જોગ-સંજોગ:મોરબીમાં 21-21 વર્ષે મોટી આ ત્રીજી ઘાત, 1979માં મચ્છુ હોનારત, 2001માં ભૂકંપ ને 2022માં ઝૂલતો પુલ ધરાશાયી

રાજકોટએક મહિનો પહેલા

સિરામિકનગરી તરીકે જાણીતા મોરબીમાં દર 21 વર્ષે કરુણાંતિકા સર્જાતી હોવાની માન્યતા ફરી એક વખત સાચી ઠરી છે. આજે ત્રીજી વખત 21 વર્ષ બાદ મોરબીમાં દુર્ઘટના સર્જાઈ અને એમાં અનેકના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 11 ઓગસ્ટ 1979ના રોજ મચ્છુ હોનારત એનાં 21 વર્ષ બાદ 26 જાન્યુઆરી 2001ના ભૂકંપ અને હવે ત્રીજી વખત 21 વર્ષ બાદ 30 ઓક્ટોબર 2022ના રોજ સાંજે મોરબીના એકમાત્ર ફરવાલાયક સ્થળ સમાન ઝૂલતો પુલ તૂટતાં અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં ખાબક્યા હતા અને એમાં 134 જેટલા લોકો મોતને ભેટ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મચ્છુ હોનારતમાં વાહનની સુવિધાના અભાવે બળદગાડામાં લાશો લઈ જવામાં આવી હતી.
મચ્છુ હોનારતમાં વાહનની સુવિધાના અભાવે બળદગાડામાં લાશો લઈ જવામાં આવી હતી.

11 ઓગસ્ટ 1979ની રાત્રે શું બન્યું હતું
10 ઓગસ્ટ 1979ની રાત્રિના મોરબીમાં 25 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ઉપરવાસમાં પણ પાણીની આવક સતત ચાલુ હતી. પરિણામે, મચ્છુ ડેમના દરવાજા ખોલવા જરૂરી હતા, પણ લાઈટ ન હોવાથી ગામના લોકોની મદદ લઇ હેન્ડલથી દરવાજા ખોલવા પ્રયત્ન કરાયો, પણ સફળ ન થયા અને ગામના યુવાનો પણ પાણી જોઈ ભાગી ગયા. પાણી સતત વધતાં બપોરે 3:15ના નવાગામ તરફનો માટીનો પાળો તૂટ્યો અને પાણી પ્રથમ લીલાપરને પોતાની ઝપેટમાં લીધું અને બાદમાં મોરબી તરફ ધસમસતું આવી ગયું. મોરબીવાસીઓને પણ પોતાની ઝપેટમાં લીધું. આ હોનારતમાં 6158 મકાન, 1800 ઝૂંપડાં સાવ નાશ પામ્યાં તો 3900 જેટલાં મકાનને નુકસાન થયું હતું. સરકારી આંકડા મુજબ 1439 માનવ અને 12,849 પશુના જીવ ગયા હતા.

મચ્છુ હોનારતમાં યુવાનનો મૃતદેહ દીવાલ સાથે ચોંટી ગયો હતો.
મચ્છુ હોનારતમાં યુવાનનો મૃતદેહ દીવાલ સાથે ચોંટી ગયો હતો.

26 જાન્યુઆરી 2001ના ભૂકંપમાં 130 લોકો મોતે ભેટ્યા
26 જાન્યુઆરી 2001ના રોજ સવારે 8:45 વાગ્યે ગોઝારો ભૂકંપ આવ્યો હતો. 40 સેકન્ડ સુધી ભૂકંપે ધરાને હચમચાવી નાખતાં સમગ્ર મોરબી શહેર ધણધણી ઊઠ્યું હતું. આ ભૂકંપમાં સૌથી વધુ અસર સામાકાંઠે હાઉસિંગ બોર્ડની વસાહતોને અને સોનીબજારમાં થઈ હતી, જેમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળની ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી તેમજ સોનીબજારમાં અનેક દુકાનો, મકાનો પળવારમાં જ કાટમાળ બની ગયાં હતાં. આ સ્થળ પર ચાલી પણ ન શકાય એવી કપરી સ્થિતિ સર્જાઈ હતી.

મચ્છુ હોનારત વખતે અનેક પરિવારો નોધારા બન્યા હતા.
મચ્છુ હોનારત વખતે અનેક પરિવારો નોધારા બન્યા હતા.

