સ્થાનિક પોલીસબેડામાં સોપો:થોરાળા પોલીસ ઊંઘતી રહી, વિજિલન્સે દરોડો પાડી 16 જુગારીને 3.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ ભરેલા કન્ટેનરનું DCBએ કરેલા અપહરણનો ભાંડો ફોડનાર સ્ટેટ મોનિટરિંગ સેલનો વધુ એક દરોડો
  • નામચીન બુકી મયૂરસિંહ સહિતનાઓની શોધખોળ, તપાસનો રેલો અધિકારીઓ સુધી પહોંચશે

શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી વર્લી ફીચરની જુગાર ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી જુગાર રમી રહેલા 16 શખ્સને 1.37 લાખની રોકડ અને વાહનો સહિત કુલ રૂ.3.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે નામચીન બુકી મયૂરસિંહ ઝાલા સહિત છ નાસી ગયા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાંચના કાળા કરતૂતનો ભાંડાફોડ કરનાર સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એક દરોડો પાડતા સ્થાનિક પોલીસબેડામાં સોપો પડી ગયો હતો.

શહેરના ભાવનગર રોડ પર ગંજીવાડામાં દરગાહ નજીક જાહેરમાં વર્લી ફીચર જુગારની ક્લબ ચાલતી હોવાની ચોક્કસ માહિતી મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ ચંદ્રસિંહ પરમાર સહિતની ટીમ ત્રાટકી હતી. વિજિલન્સને જોતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસ ટીમે હારૂન આમદ દલ, ફિરોઝ અબ્રાહમ પાલેજા સહિત 16 શખ્સને સ્થળ પરથી ઝડપી લીધા હતા જ્યારે નામચીન બુકી મયૂરસિંહ ભરતસિંહ ઝાલા સહિત 6 શખ્સ નાસી ગયા હતા. વિજિલન્સે સ્થળ પરથી રોકડા રૂ.1,37,183 તેમજ 19 મોબાઇલ અને 5 બાઇક સહિત કુલ રૂ.3,22,183નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરોડો પાડનાર ટીમે જણાવ્યું હતું કે, ઝડપાયેલા 16 પૈકી હારૂન અને ફિરોઝ આંકડા લખતા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સ ચિઠ્ઠી બનાવી આંકડા લખવાનું કામ કરતા હતા તેમજ 11 શખ્સ આંકડા લખાવતા હતા. જ્યારે મયૂરસિંહ ઝાલા મોબાઇલ પર આંકડા લખાવતો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યાની જાણ થતાં થોરાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો, થોરાળા વિસ્તારમાં લાંબા સમયથી જુગાર ક્લબ ચાલતી હતી, જુગાર ક્લબના સંચાલકો દરરોજ વિસ્તાર બદલતા રહેતા હતા, અને સ્થાનિક પોલીસ અધિકારીની રહેમરાહ હેઠળ આ ક્લબ ચાલતી હોવાની પણ ચર્ચાઓ શરૂ થતાં આગામી દિવસોમાં અધિકારીઓ પર આ દરોડાનો રેલો પહોંચવાના નિર્દેશો મળ્યા હતા.

રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ કડછાની ટીમના ચાર પોલીસમેને સાયલાથી દારૂ ભરેલા કન્ટેનરનું અપહરણ કર્યું હતું અને તેનો ભાંડાફોડ સ્ટેટ મોનિટરિંગ સેલે જ કર્યો હતો, એ ચારેય પોલીસમેનના આજે સોમવારે રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયા છે ત્યાં આજે જ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી ક્લબનો પર્દાફાશ કરતાં પોલીસબેડામાં સોપો પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...