રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં યાર્ડમાં ડુંગળીનો નવો પાક ઠલવાયો છે. ડુંગળીના ભાવ તળિયે ગયા છે. કેટલાક કિસ્સામાં તો ખેડૂતને યાર્ડ સુધી પહોંચાડવાનો ખર્ચ નહીં મળતા ખેડૂતો યાર્ડમાં વેચવા આવવાનું પણ ટાળી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યાનુસાર આ વખતે ડુંગળીનો પાક એકસાથે આવ્યો છે. નાના ખેડૂતો પાસે કોલ્ડ સ્ટોરેજ સુવિધાને અભાવે તેઓ પાકને સ્ટોર પણ કરી શકતા નથી. એક તરફ ખેડૂતોએ સસ્તા ભાવે ડુંગળી વેચવી પડે છે તો બીજી તરફ તેમણે ખેતીમાં જેટલો ખર્ચ કર્યો છે તેનું પૂરું વળતર પણ મળતું નથી. ત્યારે દિવ્યભાસ્કર લઈને આવ્યું છે સરકારની એક એવી યોજનાની માહિતી જેથી ખેડૂતોનો ખેતીનો ખર્ચ પણ ઘટશે અને તેઓ પાકમાં વેલ્યુ એડિશન પણ કરી શકશે.
ડુંગળીના ભાવમાં ચડાવ -ઉતાર
આ મુદ્દે દિવ્યભાસ્કર દ્વારા રાજકોટ નાયબ બાગાયત નિયામક રસિકભાઈ બોઘરાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે,હાલ અન્ય રાજ્યોમાંથી પણ ડુંગળીની આવક ગુજરાત રાજ્યમાં થતી હોવાથી ડુંગળીના ભાવમાં ચડાવ-ઉતાર જોવા મળી રહયા છે. જેથી, ડુંગળી પકવતાં ખેડૂતોએ ધીરજ રાખવા તથા ડુંગળીના સંગ્રહ અંગેની યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવા બાગાયત વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.
બાગાયત ખાતા મારફત સહાય અપાય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સંગ્રહ અંગેની વિવિધ પદ્ધતિઓમાં દેશી પદ્ધતિઓ ઉપરાંત મેડા પદ્ધતિઓ કે જેમાં બાગાયત ખાતા મારફત સહાય આપવામાં આવે છે અને મોટા પાયે સંગ્રહ કરવા કોલ્ડ સ્ટોરેજ જેવા ઘટકમાં તેમજ પાકના મૂલ્યવર્ધન હેતુ બાગાયતી પાકોના પ્રોસેસીંગ યુનિટ વસાવવા પણ સહાય આપવામાં આવે છે.
સરકાર 50% લેખે સહાય ચૂકવે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે 25 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું અને તેનો રૂપિયા 1,75,000 સુધીના સુધી ખર્ચ યુનિટ કોસ્ટ પર સરકાર 50% લેખે રૂ.87,000ની સહાય આપે છે. આ ઉપરાંત કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે 5 હજાર મેટ્રિક ટન કેપેસીટી સુધી પ્રોજેક્ટ ખર્ચના 35% લેખે સહાય મળવાપાત્ર છે.
રૂબરૂ સંપર્ક પણ કરી શકાય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બાગાયતી પાકોના પ્રોસેસીંગ નવા યુનિટ વસાવવા માટે ખર્ચના 75% અથવા 1 લાખ, આ બેમાંથી જે ઓછું હોય, તે સહાય મળવાપાત્ર છે. આથી, ડુંગળી પકવતાં ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા તેમની કચેરી, 2/3 જિલ્લા સેવા સદન-3, પ્રેસ રોડ, રીડ કલબનો રૂબરૂ સંપર્ક પણ કરી શકાય છે.
છૂટક બજારમાં કિલોના રૂ.5થી 10 મળી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, એમ.,પી., મહારાષ્ટ્ર, પંજાબથી પણ આવક થઇ રહી છે. ગત સિઝનમાં સફેદ ડુંગળીનો ભાવ રૂ.70થી 80 હતો.આ વખતે તેનો ભાવ સ્થાનિક બજારમાં રૂ.150થી 175 સુધી અને નિકાસમાં તેનો ભાવ રૂ.300થી 550 સુધી મળી રહ્યા છે. છૂટક બજારમાં ડુંગળીનો ભાવ કિલોના રૂ.5થી 10 મળી રહ્યા છે, સામે લેવાલી નથી. હાલ ગરમી શરૂ થઇ ગઇ છે. જેની અસર શાકભાજીની આવક ઉપર પણ પડી છે. તેમજ બજારમાં કાચી અને પાકી કેરીનું આગમન થઇ ચૂક્યું છે.
ડુંગળીનું સીધું વાવેતર થાય છે
ડુંગળીનું વાવેતર સીધું થાય છે. બીજી બાજુ વીઘા દીઠ તેમાં ઉતારો વધારે આવે છે. ઓછા ખર્ચ અને સમયમાં વધારે ઉતારો આવતો હોવાથી ખેડૂતો તેનું વાવેતર વધારે કરે છે. એટલું જ નહિ એક માત્ર ડુંગળી એવી છે કે તેનો ભાવ ઊંચો મળે છે અને તેનો ભાવ નીચો પણ જાય છે.
સૌરાષ્ટ્રના યાર્ડમાં ડુંગળીની આવક અને તેનો ભાવ | ||
યાર્ડનું નામ | આવક | ભાવ |
રાજકોટ | 2,00,000 | 40થી 150 |
ગોંડલ | 13,350 | 26થી 51 |
ધોરાજી | 1,23,800 | 26થી 116 |
મોરબી | 5,200 | 80થી 180 |
જેતપુર | 44,100 | 71થી 121 |
(નોંધ: આવક કિલોમાં અને ભાવ મણમાં છે) |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.