રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા રજવાડી ઠાઠથી મહારાજાના સ્વાગત જેવો ભપકો કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રજા તો ઠીક, ભાજપના જ એક વર્ગમાં આ પ્રકારના અતિરેક સામે ગણગણાટ શરૂ થયો છે. હાલ કોરોનાએ ત્રીજી વખત મોઢું ફાડ્યું છે ત્યારે ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો યોજાયો હતો. રોડ શોમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ ખુલ્લી જીપમાં સવાર હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જીપ ફરતે પોલીસ ચોકીદાર બનીને આગળ વધી રહી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. આ રોડ શો બાદ કોરોના વિસ્ફોટ થાય એવાં દૃશ્યો જોવા મળ્યા હતા. રોડ શો દોઢ કિમી લાંબો હતો અને મુખ્યમંત્રીની સાથે 100 ગાડી અને 1000 બાઇકચાલકો પણ જોડાયા હતા.
વરઘોડા અને ધાર્મિક મેળાવડાઓને કારણે કોરોના વિસ્ફોટ થયોઃ આરોગ્યમંત્રી
સામાજિક અને ધાર્મિક મેળાવડા પણ થયા જ છે ને. ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે ત્યારે રાજ્યના આરોગ્યમંત્રીએ બેજવાબદાર નિવેદન કર્યું છે. ગુરુવારે પત્રકારોને સંબોધતી વખતે જ્યારે વાઈબ્રન્ટ સમિટ અંગે પૂછવામાં આવ્યું ત્યારે ઋષિકેશ પટેલ ગુસ્સે થઈ ગયા. વાઈબ્રન્ટના સવાલનો જવાબ આપવાને બદલે મંત્રીજી એવું બોલ્યા કે, ગુજરાતમાં સ્થિતિ કાબૂમાં છે, અને આ સ્થિતિમાં જ ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ થયા જ છે. હદ તો ત્યારે થઈ જ્યારે એવું પણ કહ્યું કે, આ જ પરિસ્થિતિમાં જાનૈયાઓ રોડ પર વરઘોડા પણ કાઢતાં હતાં. આડકતરી રીતે તેમનો ઈશારો એવો હતો કે, આ બધા કારણોથી જ કોરોનાના કેસ વધ્યા છે. ઋષિકેશ પટેલે ત્યાં સુધી કહી દીધું કે, આપણે આવી માનસિકતામાંથી બહાર આવવવાની જરૂર છે.
એરપોર્ટ પર મુખ્યમંત્રીને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકરોના હજારોની સંખ્યામાં ટોળાં ઊમટ્યાં હતાં અને તમામ નીતિ-નિયમો નેવે મૂક્યાં હતા. સોશિયલ ડિસ્ટન્સ તો દૂર, કાર્યકરો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા. રોડ શોમાં લોકોએ મુખ્યમંત્રી પર ફૂલની પાંખડીઓનો વરસાદ કર્યો હતા. તેમજ ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઠેર ઠેર ડીજેના સંગીતથી રોડ શો વાઇબ્રન્ટ બન્યો
એરપોર્ટ રોડ પાસેથી કિશાનપરા ચોક ખાતે મુખ્યમંત્રીનો કાફલો આવી પહોંચતા વિવિધ સહકારી સંસ્થાઓ, એસોસિયેશન, જ્ઞાતિ-સમાજના સંગઠનો, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવો દ્વારા ઠેર-ઠેર પુષ્પવર્ષા કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. પરંપરાગત વેશભૂષામાં સજજ યુવાઓએ રાસ-ગરબા અને નૃત્ય કરી મુખ્યમંત્રી અને તેમની સાથે આવેલા મહાનુભાઓનું દિલ જીતી લીધું હતું. આ તકે દેશભક્તિના ગીત-સંગીત અને ભારતની ગાથાને વર્ણવતા દેશભક્તિના પ્રવચનો વગાડવામાં આવ્યા હતા. જેનાથી સમગ્ર રોડ શો વાઇબ્રન્ટ બની ગયો હતો.
ભીડથી દૂર રહેવામાં જ ભલાઈ
રોડ શોમાં તાયફા કરી ભાજપ નહીં સુધરે, પણ રાજકોટિયનો તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ખુદ રાખવાનું છે અને આવી ભીડથી દૂર રહેજો. હજારોની મેદનીમાં કોરોના સંક્રમણ ફેલાશે તો બીજી લહેર કરતાં પણ સ્થિતિ વણસી શકે છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી હજારોની મેદની એકત્રિત થઈ હતી. ત્યારે સમગ્ર કાર્યક્રમ સુપરસ્પ્રેડર બનવાનું જોખમ છતાં કાર્યક્રમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એક તરફ, બેન્કકર્મચારીઓનાં ધ૨ણાં કરવાની પણ મંજૂરી ન હતી છતાં ભાજપ સામે વહીવટી તંત્ર દંડવત થઈ ગયું છે.
રોડ શોના રૂટમાં ડીજેના તાલે નૃત્યો જોવા મળ્યા
રોડ શોના રૂટમાં ડીજેના તાલ અને નૃત્યો થતાં જોવા મળ્યાહતા. તેમજ કાર્યકરો એકઠા થઇને મુખ્યમંત્રીનું સ્વાગત કરતા હતા. આ દરમિયાન 1000 બાઈકની વિશાળ રેલી પણ યોજાઇ હતી. જોકે પાટીલ રોડ શોને અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા. રોડ શો ધર્મેન્દ્ર કોલેજ પૂર્ણ થયો હતો. અહીં મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, ગ્રામ વિકાસમંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પંચાયતમંત્રી બ્રિજેશ મેરજા અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી રહેશે તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર છે.
અઢી કિલોમીટરના રૂટમાં 80 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા
ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં સુશાસન સપ્તાહનો સમાપન સમારોહ છે. બપોરે 1.10 કલાકે સમાપન સમારોહ પૂર્ણ જાહેર થશે ત્યાર બાદ મુખ્યમંત્રી ચૌધરી સ્કૂલના મેદાનમાં ઊભી કરેલી પોર્ટેબલ હોસ્પિટલની મુલાકાત લેશે અને ત્યાંથી રૈયા સ્માર્ટસિટીમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિદર્શન કરી બપોરે 3 કલાકે મેયર બંગલે બેઠક કરશે. રોડ શોમાં ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક પર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અઢી કિલોમીટરના રૂટમાં 80 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા.
રાજકોટ સીએમ રોડ શોનો રૂટ
આટલા માર્ગો પર પ્રવેશ બંધ, નો પાર્કિંગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.