તપાસ શરૂ:‘આ ચોરી છે, તેમાં મામા’ હોય કે ‘રાણો’ કોઇને છોડાશે નહિ : મેયર

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોકુલનગર આવાસ કૌભાંડ મુદ્ે અધિકારીઓ સાથે બેઠક બોલાવાઈ
  • કેટલા ફ્લેટ ગેરરીતિ કરીને ફાળવી દેવાયા અને તેમાં કેટલી ખાયકી થઈ તેની તપાસ શરૂ : આકરા પગલાંના સંકેત

રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં સંતકબીર રોડ પર આવેલી ગોકુલનગર આવાસ યોજનામાં એક પછી એક ત્રણ ત્રણ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ધીરે ધીરે અધિકારીઓની પણ સંડોવણી ખૂલી રહી છે ત્યારે મનપા શું પગલાં લઈ રહી છે તે મામલે મેયર પ્રદીપ ડવને પૂછતા તેઓએ સોમવારે જ ફાઈલો ખોલી નાખવાની તૈયારી બતાવી છે.

મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, ‘ગોકુલનગર પ્રકરણમાં મેં પણ ખાનગી રાહે તપાસ કરાવીને કેટલાક દસ્તાવેજો એકઠા કર્યા છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સિંઘ પણ તપાસ કરી રહ્યા છે. સોમવારે તેમને બોલાવીને બધા સાહિત્ય એકઠા કરીને કઈ કઈ ગેરરીતિઓ ક્યાંથી થઈ છે તેના પર ચર્ચા થશે.

એક વાત સ્પષ્ટ છે કે મનપાની મિલકતમાં ઘૂસીને લાભ મેળવવો તે ચોરી જ છે તેથી કૌભાંડમાં જે પણ સંડોવાયેલું હશે તે ‘મામા’ હોય કે ‘રાણો’ હોય તેને છોડાશે નહિ, કોઇની પણ શેહશરમ રાખ્યા વગર કાર્યવાહી થશે’ મેયરે કરેલી તપાસ અંગે તેઓએ જણાવ્યું હતું કે, ‘મને માહિતી મળી છે કે કેટલાક લોકોને ફ્લેટ ફાળવ્યા છે તે ખોટી રીતે અપાયા છે, સ્થાનિક ન હતા છતાં ફ્લેટ મળ્યા છે તેમજ એક જ પરિવારને વધુ ફાળવણી થઈ છે. આ તમામનું લિસ્ટ મારી પાસે આવ્યું છે જેની ખરાઈ કરવા માટે સોમવારે બેઠક મળશે.’

પોલીસ ફરિયાદ થશે, કાગળો તૈયાર : એ. આર. સિંઘ
નાયબ મ્યુનિસિપલ કમિશનરે એ.આર. સિંઘે જણાવ્યું હતું કે, ફ્લેટમાં ઘૂસણખોરી સાબિત થઈ ચૂકી છે. એક વખત નહિ પણ બે બે વખત તાળાં તોડવામાં આવ્યા છે જે ખૂબ જ ગંભીર બાબત છે. મનપાની પ્રોપર્ટીમાં આ રીતે ઘૂસણખોરી સહન ન કરી શકાય તેને રોકવા માટે આકરી કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ કરવા નિર્ણય લેવાયો છે. આ માટે તમામ કાગળો તૈયાર થયા છે. ચેકિંગ દરમિયાન કેટલાક શંકાસ્પદ ફ્લેટ મળ્યા હતા તેના પુરાવા પણ હવે આવી ગયા છે જે તપાસમાં મહત્ત્વના સાબિત થશે.

ફાળવણીમાં જ્ઞાતિવાદને ઉત્તેજન આપવામાં પૂર્વ કોર્પોરેટર પણ સામેલ
ગોકુલનગર આવાસ યોજનામાં હાલ જ્ઞાતિના વાડા સર્જાયા છે, એક વિંગમાં એક જ જ્ઞાતિ રાખી છે. જે સાવ ઓછા છે તે તમામને એક જ વિંગમાં રાખી દીધા છે. આ પ્રકારની ફાળવણી રાજકોટમાં પ્રથમ વખત કરવાનું દુ:સાહસ થયું છે જેમાં સૌથી મોટી ભૂમિકા તે જ વિસ્તારના પૂર્વ કોર્પોરેટરની છે અને તેના જ્ઞાતિવાદી વિચારધારાને કાગળ પર લાવવા તે કોર્પોરેટરના જ નજીકના અધિકારીએ ખેલ પાડ્યો હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...