આવારા તત્વોનો આતંક:રાજકોટના હાથીખાનામાં ટુવ્હિલર પર આવેલા 3 શખસોએ પથ્થરમારો કરી 3 કારના કાચ ફોડ્યા, 1 બૂલેટને પણ નુકસાન, ત્રણેય CCTVમાં કેદ

રાજકોટ18 દિવસ પહેલા
ત્રણ કાર અને બૂલેટમાં તોડફોડ કરનાર 3 શખસો સીસીટીવીમાં કેદ થયા.
  • ત્રણમાંથી બે કાર રાજકીય આગેવાનની, એ ડિવીઝન પોલીસને જાણ કરી

રાજકોટ શહેરમાં અગાઉ અનેક વિસ્‍તારોમાં અનેક વખત કેટલાક આવારા તત્વો શેરી-ગલીઓમાં પાર્ક કરાયેલા વાહનો ફોરવ્‍હીલર, ટુવ્‍હીલરમાં તોડફોડ કરી આતંક મચાવ્‍યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. પોલીસે જે-તે વખતે આવા કૃત્‍ય કરનારાઓને પકડી લઇ પાઠ પણ ભણાવ્‍યા હતાં. પરંતુ ગઇકાલે સોમવારે ફરી વહેલી સવારે હાથીખાનામાં ટુવ્હિલરમાં આવેલા ત્રણ શખસોએ પથ્થરના ઘા કરી કાચ ફોડ્યા હતા. તેમજ ડીસમીસ વડે એક બૂલેટમાં નુકસાન કર્યુ હતું. જેમાં બે કાર રાજકીય આગેવાનની પણ છે. કારમાં તોડફોડ કરનાર નોહિન ઉર્ફે નોઇલો નઝીરખાન પઠાણની એ ડિવીઝન પોલીસે ધરપકડ કરી છે જ્યારે આફતાબ ગાલબ અને શાહબાઝ ઉર્ફે બાઘોની શોધખોળ હાથ ધરી છે.

એ ડિવીઝન પોલીસે એક આરોપી નોહિન પઠાણની ધરપકડ કરી.
એ ડિવીઝન પોલીસે એક આરોપી નોહિન પઠાણની ધરપકડ કરી.

ડિસમીસથી પણ 3 કાર અને બૂલેટમાં નુકસાન પહોંચાડ્યું
હાથીખાના મેઇન રોડ પર રામમઢી સામે રહેતાં રાજકીય આગેવાન ગૌતમ કાનગડની બે કાર, પડોશી નિલેશભાઇ સોનીની એક કાર અને અન્‍ય એક બૂલેટમાં ગઇકાલે વહેલી સવારે 3.51 વાગ્યે ટુવ્હિલર પર આવેલા ત્રણ શખસોએ પથ્‍થરમારો કરી અને ડીસમીસથી ઘા મારી નુકસાન કર્યું હતું, બાદમાં ભાગી ગયા હતાં. આ બનાવ અંગે આજે સીસીટીવી ફૂટેજ કલેક્‍ટ કર્યા બાદ ગૌતમભાઇના ભત્રીજા હેમલભાઇ ભરતભાઇ કાનગડે એ-ડિવીઝન પોલીસમાં બનાવની જાણ કરી હતી.

રાજકીય આગેવાનની કાર પર પથ્થરમારો કરી કાચ ફોડ્યા.
રાજકીય આગેવાનની કાર પર પથ્થરમારો કરી કાચ ફોડ્યા.

ગૌતમભાઇના ભાઈ જાગી જતા ત્રણેય શખસો રામનાથપરા તરફ ભાગ્યા
ગૌતમભાઇ અગાઉ તાલુકા પંચાયતમાં કારોબારી સમિતીના ચેરમેન પદે અને માર્કેટ યાર્ડમાં ડિરેક્‍ટર પદે રહી ચૂક્‍યા છે. ગઇકાલે સવારે કૂતરા ભસવા માંડતા ગૌતમભાઇના ભાઇ ભરતભાઇ જાગી ગયા હતાં અને બહાર નીકળ્‍યા હતાં ત્‍યારે ત્રણ શખસ રામનાથપરા તરફ ભાગતા દેખાયા હતાં.

સોમવારે વહેલી સવારે 3.51 વાગ્યે ઘટના બની
ગૌતમભાઇના ભત્રીજાએ જણાવ્‍યું હતું કે, ગઇકાલે સોમવારે વહેલી સવારે પોતે જાગ્‍યા ત્‍યારે ઘર પાસે પાર્ક કરેલી ઇનોવા અને એમેઝ કારમાં તોડફોડ થયેલી જોવા મળી હતી. એક બૂલેટમાં પણ નુકસાન થયેલું હતું અને પડોશી નિલેશભાઇ સોનીની કારમાં પણ તોડફોડ થયાનું જોવા મળતાં અમે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં આજે એક ઘરના કેમેરામાં સવારે 3.51 વાગ્યે ટુવ્હિલરમાં ત્રણ શખસો આવતાં દેખાયા હતાં.

અન્ય બે કારમાં પણ તોડફોડ કરી.
અન્ય બે કારમાં પણ તોડફોડ કરી.

એ ડિવિઝન પોલીસની ટીમે પણ તપાસ શરૂ કરી
આ શખસો પેલેસ રોડ, જયરાજ પ્‍લોટ મેઇન રોડ પર થઇ હાથીખાના રામમઢી પાસે આવ્‍યા હતાં અને એક થાંભલા પાસે વાહન ઉભું રાખ્‍યું હતું. જેમાં બે શખસ પાછળથી ઉતરી થોડે દૂર જઇ પથ્‍થરો હાથમાં લઇ આવ્યા હતાં. બાદમાં આગળ જતાં દેખાયા હતાં. ફૂટેજમાં જોકે ચહેરા દેખાતા ન હોય પણ ત્રણ શખસો સામેલ હોવાનું સ્‍પષ્‍ટ દેખાતુ હોય ફૂટેજ સાથે પોલીસને રજૂઆત કરવામાં આવતાં એ ડિવિઝન પોલીસની ટીમે નોહિન ઉર્ફે નોઇલો નઝીરખાન પઠાણની ધરપકડ કરી અન્ય શખસની શોધખોળ હાથ ધરી છે.