મીઠી-મધુરી, ખુશ્બુદાર પરંપરાગત કેસર કેરીની સિઝન પૂર્ણતાને આરે છે ત્યારે આ વખતે સ્વાદપ્રેમીઓની સૌથી મોટી ફરિયાદ એવી છે કે, દર વર્ષની જેમ આ સાલ કેરી ખાવાની જોઇએ તેવી મજા ન આવી! ગ્લોબલ વોર્મિંગ અને તૌકતેની અસર વચ્ચે આ સાલ પહેલેથી જ કેરીનો ઓછો પાક ઉતર્યો, આગોતરી કેરીને ઝડપી પકાવવા ઇથિલીનના ઇન્જેક્શન આપવાનું પ્રમાણ વધતા તેમજ સારી ક્વોલિટીના ફળની મહદંશે અછત વચ્ચે ઉત્તમ ક્વોલિટીની કેરી વધુ પ્રમાણમાં એક્સપોર્ટમાં જવા સહિતના કારણોએ કેરીની સિઝન જોઇએ તેવી જામી ન હોવાનો સૂર વ્યક્ત થઇ રહ્યો છે.
કેસર કેરીના એપિસેન્ટર ગીરમાં આશરે 15 લાખ આંબામાં 70 ટકા ફાલ આવ્યો જ નથી, ગત સાલ 36 દિવસની સિઝનમાં કેરીના કુલ 5.85 લાખ બોક્સ આવ્યા હતા, જેની સામે આ વર્ષે 41 દિવસમાં 4.70 લાખ બોક્સ જ આવ્યા છે ! વાસ્તવિક સ્થિતિ અંતર્ગત નવાઇની વાત એ પણ છે કે, કેસર કેરીનું ઉત્પાદન કરનારા મધ્ય ગીરમાં 100 પૈકી અંદાજે 92 ખેડૂતે પોતાને અથાણાની કેરી પણ બહારથી ખરીદવી પડે તેવી હાલત જોવા મળી છે!
તાલાલા યાર્ડના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયાએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, ‘આ સાલ સિઝન 70 ટકા નબળી છે. અત્યાર સુધી સ્પષ્ટ કહેવું મુશ્કેલ હતું, પરંતુ સિઝનને 41 દિવસ થયા છે ત્યારે અત્યાર સુધી થયેલી જૂજ આવકો, અને ફળની ગુણવત્તાને ધ્યાને રાખીએ તો કેરીની સિઝન જામવી જોઇએ તેવી જામી નથી !
ગોંડલ યાર્ડમાં ગત સાલ સામે કેસર, આફૂસની આવક 50 ટકા ઘટી
સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેરીની આવક વધી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, યાર્ડમાં આફૂસની 23 માર્ચ અને કેસરની આવક 1 એપ્રિલથી શરૂ થઇ છે. શરૂઆતમાં જૂજ આવકો વચ્ચે કેસર કેરીની પ્રતિ 10 કિલોની પેટીના રૂ.1500-3000ના ભાવ હતા હાલ તે ભાવ ઘટી રૂ.450-1250 અને આફૂસના પ્રતિ 20 કિલોની પેટીના શરૂઆતમાં રૂ.5200-6500ના ભાવ હતા, તે હાલ ઘટી રૂ.2100-3000 બોલાઇ રહ્યા છે.
કેસર કેરી તાલાલા ગીર, કચ્છ અને ઢસાધાર તરફથી અને આફૂસ મહારાષ્ટ્ર અને કર્ણાટક બાજુથી વાયા અમદાવાદ આવતી હોય છે. અત્યાર સુધીની સિઝનનો ચિતાર જોઇએ તો ગત સાલ કેસર કેરીમાં અંદાજે 12.50 લાખ બોક્સની આવક હતી, જેની સામે આ સાલ માંડ 6 લાખ બોક્સની આવક નોંધાઇ છે. તો આફૂસમાં ગત સાલ એક લાખ બોક્સની આવક હતી, જેની સામે આ સાલ અત્યાર સુધીમાં અંદાજે માત્ર 50,000 બોક્સની આવક નોંધાઇ છે.
કેસરનું ઉત્પાદન ઓછું રહ્યું તેનાં કારણો
ગીરમાં કેસર કેરીનો પાક સરકારી ચોપડે ઘટ્યો
ગીરમાં કેસર કેરીના પાકનું અત્યાર સુધીનું ચિત્ર જોઇએ તો એકંદરે પાક ઘટ્યો છે. અંદાજે નવથી દસ હજાર હેક્ટર જમીનમાં આંબાઓનું વાવેતર છે, જેમાં તૌકતે વાવાઝોડું આવ્યું તેના કારણે આંબાઓમાં વધતા ઓછા પ્રમાણમાં નુકસાની થયાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી. સંકલિત રોગ અને જીવાત સામે ઉત્પાદન વધારી શકાય તે અંગેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.’ > વી.એચ.બારડ, બાગાયત અધિકારી, તાલાલા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.