લગ્ન બાદ પ્રેમી સાથેના સંબંધો તોડી નાખનાર પરિણીતાને બદનામ કરવા પરિવારના સભ્યોને સોશિયલ મીડિયામાં અશ્લિલ ફોટા, વીડિયો મોકલી ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. રાજકોટમાં રહેતી અને ત્રણ મહિના પહેલા જ લગ્ન કરનાર પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉમરાળા તાબેના રાંદલના દડવા ગામના બુધ્ધેશ ધીરૂ ચૌહાણનું નામ આપ્યું છે. પરિણીતાની ફરિયાદ મુજબ, તેને લગ્ન પૂર્વેના ત્રણ વર્ષથી રાંદલના દડવા ગામના બુધ્ધેશ સાથે પ્રેમસબંધ હતો. બંને અવારનવાર સોશિયલ મીડિયા તેમજ મોબાઇલ થકી વાતચીત કરતા હતા.
દરમિયાન ત્રણ મહિના પહેલા લગ્ન થઇ જતા બુધ્ધેશ સાથે વાતચીત સહિતના તમામ સબંધો તોડી નાખ્યા હતા. ત્યારે ગત ફેબ્રુઆરી મહિનામાં રાત્રીના સમયે બુધ્ધેશે પોતાને સોશિયલ મીડિયામાં જો તું મારી સાથે સબંધ નહીં રાખે તો હું તારા અભદ્ર ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વહેતા કરી બદનામ કરી નાંખવાની ધમકી આપતા મેસેજ કર્યા હતા. જેથી પોતાના લગ્ન થઇ ગયા છે હવે હું કોઇ સબંધ રાખવા માંગતી નથીનો જવાબ આપ્યો હતો. જેથી બુધ્ધેશ વધુ ઉશ્કેરાઇ ગયો હોય તેને ભાઇ અને માતાને સોશિયલ મીડિયામાં બીભત્સ ફોટા અને વીડિયો મોકલ્યા હતા. ત્યાર બાદ બુધ્ધેશે સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મમાં પણ સ્ટોરી મુકી અશ્લિલ ફોટા અને વીડિયો મુકી પોતાને બદનામ કરવા માનસિક રીતે પરેશાન કરતો હતો.
બાદમાં ગત માર્ચ મહિનામાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી આપી હતી. જે અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી સોશિયલ મીડિયાને રિપોર્ટ કર્યો હતો. જે રિપોર્ટમાં મળેલા નંબર પર તપાસ કરતા તે નંબર બુધ્ધેશના હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી તુરંત રાંદલના દડવા ગામે દોડી જઇ પોલીસે અશ્લિલ ફોટા તેમજ વિડીયો ફરતા કરી બદનામ કરનાર બુધ્ધેશ ચૌહાણને સકંજામાં લઇ પૂછપરછ કરી હતી. જેમાં તેને જ સોશિયલ મીડિયામાં વીડિયો ફરતા કર્યાની કબૂલાત આપતા સાયબર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.