જેલમાં હાજર થયો નહોતો, આરટીઓ પાસેની શ્રીરામ સોસાયટીમાં રહેતા રાજેશ નંદલાલ સિદ્ધપુરાને પણ કોર્ટે 40 મહિના અને 27 દિવસની સજા ફરમાવી હતી અને રાજેશ સિદ્ધપુરા પણ જેલમાં હતો, તે વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ તેણે પણ 1 જાન્યુઆરીના જેલમાં હાજર થવાનું હતું પરંતુ ફરાર થઇ ગયો હતો. મવડીની રાજદીપ સોસાયટીનો ભગીરથસિંહ ભાણજી ડાભી પણ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ 1 જાન્યુઆરીના જેલમાં હાજર થયો નહોતો.

વચગાળાના જામીન પર છૂટ્યા બાદ દોઢ મહિનાથી ફરાર ત્રણેય આરોપીઓને પકડવા પેરોલ ફર્લો સ્ક્વોડ મેદાને પડી હતી, અને ચોક્કસ માહિતીને આધારે પીએસઆઇ એમ.એસ.અંસારી અને જયદેવસિંહ પરમાર સહિતના સ્ટાફે કરમશીને બેડી ચોકડી નજીકથી, રાજેશ સિદ્ધપુરાને નવાગામ મેંગો માર્કેટ પાસેથી તેમજ ભીગરથસિંહને મવડી ચોકડી બજરંગ ઓટો નજીકથી ઝડપી લઇ જેલહવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...