બોર્ડે નિયમ બદલ્યો:ધો.10માં નાપાસને ફરી સ્કૂલમાં પ્રવેશ નહિ મળે, રિપીટર તરીકે પરીક્ષા આપવી પડશે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 10% વિદ્યાર્થીને ફરી નિયમિત તરીકે પ્રવેશ મળતો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધોરણ 10માં નાપાસ થયેલા કુલ વિદ્યાર્થીઓ પૈકી 10% વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ મળતો હતો. આ નિયમ બોર્ડે હવે રદ કરી દેતા એસએસસી બોર્ડમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓને હવે રિપીટર વિદ્યાર્થી તરીકે જ પરીક્ષા આપવી પડશે.

અગાઉ ધોરણ 10 નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી 10% વિદ્યાર્થીઓને સ્કૂલમાં ફરી પ્રવેશ મળતા હોવાથી આખું વર્ષ ભણીને તેઓ ફરી પરીક્ષા શક્તા હતા, પરંતુ હવે ફેલ થયેલા વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન નહીં મળતા નાછૂટકે તેઓએ ખાનગી ટ્યૂશનમાં શિક્ષણ લઈને રિપીટર વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવી પડશે.

માર્ચ-એપ્રિલ, 2022માં લેવાયેલી બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 7,81,702 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાંથી 7,72,771 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 65.18% એટલે કે 5,03,726 વિદ્યાર્થી પાસ થયા હતા જ્યારે અંદાજિત 2,69,045 વિદ્યાર્થી નાપાસ થયા હતા.

દરેક સ્કૂલમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી 10% વિદ્યાર્થીઓને ફરી તે સ્કૂલમાં નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવાનો નિયમ શિક્ષણ બોર્ડે મોડે મોડે રદ કરતા શાળા સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ રોષ ફેલાયો છે. હવે માર્ચ-2022માં ફેલ થયેલા વિદ્યાર્થીઓએ રિપીટર વિદ્યાર્થી તરીકે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા પડશે. જોકે આ અંગે રાજ્યના શાળા સંચાલકોએ રજૂઆત કરી આ જોગવાઈ રદ કરવા માગણી કરી છે.

ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ હવે ઘરબેઠાં જ મહેનત કરી પરીક્ષા આપવી પડશે
શિક્ષણ બોર્ડે ધોરણ 10માં ફેલ થયેલા પૈકી 10% વિદ્યાર્થીઓને નિયમિત વિદ્યાર્થી તરીકે ફરી સ્કૂલમાં પ્રવેશ આપવાની જોગવાઈ રદ કરતા હવે તેવા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણ્યા વિના ઘરબેઠાં જ મહેનત કરીને પરીક્ષા આપવી પડશે, અથવા ફેલ થયેલા વિદ્યાર્થીઓએ ખાનગી ટ્યૂશનમાં ફી ભરીને મહેનત કરી રિપીટર તરીકે પરીક્ષા આપવી પડશે.

અન્ય સમાચારો પણ છે...