આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં રાજકોટમાં 26મીએ વેપારીઓ અને ઉદ્યોગપતિઓના યોજાયેલા ટાઉનહોલ કાર્યક્રમમાં હાજરી આપનાર ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સભ્યોને ચેમ્બરના હોદ્દેદારોએ ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)માંથી તમારી પૃચ્છા આવી હોવાનું કહી ધમકાવ્યા હતા, ચેમ્બરની મળેલી કારોબારીમાં આપના કાર્યક્રમનો મુદ્દો ચર્ચાનો મુખ્ય મુદ્દો બનતા વેપારીઓમાં કચવાટ ફેલાયો હતો.
આપ દ્વારા આયોજિત ટાઉનહોલ કાર્યક્રમમાં શહેરના તમામ વેપારી એસોસિએશનને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ વેપારીઓને આપના કાર્યક્રમમાં જતા અટકાવવામાં આવ્યા હતા એટલું જ નહીં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારો હાજર પણ રહ્યા નહોતા, પરંતુ ચેમ્બરના સેક્રેટરી નૌતમભાઇ બારસિયા, કારોબારી સભ્ય રાજુભાઇ જુંજા સહિતના ચાર સભ્ય આપના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને રાજુ જુંજાએ તો કેજરીવાલ સમક્ષ કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, આપના કાર્યક્રમમાં ચેમ્બરના સેક્રેટરી નૌતમ બારસિયા પણ ગયા હતા, અગાઉ કોંગ્રેસના કાર્યક્રમમાં હું પણ ગયો હતો, પ્રશ્ન પ્રવર્તમાન સ્થિતિમાં ક્યા સ્ટેજે છે તેનાથી વાકેફ કરી શકાય એટલું જ નહીં અન્યો પ્રશ્નો પુછાવવા હોય તો તેની યાદી પણ તેમને આપી શકાય, જેથી સભ્યોને અગાઉથી જાણ કરીને જવા માટે તાકીદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.