બ્રહ્મસમાજની માંગ:ભોળાનાથ વિશે એલફેલ બોલનારને માફી નહીં સજા થવી જોઈએ : ઈન્દ્રભારતીબાપુ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં પ્રવચન કરનાર આનંદસાગર સ્વામી સામે સાધુ-સંતો અને સનાતનીઓ ખફા
  • આનંદસાગર સહિત ત્રણ વ્યક્તિઓ સોમનાથ અને રામનાથદાદાના દર્શને આવી અભિષેક કર્યા બાદ સોગંદનામું કરી લેખિતમાં માફી માગે તેવી બ્રહ્મસમાજની માંગ

સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીનો અમેરિકામાં પ્રવચનનો શિવજી વિશે એલફેલ બોલ્યાનો વીડિયો ફરતો થતા વિવાદ થયો હતો અને રાજ્યભરમાં જુદા જુદા સંપ્રદાયના સંતોએ આ બાબતને વખોડી કાઢી છે.

ગિરનાર મંડળના પ્રમુખ અને પંચ દશનામ જૂના અખાડાના અધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણના સાધુનો જે વીડિયો ફરતો થયો છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને ગોસ્વામી સમાજ, બ્રહ્મસમાજ અને દરેક હિંદુ સમાજની લાગણીને દુભાવી છે તે બદલ અમે તેને વખોડીએ છીએ. રાજપૂત કરણી સેનાએ આનંદસાગર માફી નહીં માગે તો ટિંગાટોળી કરવાની ફરજ પડશે તેમ કહ્યું હતું.

સ્વામી સામેનો કેસ નિ:શુલ્ક લડવા રાજકોટ બાર એસો.ની ખાતરી

રાજકોટ બાર એસોસિએશન દ્વારા સિવિલ કોર્ટ ખાતે પણ આનંદસાગર સ્વામીના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરાયું હતું. જેમાં વકીલો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમજ સ્વામી વિરોધી નારા લગાવી તેના ફોટાની હોળી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ ભગવાન શિવ વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામી આનંદસાગર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ વકીલો દ્વારા કરવામાં આવી હતી. સાથે જ સ્વામી સામે કોઈ વ્યક્તિ કેસ કરશે તો નિ:શુલ્ક કેસ લડવાની પણ બાર એસોસિએશને ખાતરી આપી હતી.

મહાદેવજી વિશે ટિપ્પણી કરનારની જીભ કાપી નાખવી જોઈએ : બુદ્ધગીરીબાપુ
જૂના અખાડાનાં થાનાપતિ બુદ્ધગીરીબાપુએ તો મહાદેવજી વિશે અયોગ્ય ટિપ્પણી કરનારની જીભ કાપી નાંખવાની વાત કરી છે. એ મુજબનો વીડિયો પણ વાઇરલ થયો છે. તો જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ વિરલ જોટવા એ તો જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકમાં આનંદસાગર સ્વામી સામે જૂનાગઢ એસપી અને બી ડિવિઝન પોલીસમાં ભારતીય દંડ સંહિતા હેઠળ કલમ 153 (ક), 298, 504 તેમજ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધવા ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...