શિયાળાનો આહલાદક નજારો:રાજકોટમાં આજે સવારના 9 વાગ્યા સુધી 100 ફૂટ દૂર ન દેખાય તેવું ગાઢ ધુમ્મસ છવાયું, હાઈવે પર વાહનચાલકોને હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી

રાજકોટ12 દિવસ પહેલા
રાજકોટના બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે હાઇવે પર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું.
  • ગાઢ ધુમ્મસના કારણ શહેરમાં નયનરમ્ય વાતાવરણ જોવા મળ્યું
  • રાજકોટમાં આજે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આજે સવારે ઠેર-ઠેર તાપમાનનો પારો ગગડતા ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થયો હતો. આજે રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારના 9 વાગ્યા સુધી 100 ફૂટ દૂર વસ્તુ કે વાહન ન દેખાય તેવું ગાઢ ધુમ્મસ છવાયું હતું. શિયાળાની આ વર્ષની સિઝનનું સૌપ્રથમ વખત આજે ગાઢ ધુમ્મસ છવાયું હતું. આથી હાઈવે અને શહેરમાં વાહનચાલકોએ ફરજીયાત હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

લોકોએ આલહાદક વાતાવરણનો અનુભવ કર્યો
રાજકોટના શહેર અને હાઇવે વિસ્તારમાં આજે પરોઢીયેથી માંડી સવારના 9 વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણનો અનુભવ કર્યો હતો. સવારમાં ધુમ્મસની ચાદર છવાતા રોડ-રસ્તા ઉપર દૂરથી જોવાનું મુશ્કેલ બન્યું હતું. ગાઢ ધુમ્મસના પગલે નયનરમ્ય વાતાવરણ સર્જાયું હતું. જોકે સવારના 9 વાગ્યા બાદ સૂર્ય દેવતાએ દર્શન દેતા વાતાવરણ સ્વચ્છ બન્યું હતું. જેના કારણે સવારે ઠેર-ઠેર ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

રાજકોટ શહેરમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.
રાજકોટ શહેરમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.

સૌરાષ્ટ્રમાં સૌથી ઓછુ તાપમાન જામનગરમાં નોંધાયુ
આજે સવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી, અમરેલીમાં 17, ભુજમાં 18 ડિગ્રી, નલિયામાં 15.2 ડિગ્રી, દિવમાં 19 ડિગ્રી, દ્વારકામાં 20.5 ડિગ્રી, જુનાગઢમાં 19.3 ડિગ્રી, ઓખામાં 20.2 ડિગ્રી, પોરબંદરમાં 17 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી, વેરાવળમાં 21.2 ડિગ્રી, જામનગરમાં 15.8 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હાઇવે પર ગાઢ ધુમ્મસ.
હાઇવે પર ગાઢ ધુમ્મસ.

રાજ્યમાં સૌથી વધુ ઠંડી અમદાવાદમાં નોંધાઈ
રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડીનો અહેસાસ અમદાવાદ 14.3 અને 14.7 ડિગ્રી સાથે ગાંધીનગરમાં થયો હતો. આ ઉપરાંત નલિયા 15.2 અને ડીસા 15.4 ડિગ્રી સાથે બીજા ક્રમે સૌથી વધુ ઠંડા રહ્યા હતા.

ખેતરો ગાઢ ધુમ્મસમાં અદૃશ્ય થયા.
ખેતરો ગાઢ ધુમ્મસમાં અદૃશ્ય થયા.
ગાઢ ધુમ્મસથી હાઇવે ભીંજાયા.
ગાઢ ધુમ્મસથી હાઇવે ભીંજાયા.