• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Those Who Studied Failed In The Life Test, 916 Illiterates In 1 Year In Gujarat, 3551 People Who Studied Up To 10 12 Committed Suicide.

ભાસ્કર Analysis:જિંદગીની કસોટીમાં ભણેલા ફેલ, ગુજરાતમાં 1 વર્ષમાં 916 અભણે, ધો.10-12 સુધી ભણેલા 3551 લોકોએ કરી આત્મહત્યા

રાજકોટ6 દિવસ પહેલાલેખક: નિહિર પટેલ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • NCRB-2021નો રિપોર્ટ - રાજ્યમાં કુલ 8789 લોકોએ આત્મહત્યા કરી, જેમાંથી સૌથી વધુ ભણેલા-ગણેલા લોકોએ જીવન ટૂંકાવ્યું

ભણેલા-ગણેલા લોકો સૌથી વધુ સમજદાર હોવાનું માનવામાં આવે છે, ધોરણ 10 કે 12 સુધી, ગ્રેજ્યુએશન સુધી ભણેલા લોકો દિમાગનો વધુ સારી રીતે ઉપયોગ કરી જાણે છે, પરંતુ NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)ના જાહેર થયેલા 2021ના આંકડા દર્શાવે છે કે રાજ્યમાં કુલ 8789 લોકોએ આત્મહત્યા કરી છે તેમાં ભણેલા-ગણેલા લોકોનું આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. ગુજરાતમાં એક વર્ષમાં કુલ 8789 લોકોએ આત્મહત્યા કરી હતી જેમાંથી 375 લોકો ગ્રેજ્યુએટ થયેલા હતા, 4 લોકો એમબીએ કક્ષાનું પ્રોફેશનલ ભણેલા હતા, આત્મહત્યા કરનાર 1409 લોકો ધોરણ 12 સુધી ભણેલા હતા અને ધોરણ 10 ભણેલા લોકોની સંખ્યા 2142 જેટલી નોંધાઈ છે.

આત્મહત્યા કરવા પાછળના જુદા જુદા કારણો
એનસીઆરબી દ્વારા જે રિપોર્ટ જાહેર કરાયો છે તેમાં આત્મહત્યા કરવા પાછળના જુદા જુદા કારણો પણ દર્શાવ્યા છે જેવા કે ફેમિલી પ્રોબ્લેમ, નિષ્ફળતા, પ્રેમમાં નિષ્ફળતા, વિવાહિત જીવનમાં નિષ્ફળતા અને બેરોજગારી પણ આત્મહત્યા કરવા પાછળનું કારણ હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે આત્મહત્યા કરનાર મોટાભાગના વ્યક્તિ સાક્ષર હતા. કોઈ પાંચ ચોપડી તો કોઈ આઠ, કોઈ 10 તો કોઈ 12 ભણેલા, ગ્રેજ્યુએટની સંખ્યા પણ પ્રમાણમાં વધુ રહી છે.

આત્મહત્યા કરનારા 2142 લોકોએ ધોરણ 10 સુધીનું શિક્ષણ મેળવ્યું
​​​​​​​આ રિપોર્ટમાં જેટલા લોકોએ આત્મહત્યા કરી તેમાં સૌથી વધુ 2142 લોકોએ ધોરણ 10 સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. આ ઉપરાંત રિપોર્ટ 143 અન્ય લોકોએ આત્મહત્યા કરી હોવાનું નોંધ્યું છે.આ રિપોર્ટના આંકડાઓ પરથી ભણતર સાથે ગણતર પર ભાર મૂકવા અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો હોવાનું જણાઈ રહ્યું છે. અભણ કરતાં શિક્ષિતોની મહત્વકાંક્ષા વધુ હોવાથી પણ તેમનો આત્મહત્યાનો દર ઊંચો હોવાનું સામે આવ્યું છે.

