યુજી અને પીજીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની પરીક્ષામાં ઉત્તરવહીમાં સારું પ્રેઝન્ટેશન કરવા માટે મોટા અક્ષરે લખાણ કરતા હોય છે, કોઈ લખાણ વચ્ચે મોટી જગ્યા છોડતા હોય છે તો કોઈ પેપર લખતી વખતે બિનજરૂરી રીતે એક લીટીમાં લખાણ કરી બીજી લીટી કોરી છોડી દેતા હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિયમો કડક કર્યા છે, જેમાં હવે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આપવામાં આવતી 24 પાનાંની ઉત્તરવહીમાં બિનજરૂરી રીતે જગ્યા છોડીને કે લીટીઓ છોડીને લખાણ કર્યું હશે તેવા વિદ્યાર્થીઓને પૂરક ઉત્તરવહી નહીં આપવા નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અંગે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે સંલગ્ન તમામ કોલેજોને લેખિતમાં સૂચના આપી નિયમનું પાલન કરાવવા જણાવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોલેજોને આપેલી સૂચનામાં જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની ઉત્તરવહીમાં પરીક્ષાર્થીઓએ બિનજરૂરી મોટા અક્ષરે જવાબો લખવાના નથી, બે શબ્દો વચ્ચે બિનજરૂરી જગ્યા રાખવાની નથી, દરેક મુખ્ય પ્રશ્નના પેટા પ્રશ્નોની શરૂઆત, બિનજરૂરી લીટીઓ છોડીને કરવાની નથી અને ઉત્તરના લખાણની વચ્ચે બિનજરૂરી લીટીઓ પણ છોડવાની નથી.
24 પાનાની ઉત્તરવહીમાં આ તમામ સૂચનાઓનું પરીક્ષાર્થી દ્વારા પાલન ન થયું હોય તેમને પૂરક ઉત્તરવહી મળવાપાત્ર થશે નહીં. યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડો. નિદત્ત બારોટે જણાવ્યું હતું કે, પેપર કેવી રીતે લખવું કે કેવી રીતે નહીં તે યુનિવર્સિટીએ વિદ્યાર્થીને નક્કી કરવા દેવું જોઈએ. યુનિવર્સિટીએ માત્ર એટલું જ જોવાનું છે કે વિદ્યાર્થી ઉત્તરવહીમાં કોઈ ગેરરીતિ ન કરે. પરંતુ વિદ્યાર્થીઓએ કેવી રીતે ઉત્તરવહી લખવી તે બાબતમાં યુનિવર્સિટીએ ચંચુપાત ન કરવી જોઈએ, આ ખોટું છે.
જૂના કોર્સની સેમે.5ની પરીક્ષામાં 24ના બદલે 48 પાનાની ઉત્તરવહી અપાશે
આગામી તારીખ 17મી ઓગસ્ટથી યુનિવર્સિટીના જૂના કોર્સના પાંચમાં સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે જેમાં 24ને બદલે 48 પાનાની ઉત્તરવહી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. યુનિવર્સિટી પાસે ઘણા વર્ષોથી 48 પાનાની ઉત્તરવહી સ્ટોકમાં પડી છે જેનો ઉપયોગ જૂના કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષામાં કરાશે. 48 પાનાની મુખ્ય ઉત્તરવહી આપ્યા બાદ પૂરક ઉત્તરવહી વિદ્યાર્થીઓને નહીં મળે.
50 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષામાં 2 લાખ પૂરક ઉત્તરવહીની ખપત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષે જુદી જુદી અંદાજિત 250થી વધુ પરીક્ષાઓ લેવામાં આવે છે જેમાં આશરે 3 લાખ જેટલી મુખ્ય ઉત્તરવહીનો તો ઉપયોગ થાય જ છે પરંતુ દર 50 હજાર વિદ્યાર્થીની પરીક્ષામાં અંદાજિત 2 લાખ પૂરક ઉત્તરવહીની પણ ખપત હોવાનું યુનિવર્સિટીના અધિકારી જણાવે છે. જેનો આગામી પરીક્ષાઓમાં બગાડ થતો અટકાવવા યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે.
ઉત્તરવહીનો બિનજરૂરી બગાડ અટકાવવા નિર્ણય કર્યો છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતી મોટાભાગની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ છૂટથી લખાણ કરીને બિનજરૂરી જગ્યાઓ અને લીટીઓ છોડીને પેપર લખતા હોય છે જેના કારણે પૂરક ઉત્તરવહીઓની ખપત વધે છે. આ બિનજરૂરી રીતે ઉત્તરવહીઓનો થતો બગાડ અટકાવવા માટે આ પ્રકારનો નિર્ણય કર્યો છે. > નિલેશ સોની, ઇન્ચાર્જ પરીક્ષા નિયામક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.