મોરબીનાં 80 ગામોને અસર થઈ હતી
આવી જ રીતે ગેસ્ટ હાઉસ રોડ પરની બજારને પણ નુકસાન થયું હતું. આ ઉપરાંત મણિમંદિર, નેહરુગેટ, ગ્રીનચોક જેવી ઐતિહાસિક ઇમારતો જર્જરિત થઈ ગઈ હતી. પાડાપુલની રાહદારી પાળી પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. ભૂકંપની આ નુકસાની અને જાનહાનિની સત્તાવાર વિગતો જોઈએ તો મોરબી શહેરી વિસ્તારના 130 જેટલા લોકોનાં મોત થયાં હતાં અને અસંખ્ય લોકો ઘાયલ થયા હતા. 50 હજારથી વધુ મકાનોને નુકસાન થયું હતું. 82 ગામને અસર પહોંચી હતી, જેમાંથી 70 ટકા ગામોને મોટું નુકસાન પહોંચ્યું હતું. એકંદરે સમગ્ર મોરબી તાલુકો ભૂકંપથી ભારે પ્રભાવિત થયો હતો.

ઝૂલતો પુલ ધરાશાયી થતાં 134 લોકોએ જીવ ગુમાવ્યા.
ઝૂલતો પુલ ધરાશાયી થતાં 134 લોકોએ જીવ ગુમાવ્યા.

ફરી 21 વર્ષે મચ્છુમાં 134 લોકો હોમાયા
30 ઓક્ટોબર 2022ની સાંજ અને આ સાંજ ત્રીજી વખત 21 વર્ષ બાદ મોરબી માટે કાળી ટીલી સમાન બની ગઈ. આ રવિવારની સાંજ મોરબીના એકમાત્ર ફરવાલાયક સ્થળ ઝૂલતા પુલ પર મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર, સગાં-સંબંધીઓ અને મિત્રો સાથે ફરવા માટે ગયા હતા અને અચાનક સાંજના 6.32 વાગ્યે પુલ તૂટી પડ્યો હતો, આથી અનેક લોકો દોરડા પકડી પોતાના જીવ બચાવતા રહ્યા તો અનેક લોકો નીચે પાણીમાં ખાબક્યા હતા. કોઈ નીચે પટકાતાં મોતને ભેટ્યા તો કોઈ ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા હતા.

હજી પણ શોધખોળ ચાલુ છે.
હજી પણ શોધખોળ ચાલુ છે.

તંત્રની સાથે સ્થાનિક લોકો રેસ્ક્યૂમાં જોડાયા
આ બાદ સ્થાનિક તરવૈયાઓ, ફાયરબ્રિગેડ, NDRF, SDRF, આર્મી અને નેવીના જવાનો તરત મદદે દોડી આવ્યાં હતાં અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દુર્ઘટનામાં 134 લોકો મોતને ભેટ્યા હતા, જેમાં સૌથી વધુ બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મચ્છુ હોનારત વખતે બચાવ કામગીરીમાં જોડાયેલા લોકો.
મચ્છુ હોનારત વખતે બચાવ કામગીરીમાં જોડાયેલા લોકો.

2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક
ઘટનાના 42 કલાક વીતવા છતાં હજુ પણ સર્ચ-ઓપરેશન ચાલુ છે. NDRF, SDRFની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખ સતત 42 કલાકથી સર્ચ-ઓપરેશન કરી રહી છે. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે છે. એને લઇને મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો છે અને આસપાસના રોડ રસ્તા પર પણ વધારાની અવરજવર બંધ કરાઇ છે. જ્યારે 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

મચ્છુ હોનારતમાં પશુઓના મૃતદેહો વીજ થાંભલા સાથે લટકતા જોવા મળ્યા હતા.
મચ્છુ હોનારતમાં પશુઓના મૃતદેહો વીજ થાંભલા સાથે લટકતા જોવા મળ્યા હતા.

કોઈ મિસિંગ હોય તો કંટ્રોલ રૂમમાં જાણ કરવી: મોરબી જિલ્લા કલેક્ટર
કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે ઝૂલતા પુલ ઉપર કોઈ ફરવા ગયા હોય અને હજુ લાપતા હોય તો તેમના સ્વજનો હજુ પણ કલેકટર, મામલતદાર, ચીફ ઓફિસરની કચેરીમાં ચાલુ કંટ્રોલરૂમમાં તેમજ હોસ્પિટલમાં જાણ કરી શકે છે. અત્યારસુધીમાં રેસ્ક્યૂ કામગીરી દરમિયાન 224 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 15 વ્યક્તિ મોરબીની વિવિધ હોસ્પિટલમાં અને બે વ્યક્તિ રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે હોસ્પિટલમાંથી 73 લોકોને રજા આપી દેવાઈ છે અને રેસ્ક્યૂ-ઓપરેશન હજુ ત્વરિત ગતિએ ચાલુ છે. કોઈ મિસિંગ હોય તો તેની કંટ્રોલ રૂમમાં જાણ કરવી.

મચ્છુ ડેમ તૂટતાં વેરાન વગડો થઈ ગયો હતો.
મચ્છુ ડેમ તૂટતાં વેરાન વગડો થઈ ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...