શિક્ષિત લોકોને મહત્ત્વાકાંક્ષા વધુ હોય છે, જીવનમાં સહેજ પણ ઉતાર-ચઢાવ સહન કરી શકતા નથી
ભણી ગણી લીધા પછી મહત્વકાંક્ષા વધે છે, લાઇફ સ્ટાઇલ ઊંચી બની જાય છે અને ભવિષ્યમાં સારી જોબ મળશે કે કેમ તેની ચિંતા આત્મહત્યાનું કારણ બને છે. અભ્યાસ પછી વધતી જતી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ ન થતા, નોકરીની અસુરક્ષા વગેરેને કારણે આત્મહત્યાના કિસ્સાઓ વધ્યા છે. આત્મહત્યાના આંકડા દર વર્ષે વધી રહ્યા છે, પારિવારિક સમસ્યાઓ, એકલતા, આર્થિક સ્થિતિ, હતાશા અને ડ્રગ્સની લતને કારણે ભારતમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. આત્મહત્યા કરનારાઓમાં મોટાભાગના લોકો સાક્ષર અને શહેરી વિસ્તારના હોય છે.

જીવનમાં સહેજ પણ ઉતાર-ચઢાવ સહન કરી શકતા નથી
શિક્ષિત લોકોને અભણ લોકો કરતાં જીવનનો ઓછો અનુભવ હોય છે. તે જીવનમાં સહેજ પણ ઉતાર-ચઢાવ સહન કરી શકતા નથી. ભણેલા-ગણેલા લોકો મન પર વધુ બોજ રાખે છે અને તેને ગંભીરતાથી લે છે, જ્યારે અભણ લોકો નાની-નાની બાબતોની પરવાહ કરતા નથી. શિક્ષિત લોકો આવતીકાલમાં એટલે કે ભવિષ્યમાં જીવે છે અને આજ એટલે કે વર્તમાન બગાડે છે. અભણ લોકોને આવતીકાલની પરવાહ નથી અને આજમાં તેઓ જીવે છે. ભણેલા-ગણેલા લોકોની આકાંક્ષાઓ અને તેમના સ્ટેટસ ઉચ્ચ હોવાથી અપેક્ષા ઘણી વધારે હોય છે, જ્યારે તેઓ તેને પૂરી કરી શકતા નથી, ત્યારે તેઓ જીવન સામે હારી જાય છે.

પરિવારનું દબાણ પણ કઈક અંશે જવાબદાર બને
આજે આપણે હરીફાઈના એવા વમળો ઉભા કર્યા છે કે તેમાં ટકવા માટે આપણે જુદી જુદી તૈયારીઓમાં લાગી જઈએ છીએ અને ભૂલી જઈએ છીએ કે આપણે માણસ છીએ. આ સ્પર્ધાની તૈયારી બાળપણથી જ શરૂ થઈ જાય છે. દરેક માતા પિતા બાળકને ડોક્ટર કે એન્જિનિયર બનાવવા ઈચ્છે છે, પણ એ સારા શિક્ષક કે સારો લેખક બની શકે એવો વિચાર કરતા નથી. પરિવારનું દબાણ પણ કઈક અંશે જવાબદાર બને છે, આજે હોસ્ટેલ લાઈફ જેલ જેવી બની ગઈ છે. - ડૉ. યોગેશ જોગસણ, અધ્યક્ષ, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

કેટલું ભણેલા કેટલા લોકોએ અંતિમ પગલું ભર્યું

મેળવેલું શિક્ષણઆત્મહત્યા કરનારની સંખ્યા
અભણ916
5 ધોરણ સુધી ભણેલા1685
8 ધોરણ સુધી ભણેલા2056
10 ધોરણ સુધી ભણેલા2142
12 ધોરણ સુધી ભણેલા1409
ડિપ્લોમા/ ITI કોર્સ કરેલા59
ગ્રેજ્યુએટ થયેલા375
પ્રોફેશનલ/ MBA ભણેલા4
અન્ય143

​​​​​​

અન્ય સમાચારો પણ છે...