રાજકોટ શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. શહેરના માધાપરચોકથી બેડીચોક નજીકના રસ્તે આવેલા બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટ થવા પામી છે. એમાં લૂંટારાએ ચોકીદારને બંધક બનાવી ગોડાઉનમાંથી 1.95 લાખ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં, મળસ્કે ઠંડી લાગતાં જેકેટ પણ ચોરી ગયા હતા. હાલ ગાંધીગ્રામ પોલીસ તેમજ ACP સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. લૂંટ કરવા આવેલા ત્રણ શખસ ચોકીદાર સાથે નજરે પડ્યાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ત્રણેય લૂંટારા ચોકીદારને ગોડઉનમાં લઇ જતા જોવા મળે છે.
ગોડાઉનનો ગેટ ખોલી નાખ્યો હતો
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરના માધાપરચોકથી બેડીચોક જવા તરફના રસ્તામાં વચ્ચે બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટની ઘટના સામે આવી છે. ગોડાઉન મલિક અને બાલાજી વેફર્સના ડીલર કલ્પેશભાઈએ જણાવ્યું હતું કે 3 જેટલા લૂંટારા અમારા ગોડાઉન પર આવ્યા હતા, જેમાંથી એક લૂંટારાએ ડેલો ઠેકી અંદર પ્રવેશ કર્યો હતો અને ગોડાઉનનો ગેટ ખોલી નાખ્યો હતો. એ બાદ બીજા બે લૂંટારાએ અંદર પ્રવેશ કર્યો હતો. અંદર અમારા ગોડાઉનના ચોકીદાર બેઠા હતા, જેને તેમણે બંધક બનાવી ગોડાઉનમાં અંદર રાખેલા 1.95 લાખ લૂંટી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ ચોકીદાર દ્વારા ગોડાઉન-માલિકને કરવામાં આવતાં તેઓ તરત ગોડાઉન પર દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
દોઢેક વાગ્યા બાદ લૂંટની ઘટના બની
આ મામલે બાલાજી વેફર્સના ડીલર કલ્પેશ ગોરધનભાઈ અમરેલિયાએ જણાવ્યું હતું કે તેઓ વેફર્સ પ્રોડકટ ડિસ્ટ્રિબ્યુશન માટેની ડીલરશિપ સાથે ગોડાઉન માધાપર સર્કલ નજીક ધરાવે છે. ગોડાઉનમાં રાત્રિના સમયે ચોકીદાર રહે છે. બાલાજી વેફર્સ ડીલરના અમરેલિયા બાલાજી સેલ્સ નામના ગોડાઉન પર ગત રાત્રિના દોઢેક વાગ્યા બાદ લૂંટની ઘટના બની હતી. ગોડાઉનમાં રહેલા ચોકીદારને છરી બતાવી હતી. છેલ્લાં 11 વર્ષથી વધુ સમયથી ગોડાઉન છે, ત્યાં સાંજના સામે રેલનગરમાં રહેતા પૂનાભાઈ રામભાઈ આહીર (ઉં.વ.70) નામના વૃદ્ધ સવાર સુધી ચોકીદાર તરીકે નોકરી કરે છે.
લૂંટારા ત્રિપુટી ગોડાઉનમાં રોકાઈ હતી
અવાજ થતાં ચોકીદાર જાગી ગયા હતા અને તેમણે અવાજ કરતાં વૃદ્ધ ચોકીદારને માર માર્યો હતો. એક શખસે છરી બતાવી ધમકી આપી વૃદ્ધને બાનમાં લીધા હતા. અન્ય બે શખસ ઉપલા માળે પહોંચ્યા અને ત્યાં ઓફિસનાં તાળાં તોડી અંદર રહેલી 1.95 લાખની રોકડ રકમ લૂંટી લીધી હતી. અંદાજે એકાદ કલાકથી વધુ સમય લૂંટારા ત્રિપુટી ગોડાઉનમાં રોકાઈ હતી.
ચોકીદાર રિલાયન્સની ઓફિસે પહોંચ્યા
લૂંટારા ત્રિપુટી નાસી જતાં મોબાઈલ ફોન નહીં રાખતા વૃદ્ધ ચોકીદાર પૂનાભાઈ બાજુમાં રિલાયન્સની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં હાજર કર્મચારી પાસે તેમના પુત્રને ફોન કરાવ્યો હતો. પૂનાભાઈના પુત્રએ ફરિયાદી કલ્પેશભાઈના નાના ભાઈને ફોન કર્યેા હતો. લૂંટની જાણ થતાં કલ્પેશભાઈ અને તેના બન્ને ભાઈઓ, જે સંયુકત પરિવારમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે મધુવન સોસાયટીમાં રહે છે. ત્રણેય તાત્કાલિક ગોડાઉન પર પહોંચ્યા હતા.
