રાજકોટની ભાગોળે આવેલ રમણીય સ્થળ ઇશ્વરિયા પાર્કને વધુ આકર્ષક બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 77 એકરની વિશાળ જગ્યામાં પથરાયેલા આ ઇશ્વરિયા પાર્કમાં બાંબુહાટ, ગેમઝોન બનાવવા, બોટિંગ માટે લાઇફ જેકેટ સહિતની સેફ્ટી સિક્યોરિટીને મહત્વ સહિતના વિવિધ કામો કરાવવા માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કમર કસી છે. ગેમઝોન, હીંચકા-લપસીયાના રંગરોગાન અને મરામત કામ માટે ફરી ટેન્ડરિંગ થશે.
અગાઉ પણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી
જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ ગઇકાલે ઇશ્વરિયા પાર્કની મુલાકાત લઇ આ પાર્કનું નિરીક્ષણ કર્યું હતું. આ પાર્કમાં હાલ જે હીંચકા-લપસીયા છે તે તૂટી ગયા છે. આથી તેનું મરામત કામ કરી રંગરોગાન કરવામાં આવશે. આ ઉપરાંત નવા હીંચકા-લપસીયા પણ પાર્કમાં નાખવામાં આવનાર છે. અહીં સહેલાણીઓ માટે પાર્કને આકર્ષક બનાવવા તેમજ હીંચકા-લપસીયાના મરામત કામ અને રંગરોગાન સહિતના કામો માટે અગાઉ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.
એક પણ પાર્ટીએ ટેન્ડર ભર્યું નહોતું
પરંતુ એક પણ પાર્ટીએ આ ટેન્ડર ભરેલ નહોતું. આથી હવે હીંચકા-લપસીયાના મરામત કામ, રંગરોગાન, ગેમઝોન, બાંબુ હાટ માટે ફરી ટેન્ડર પ્રક્રિયા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવનાર છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ઇશ્વરિયા પાર્ક નજીક સાયન્સ સિટી કાર્યરત થઈ હોય આ સાયન્સ સિટીએ પણ વિદ્યાર્થીઓ અને નગરજનોમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યું છે. ત્યારે સાયન્સ સિટીમાં આવનાર નગરજનો ઇશ્વરિયા પાર્કની મુલાકાત લે તે માટે આ પાર્કને આકર્ષક અને સુવિધાસભર બનાવવા માટે વહીવટી તંત્રએ પ્રયાસો શરું કર્યા છે.
ગઇકાલે કલેક્ટરે સમીક્ષા બેઠક યોજી હતી
ગઇકાલે જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ વિકાસ કામો અંગે સમીક્ષા બેઠક કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જેમાં પણ ઇશ્વરિયા પાર્કમાં સુવિધા વિકસાવવા માટે કલેક્ટર અરુણ મહેશ બાબુએ ટકોર કરી હતી. આ બેઠકમાં મનુબેન ઢેબર સેનેટોરિયમ ખાતે 15 કરોડના ખર્ચે બનનારી 160 બેડની હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ, દિવ્યાંગ બાળકો માટે બની રહેલ મકાન, ઓલ્ડ એઝ હોમ, તેમજ ઘોડીયા ઘરની અત્યારસુધીમાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
રાજકોટમાં આજથી સૌરાષ્ટ્ર પ્લાસ્ટ-2022નો પ્રારંભ
સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન રાજકોટ દ્વારા આજથી શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગ સાહસિકો માટે ચાર દિવસીય ભવ્ય એક્ઝિબિશન સૌરાષ્ટ્ર પ્લાસ્ટ-2022નો પ્રારંભ થયો છે. આ એક્ઝિબીશનનું ઉદ્દઘાટન ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના મયુરભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. બાદમાં મયુરભાઈએ જણાવ્યું હતું કે, આ એક્ઝિબિશનથી સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગ સાહસિકોને મોટો ફાયદો થશે. કોરોનાકાળના બે વર્ષ બાદ આ એક્ઝિબિશનનો સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ ખાતે પ્રારંભ થયો છે. આવા એક્ઝિબિશન અવશ્યપણે થવા જ જોઇએ. આ એક્ઝિબિશનમાં 200થી વધુ સ્ટોલો છે, જેમાં 125 મશીનરીના લાઈવ ડેમોસ્ટ્રેશન સ્ટોલ તેમજ 75થી વધુ રોમટિરિયલ્સ અને પ્લાસ્ટિક પ્રોડક્ટના સ્ટોલ છે. આ એક્ઝિબિશનમાં મુંબઈ, કોલકાતા અને મદ્રાસના ઉદ્યોગકારો ભાગ લઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.