બોલિવૂડની ફિલ્મ પઠાનને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે આજે આ ફિલ્મ રિલીઝ થઈ છે. રાજકોટના પણ તમામ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થઈ છે. પરંતુ એક પણ સિનેમાઘરની બહાર ફિલ્મનું પોસ્ટર લગાવવામાં આવ્યું નથી. જોકે, તમામ સિનેમાઘરોની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે ફિલ્મના પહેલા દિવસે જ શહેરના દરેક સિનેમાઘરોમાં પઠાનના તમામ શો હાઉસફૂલ થઈ ગયા છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઇ સિનેમાઘરની બહાર નિકળેલા રાજ સંપટે જણાવ્યું હતું કે, શાહરૂખ ખાને 4 વર્ષ બાદ કમબેક કર્યું છે, બોક્સ ઓફિસ પર સુપરડુપર સાબિત થશે.
મને ફિલ્મ બહુ જ મસ્ત લાગી
રાજ સંપટે વધુમાં જણાવ્યું હતું કે, મને ફિલ્મ બહુ જ મસ્ત લાગી. શાહરૂખ ખાને ચાર વર્ષ બાદ કમબેક કર્યું છે. તેની પાછલી મૂવી જો જોવા જઇએ તો ‘ઝીરો’ એટલી સક્સેસ નહીં રહી પણ હા, આ મૂવી જોય પછી એવું લાગે છે કે, શાહરૂખ ખાને કમબેક કરવાનો નિર્ણય લીધો હતો તે બિલકુલ સાચો છે. આ મૂવી બોક્સ ઓફિસ અને ઓડિયન્સ વચ્ચે સુપર ડુપર સાબિત થશે.
મને ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ લાગી
રાજ સંપટે ફિલ્મના વિવાદને લઈ જણાવ્યું હતું કે, વિવાદનું એવું છે કે, બધા જ લોકોના અલગ અલગ વિચાર હોય છે. પણ હું આ વિચારોની કદર કરું છું. સેન્સર બોર્ડ સાથે પણ આ મૂવીની ચર્ચા થઈ હતી તે મુજબ ફિલ્મમાં અમુક ચેન્જીસ કરવામાં આવ્યા છે. છતાં પણ ફિલ્મમાં કેટલાક એવા સીન છે જેમાં ઓડિયન્સને થોડું અલગ લાગશે. પણ મારી વાત કરું તો હું એન્ટરટેઇનમેન્ટ માટે જ ફિલ્મ જોઉં છું. હું એન્જોય કરવા માટે જ આવું છું. મને ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ લાગી.
ફિલ્મ 300 કરોડની આસપાસ કમાણી કરી શકે
રાજ સંપટે વધુમાં જણાવ્યું હતું કે, અલગ અલગ લોકોના અલગ અલગ વિચાર હોય શકે છે એની હું કદર કરું છું પણ મને કોઈ આનાથી પ્રોબ્લેમ નથી. હું શાહરૂખ ખાનનો મોટો ફેન છું. બાળપણથી જ હું શાહરૂખ ખાનનો ફેન છું. મારા મિત્રો અને પરિવાર રાતના શો જોવા માટે આવી રહ્યા છે. પરંતુ શાહરૂખ ખાનનો ફેન હોવાથી મારાથી રહેવાયું નહીં અને ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જ ફિલ્મ જોવા માટે આવી ગયો હતો. મારો ચાર વર્ષનો ઇન્જતાર હતો તે આજે પૂર્ણ થતા સંતોષ અનુભવું છું. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ થયું છે. આ ફિલ્મ 300 કરોડની આસપાસ કમાણી કરી શકે છે.
ફિલ્મનો વિરોધ શાંત થયો
પઠાન ફિલ્મના ટ્રેલરને લઈને શરૂઆતથી જ કેટલાક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ફિલ્મ રિલીઝ થાય તો પણ સંગઠનોએ ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ ફિલ્મ રિલીઝ થવાના થોડાં દિવસ અગાઉ જ મામલો શાંત પડ્યો હતો અનેક સંગઠનોએ પોતાનો વિરોધ પરત ખેંચી લીધો હતો. છતાં થિયેટરના માલિકોએ મુખ્યમંત્રીને ફિલ્મ રિલીઝ થાય ત્યારે પોલીસ સુરક્ષા માગી હતી, જેને લઇને આજે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકોને ટિકિટ આપીને ફિલ્મ બતાવવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.