• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • This Responsibility Will Blossom The Inner Strengths: Wife Rivaba, Spent 10 Years With Dhoni, The Effect Of The Color Association Will Be Seen In The Brother: Sister

CSKના કેપ્ટન જાડેજાના પરિવારે શું કહ્યું?:આ જવાબદારીથી આંતરિક શક્તિઓ ખીલશેઃ પત્ની રિવાબા, ધોની સાથે 10 વર્ષ વિતાવ્યા, રંગ એવો સંગની અસર ભાઇમાં જોવા મળશેઃ બહેન

રાજકોટ5 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • કૉપી લિંક
  • 14 વર્ષમાં પહેલીવાર CSKએ ફુલટાઈમ કેપ્ટન બદલ્યો
  • ધોનીએ CSKની કેપ્ટનશિપ છોડી, જાડેજા હવે ટીમનું નેતૃત્વ કરશે

IPL 2022ને શરૂ થવામાં માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, એવામાં મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એકવાર પોતાના નિર્ણયથી ફેન્સને ચોંકાવી દીધા છે. કેપ્ટન કૂલે ચેન્નઈ સુપર કિંગ્સની કમાન છોડી દીધી છે અને રવિન્દ્ર જાડેજાને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી દીધી છે. આ અંગે દિવ્ય ભાસ્કરે તેમના પરિવાર સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. જેમાં તેની પત્ની રિવાબાએ જણાવ્યું હતું કે, આ જવાબદારીથી રવિમાં આંતરિક શક્તિઓ ખીલશે. જ્યારે બહેન નયનાબાએ જણાવ્યું હતું કે, ભાઈએ ધોની સાથે 10 વર્ષ વિતાવ્યા છે. રંગ એવો સંગની અસર ભાઈમાં જોવા મળશે.

બહેન નયનાબા જાડેજા સાથે રવિન્દ્ર જાડેજા
બહેન નયનાબા જાડેજા સાથે રવિન્દ્ર જાડેજા

મને નથી લાગતું કે તે પ્રેશરમાં કે ટેન્શનમાં આવી જશે
વધુમાં નયનાબાએ જણાવ્યું હતું કે, રવિ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં જ તૈયાર થયો છે. એક દાયકો તેણે ધોની સાથે વિતાવ્યો છે એટલે તે આ વખતની આઇપીએલમાં સારું પ્રદર્શન કરશે. મને નથી લાગતું કે તે પ્રેશરમાં કે ટેન્શનમાં આવી જશે. એ પહેલાં જેમ પોતાનું પરફોર્મન્સ આપતો હતો એ જ રીતે સારું પરફોર્મન્સ આપશે. કપરા સમયે પણ મારા ભાઈએ સારું આઉટપુટ આપ્યું છે. કહેવાય છે ને રંગ એવો સંગ. મારો ભાઈ મહેન્દ્રસિંહ ધોની પાસે જ તૈયાર થયો છે. ધોની ખુદ કેપ્ટન કૂલ છે તો તેની અસર મારા ભાઈમાં પણ જોવા મળશે અને બધા રવિની કાબેલિયતને જાણે છે.

પત્ની રિવાબા જાડેજા સાથે રવિન્દ્ર જાડેજા.
પત્ની રિવાબા જાડેજા સાથે રવિન્દ્ર જાડેજા.

એક જવાબદારી હવે તેમના પર આવી ગઈ છે
જાડેજાની પત્ની રિવાબાએ જણાવ્યું હતું કે, આ અમારા આખા પરિવાર માટે ખૂબ જ ગર્વની વાત છે કે હવે તેમને ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. એક જવાબદારી હવે તેમના પર આવી ગઈ છે અને મને વિશ્વાસ છે કે તે આ જવાબદારી ખૂબ જ સુંદર રીતે નીભાવશે. તેમના પર કેપ્ટનશિપની જવાબદારી થકી તેમની આંતરિક શક્તિઓ ખીલશે છે અને તેઓ વધુ સારું પરફોર્મ કરશે, એવું મારું માનવું છે.

આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીને રિટેન કર્યા
આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીને રિટેન કર્યા

14 વર્ષમાં પહેલીવાર CSKએ ફુલટાઈમ કેપ્ટન બદલ્યો
ઉલ્લેખનીય છે કે જાડેજા 2012થી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. વળી, ચેન્નઈ સુપર કિંગ્સે 14 વર્ષમાં પહેલીવાર ફુલટાઈમ કેપ્ટન બદલ્યો છે. માહીની કેપ્ટનશિપમાં ચેન્નઈએ 4 વખત આઈપીએલનો ખિતાબ પણ જીત્યો છે. જ્યારે આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીને રિટેન કર્યા હતા.

ICC ટેસ્ટ રેન્કિંગમાં બાપુની બોલબાલા
રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન ICCએ બહાર પાડેલી ટેસ્ટ રેન્કિંગમાં વેસ્ટ ઇન્ડિઝના જેસન હોલ્ડરને ઓવરટેક કરી જાડેજાએ નંબર-1નું સ્થાન મેળવી લીધું છે. તો બીજા નંબર પર અત્યારે જેસન હોલ્ડર અને ત્રીજા નંબર પર રવિચંદ્રન અશ્વિન છે.