લેન્ડ ગ્રેબિંગ:7 વર્ષથી ખેતર વાવવા રાખેલા ત્રણ શખ્સે કબજો જમાવી કહ્યું, ‘હવે જમીન ભૂલી જજો’

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમરગઢ (ભીચરી) ગામે 12 એકર જમીન પચાવી પાડતા પોલીસ ફરિયાદ
  • કલેક્ટરમાં અરજી કર્યા બાદ નોંધાઇ ફરિયાદ, ત્રણ ભૂમાફિયાની ધરપકડ

પારકી જમીન પચાવી પાડવી ભૂમાફિયાઓ માટે જાણે રમત વાત બની ગઇ હોય તેમ રાજકોટમાં ભૂમાફિયાઓ દ્વારા કિંમતી જમીન પર કબજો જમાવી મૂળમાલિકોને ધાક-ધમકીઓ આપી રહ્યાં છે. ત્યારે ભૂમાફિયાઓની સાન ઠેકાણે લાવવા તંત્રએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કવાયત હાથ ધરતા એક પછી એક રાજકોટના ભૂમાફિયાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ રહી છે. બુધવારે માલવિયાનગર પોલીસે ત્રણ મહિલા સહિત 10 ભૂમાફિયા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યાં વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કુવાડવા રોડ પોલીસમાં નોંધાઇ છે.

કુવાડવા રોડ, રણછોડનગર સોસાયટીમાં રહેતા વિજયાબેન મનસુખભાઇ ગજેરા નામના વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદમાં તેમના પતિ તેમજ દિયર દિનેશભાઇ તુલસીભાઇ ગજેરાએ 1994માં અમરગઢ (ભીચરી) ગામે અલગ અલગ કુલ 12 એકર ખેતીની જમીન ખરીદ કરી હતી. જેમાં દિયર તેમની જમીનમાં અને પતિના અવસાન બાદ પુત્ર રાજેશ અમારી જમીનમાં ખેતી કરતા હતા. દરમિયાન સાત વર્ષ પહેલા ગામના જ ગોવિંદ નારણ ડાંગર, નિર્મળ ઉર્ફે નિરૂ ગોવિંદ ડાંગર અને વનરાજ ગોવિંદ ડાંગરને સંયુક્તમાં ખેતમજૂરી માટે ઊધડથી વાવવા આપી હતી. અમારી જમીનમાં વાવેલા પાકના હક્કદાર અમે જ હતા.

જ્યારે ઉપરોક્ત ત્રણેયને વાવણીની મજૂરી પેટે રોકડા ચૂકવતા હતા. દરમિયાન દસ મહિના પહેલા ઉપરોક્ત ત્રણેય શખ્સે ખેતીની જમીન અન્ય લોકોને વાવવા આપી હોવાની માહિતી મળતા પુત્ર રાજેશ અને દિયર દિનેશભાઇ અમરગઢ ગામે તેમના ખેતરે ગયા હતા. જ્યાં ત્રણેય શખ્સે ખેતરમાં જતા અટકાવી અમે આ જમીનમાં ઘણો ખર્ચ કર્યો છે. જેથી આ જમીન હવે પાછી આપવાની થતી નથી, આ જમીન હવે તમારે ભૂલી જવાની છે તેવી ગર્ભિત ધમકી આપી હતી. ત્રણેય શખ્સે અમારી જમીન પચાવી પાડ્યા બાદ બે ત્રણ વખત બેઠક કરી પાછી આપવાની વાત કરી હતી.

તે સમયે પણ ત્રણેય શખ્સે આ જમીનના માલિક હવે અમે છીએ, આ બાજુ હવે દેખાશો પણ નહિ, જો આ બાજુ આવશો તો અમારે શું કરવાનું છે તે નક્કી જ છે તેમ કહી ફરી ધમકી આપી હતી. બીજી તરફ અમારી જમીન પચાવી પાડવા ગામના કેટલાક શખ્સોએ અમારા વિરુદ્ધમાં ખોટા સોગંદનામા પણ કરી આપ્યા હોવાનું અને બાજુમાં જ આવેલી સરકારી જમીન ઉપર પણ કબજો જમાવી લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

ભૂમાફિયાઓએ અમારી જમીન પચાવી પાડતા કલેક્ટરમાં દસ્તાવેજી પુરાવાઓ સાથે અરજી કરી હતી. જે અરજીને પગલે કુવાડવા રોડ પોલીસે તપાસ શરૂ કરતા ત્રણેય શખ્સે જમીન પચાવી પાડી હોવાનું ખૂલતા લેન્ડ ગ્રેબિંગની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય ભૂમાફિયાઓની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...