તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોરઠની કોઠાસૂઝ:જૂનાગઢના કોયલી ગામના માત્ર 12 ધોરણ ભણેલાં આ મહિલા ખેડૂત મહિને 1 લાખ સુધીની આવક રળી લે છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાવનાબેન ત્રાંબડિયાની તસવીર - Divya Bhaskar
ભાવનાબેન ત્રાંબડિયાની તસવીર
  • ઉચ્ચ અભ્યાસ કરેલા બે દીકરાઓ પણ માતાના ‘બિઝનેસ’માં જોડાયા

સોરઠના એક મહિલા ખેડૂતે બદલાતા સમય સાથે ખેતી અને પશુપાલનની પદ્ધતિ બદલીને સફળતા મેળવી છે એટલું જ નહીં મહિલા ખેડૂત પણ પ્રગતિશીલ હોઈ શકે છે એ પુરવાર કર્યું છે. જૂનાગઢના કોયલી ગામનાં ભાવનાબેન ત્રાંબડિયા આર્ગેનિક ખેતી કરી દર વર્ષે હજારો નહીં, પણ લાખોની કામાણી કરી રહ્યા છે. ​​​​​​ભાવનાબેન માત્ર 12 ધોરણ સુધી જ ભણ્યાં હોય. પરંતુ તેમની કોઠાસૂઝ ભણેલાને પણ પાછળ રાખી દે તેવી છે. પ્રગતિશીલ ખેડૂત એવા આ મહિલાએ શરૂઆતના તબક્કામાં યોગ્ય માર્ગદર્શન અને ટ્રેનિંગ મેળવી ઓર્ગેનિક ખેતી શરૂ કરી હતી. જોકે પ્રથમ બે વર્ષ ખેતીમાં મોટું નુક્સાન થવા છતાં તેઓ હિંમત હાર્યા નહીં.

અત્યારે તેઓ પોતાની માલિકીની 10 વીઘા અને ભાડે રાખેલી 10 વીઘા એમ કુલ 20 વીઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી કરે છે. સાથે જ 37 ગાયો પણ રાખે છે. જેથી દરરોજ સરેરાશ 120 લિટર દૂધનું વેચાણ ઉપરાંત દહીં, છાસ અને ઘી સહિતની દૂધની બનાવટોનું પણ વેચાણ કરે છે. સાથે જ તેઓ હાથ બનાવટની વિવિધ ઓર્ગેનિક ચીજવસ્તુઓનું પણ વેચાણ કરે છે. આ રીતે ભાવનાબેન દર મહિને સરેરાશ એક લાખ રૂપિયા સુધીની આવક રળે છે. પ્રગતિશીલ મહિલા ખેડૂત તરીકે તેમને વિવિધ એવોર્ડસ પણ મળ્યાં છે.

ગાય આધારીત 23 ઓર્ગેનિક પ્રોડક્ટનું ઉત્પાદન
પ્રગતિશીલ મહિલા ખેડૂત ભાવનાબેન ગાય આધારીત 23 પ્રોડક્ટ ઘર આંગણે જ તૈયાર કરી તેનું વેચાણ કરે છે. જેમાં સાબુ, શેમ્પુ, તેલ, બામ, એસીડીટી અને ગેસ માટેની ફાકી, અગરબત્તી, ગોબર દીવડા સહિત 23 ઓર્ગેનિક પ્રોડક્ટ તૈયાર કરી ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. આરોગ્ય માટે અતિ ઉત્તમ આ વસ્તુઓ લેવા માટે અમદાવાદ અને ગાંધીનગરથી પણ ગ્રાહકો ઓર્ડર કરે છે.

પોતાનો ઓર્ગેનિક મોલ પણ શરૂ કર્યો
મહિલા ખેડૂત ખેતરમાં તૈયાર થતી તમામ વસ્તુનું સીધું ગ્રાહકોને જ વેચાણ કરે છે. જેના કારણે બજાર કરતા ભાવ પણ સારા મળી રહી છે. આ માટે ભાવનાબેને જૂનાગઢમાં કામધેનુ ઓર્ગેનિક મોલ ચલાવે છે. જેમાં તેઓ પોતાની તમામ પ્રોડક્ટનું વેચાણ કરે છે. ભેળસેળ વગરની ઓરિજિનલ પ્રોડક્ટ મળતી હોવાથી આ ક્ષેત્રે પણ સફળતા મળી છે.

દીકરાઓ નોકરી છોડી ખેતીમાં જોડાયા
સતત મહેનતના અંતે ખેતીમાં સફળતા મળતા ભાવનાબેને પોતાના બન્ને દીકરાઓને પણ આ વ્યવસાયમાં જોડ્યા છે. માસ્ટર ડિગ્રી મેળવેલા બન્ને દીકરાઓ સારા પગારથી નોકરી છોડી હાલ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી રહ્યાં છે. બન્ને ભાઈ દૂધ દોવાથી લઈ વેચવા સહિતના તમામ કામ કરે છે.

અન્ય મહિલાઓને મળે છે રોજગારી
ભાવનાબેન પોતાની સાથે અન્ય મહિલાઓને પણ રોજગારી આપી રહ્યાં છે. પોતાની વિવિધ પ્રોડક્ટ બનાવવા માટે 8 મહિલાઓને જૉબ આપી છે. આ મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપી આ વ્યવસાયમાં વધુને વધુ મહિલાઓને જોડવા પ્રયાસ પણ કરી રહ્યાં છે. ભાવનાબેન કહે છે કે, મહિલાઓએ ખેતીમાં જોડાવવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...