રોકડ રકમ લેવાનું ચૂકયા અને લૂંટની ઘટના બની
વેપારી કલ્પેશભાઈ અમરેલિયાના કહેવા મુજબ, ડીલરશિપના માલ સપ્લાય કર્યાની રકમ હતી. રોજિંદા વેપારની રકમ રોજ સાંજે પોતે ઘરે જ લઈ જતા હોય અથવા તો ચુકવણુ કે ધંધાકીય કામમાં રકમ જતી રહેતી હોય છે. ગઈકાલે પોતે વાડીએ બહાર હતા, જેથી ગોડાઉન પર જઈ શકાયું નહોતું. ચોકીદાર પૂનાભાઈ પણ વર્ષોથી ગોડાઉન પર નોકરી કરે છે અને વિશ્વાસુ છે. રકમ ઓફિસમાં રાખી હતી. પહેલી વખત રકમ લેતાં ચૂકી ગયા હતા અને 1.95 લાખની રકમની લૂંટ થઈ હતી.
લૂંટારાઓ ચાલીને આવ્યા હતા
ગોડાઉનમાં લૂંટ ચલાવવા આવેલા ત્રણ શખસ બહારના ભાગે પ્લોટમાં 15 મિનિટ જેવો સમય બેઠા રહ્યા હતા. બાદમાં એક શખસ દીવાલ કૂદી અંદર ઘૂસ્યો હતો અને અન્ય બે ઈસમ ડેલો ખૂલતાં અંદર પ્રવેશ્યા હતા. ત્રણેય શખસ ચાલીને આવ્યા હતા, એવું ગોડાઉનના CCTVમાં દૃશ્યમાન થઈ રહ્યું છે.
લૂંટારાઓ સ્પષ્ટ ગુજરાતી બોલતા હતા
લૂંટની સમગ્ર ઘટના ગોડાઉનમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકાદ કલાકથી વધુ સમયના આ ઘટનાક્રમ પરથી અને લૂંટારાઓ સ્પષ્ટ ગુજરાતી બોલતા હતા, જેથી સ્થાનિક કે કોઈ નજીકના વિસ્તારના કે જાણભેદુ હોઈ શકે એની પણ પોલીસને આશંકા છે. લૂંટારાઓ ગોડાઉનના સીસીટીવીમાં તો પગપાળા આવતા હોવાનું દેખાયું છે. આમ છતાં પોલીસ આગળના અન્ય સીસીટીવી પણ ચકાસી રહી છે. લૂંટ કે આવા બનાવ ભેદવામાં પોલીસ માટે CCTV જ આશીર્વાદરૂપ બને છે. આ લૂંટમાં પણ પોલીસનો પહેલો મદાર, આધાર કેમેરા બન્યા છે. લૂંટની ઘટનાના ફટેજ વાઇરલ ન થાય એ માટે કોઈને ન આપવા પણ પોલીસે ગોડાઉન-માલિકને સૂચિત કર્યા છે.
જેકેટ પણ લેતા ગયા
ગોડાઉનમાં 1.95 લાખની રોકડની લૂંટ કરનારી ત્રિપુટીએ જીન્સપેન્ટ, શર્ટ પહેર્યા હતા. એકે શાલ ઓઢી હતી. અન્ય એક ઈસમે પોતાનું મોં છુપાવવા ઓળખ ન થાય એ માટે પોતે જ પહેરેલો શર્ટ જ ચહેરા પર બુકાની બનાવી દીધો હતો. ઠંડી લાગતાં શર્ટમાં રહેલા એક શખસે ગોડાઉનમાં કામ કરતા એક કર્મચારીનું અંદર રહેલું જેકેટ પહેરી લીધું હતું અને એ પણ લેતાં ગયા હતા. આ મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ તેમજ ACP અને DCP કક્ષાના અધિકારીએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને ચોકીદારની પણ પૂછપરછ શરૂ કરી હતી તેમજ બનાવમાં કોઈ જાણભેદુ સામેલ છે કે કેમ સહિતની દિશામાં તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.