સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ રિજિયન હેઠળ આવતી 22 નગરપાલિકામાં રસ્તા રિપેર માટે પ્રતિ કિ.મી. 15 લાખ રૂપિયા લેખે 2019માં આપેલી 35.32 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં ટેન્ડર કર્યા વગર બારોબાર કામ આપીને કૌભાંડ આચરાયું હોવાનો પર્દાફાશ થયો છે. આ અહેવાલ બાદ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું છે કે તપાસ કરવાના આદેશ થયા છે. શું તપાસ થાય છે તે આગામી સમય બતાવશે પણ ટેન્ડર વગર કામો કરવા મૂળ આદેશ ક્યાંથી આવ્યો હતો તેની તપાસ કરતા તેનો દોરીસંચાર ગાંધીનગરથી થયો હોવાનું વોટ્સએપ ચેટમાં ખુલ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છની નગરપાલિકાઓમાં ટેન્ડર વગર કામ મામલે આર. કમિશનરેટ- રાજકોટ નામના વોટ્સએપ ગ્રૂપમાં જ ચર્ચા થઈ હતી. આ સમગ્ર મામલે વોટ્સએપ ચેટનો અભ્યાસ કરતા જોવા મળ્યું હતું કે, સૌથી પહેલા ગ્રાન્ટ અંગેની વિગત ગ્રૂપમાં મુકાઈ હતી અને ઝડપથી કામ ચાલુ કરવા આદેશ કરાયો હતો. જોકે તેમાં બીજી કોઇ સૂચના ન હોવાથી કઈ રીતે કરવું તેની મૂંઝવણ થતા એક ચીફ ઓફિસરે પ્રશ્ન કર્યો હતો કે, ‘ટીએસ, એએસ કે ટેન્ડર પ્રોસિજર વિશે કશી સૂચના નથી અને આવતીકાલથી ચાલુ કરવાનું શરૂ કરવાનું કહ્યું છે તો આ મામલે સ્પષ્ટતા કરવા વિનંતી’ આ મેસેજ મુકાયા બાદ બીજા દિવસે તા.12 ઓક્ટોબર 2019ના તત્કાલીન રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર સ્તુતિ ચારણે એવો મેસજ મૂક્યો હતો કે ‘કામ ચાલુ કરી દો બાકી બધું આવી જશે.
આ મસેજ કમિશનર તરફથી છે અને રિપેરિંગમાં હવે કોઇ મોડું નહિ ચાલે’ આ રીતે તત્કાલીન રિજિયોનલ કમિશનરે ઝડપથી કામ કરવા તેમજ ટેન્ડર વગર કામ કરવા પાછળ ગાંધીનગરથી આદેશ છૂટ્યા હોવાનું આડકતરી રીતે કહી દીધું હતું. ત્યારબાદ તેમણે તિલક શાસ્ત્રી(ચીફ ઓફિસર) ને કામ થતા હોવાનો દર છ કલાકનો રિપોર્ટ માગ્યો હતો તેમજ દરેક નગરપાલિકાના ચીફ ઓફિસરને દૈનિક 8થી 10 રોડ સાઈટ પર વિઝિટ કરવા માટે પણ સૂચના આપી દીધી હતી.
આ વોટ્સએપ મેસેજ બાદ તુરંત જ બધી નગરપાલિકાઓમાં કામ ચાલુ કરાવવા માટે એક પત્ર પણ બનાવાયો હતો જેમાં ચીફ ઓફિસરે ફક્ત પોતાની નગરપાલિકાનું નામ, ગ્રાન્ટની રકમ લખી પોતાની અને જે તે નગરપાલિકા પ્રમુખની સહી જ કરાવવાની હતી અને આ પત્રનું ડ્રાફ્ટિંગ ચીફ ઓફિસર તિલક શાસ્ત્રીએ તૈયાર કર્યું હતું.
પાલિકામાં ગ્રાંટની ફાળવણી
નગરપાલિકા | ખરાબ રસ્તો (કિલોમીટર) | ગ્રાન્ટ (લાખ રૂ.) |
ગાંધીધામ | 22 | 330 |
ભુજ | 4.4 | 66 |
અંજાર | 1 | 15 |
માંડવી(કચ્છ) | 6 | 90 |
ભચાઉ | 2 | 30 |
રાપર | 13 | 195 |
ધ્રોલ | 8.5 | 127.5 |
જામજોધપુર | 8.99 | 134.85 |
કાલાવડ | 5.17 | 77.55 |
સિક્કા | 8 | 120 |
ઓખા | 25 | 375 |
દ્વારકા | 0.9 | 13.5 |
ભાણવડ | 3.44 | 51.6 |
મોરબી | 20 | 300 |
વાંકાનેર | 56.31 | 844.65 |
જેતપુર | 3.1 | 46.5 |
ગોંડલ | 2.7 | 40.5 |
ધોરાજી | 25 | 375 |
ઉપલેટા | 3 | 45 |
જસદણ | 7 | 105 |
ભાયાવદર | 1 | 15 |
પોરબંદર | 9 | 135 |
કુલ | 235.51 | 3532.65 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.