• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • There Will Be No Parking Within A Radius Of 30 Meters Of The Main Chowk, Not Only The Police But Also The Municipal Corporation Will Tow Vehicles.

નવી પાર્કિંગ પોલિસી:મુખ્ય ચોકના 30 મીટરની ત્રિજ્યામાં હશે નો પાર્કિંગ, પોલીસ જ નહિ હવે મનપા પણ વાહનો ટો કરી જશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે વર્ષ પહેલા બનેલી નવી પાર્કિંગ પોલિસી રાજકોટમાં અમલી બનાવાશે, સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
  • રોડની બાજુમાં પાર્કિંગ ચાર્જ વધારે હશે, ઓફ સ્ટ્રીટમાં ચાર્જ ઘટશે
  • આંતરિક શેરીઓમાં વાહનો રાખવા પર કોઇ શુલ્ક નહિ લેવાય

રાજકોટ મહાનગરપાલિકાએ 2019માં નવી પાર્કિંગ પોલિસી બનાવી હતી જે હવે લાગુ થવા માટે પ્રયાસ શરૂ કરાયા છે. મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે દરખાસ્ત કરી છે હાલ કમિટી અભ્યાસ કરી રહી છે અને બુધવારે બેઠકમાં સુધારા વધારા અંગે ચર્ચા કરાશે. હાલ જે પાર્કિંગ પોલિસીનો ડ્રાફ્ટ છે તેમાં પદાધિકારીઓ મોટા ફેરફાર નહિ કરે તેવી અધિકારીઓને ધારણા છે કારણ કે, સુરતમાં જે રીતે શેરી ગલીમાં પણ પાર્ક કરવા માટે ચાર્જની જોગવાઈથી વિવાદ થયો હતો તેને ધ્યાને લઈને શેરી-ગલીમાં પાર્કિંગનો કોઇ ચાર્જ ન લેવા આરએમસીએ નિર્ણય લીધો છે.

પાર્કિંગ પોલિસીમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગ એટલે રસ્તાની બાજુમાં જ ફૂટપાથ પાસે કરાતા પાર્કિંગની જગ્યા અને ઓફ સ્ટ્રીટ એટલે કે મનપાએ માર્ગ સિવાય પ્લોટમાં કે અન્ય જગ્યાએ બનાવેલા પાર્કિંગના ભાવો મુકાયા છે. તે મુજબ ઓન સ્ટ્રીટ પાર્કિંગના ભાવ વધારે રાખી લોકો ઓફ સ્ટ્રીટ પાર્ક કરે તેવી ઈચ્છ વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત શહેરના મુખ્યમાર્ગો કે જ્યાં સૌથી વધુ વાહનોની અવરજવર થાય છે ત્યાં પાર્કિંગનો ચાર્જ અન્ય વિસ્તારો કરતા વધુ રાખવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે મુખ્ય ચોકની 30 મીટરની ત્રિજ્યામાં તમામ વાહનો માટે નો પાર્કિંગ રહેશે જેથી ચોકમાં ટ્રાફિક ઘટશે.

આ ઉપરાંત ઝિબ્રા ક્રોસિંગ હશે તેના 10 મીટર સુધી પણ નો પાર્કિંગ રહેશે. અત્યાર સુધી કોઇ વાહન નો પાર્કિંગમાં હોય અથવા તો કોઇને નડતરરૂપ હોય તો તેને ટ્રાફિક પોલીસ ટો કરી જાય છે અથવા તો ટાયરમાં ક્લેમ્પ મારી દંડ લઈ લે છે. જોકે નવી પાર્કિંગ પોલિસીમાં આ સત્તા મનપાને પણ મળશે અને તે માટે ખાસ ટ્રાફિક સેલ ઊભો થશે. ટ્રાફિક પોલીસ ઉપરાંત મનપાનો ટ્રાફિક સેલ પણ અલગ અલગ સ્થળોએ ફરશે અને નિયમ વિરુદ્ધ પાર્ક થયેલા વાહનો પર કાર્યવાહી કરશે અને બાદમાં દંડ ભરીને મુક્ત કરશે.

વાહન ખરીદતા પહેલા પાર્કિંગની જગ્યા નક્કી કરવી પડશે
નવી પોલિસી મુજબ વાહન ખરીદનારે મહાનગરપાલિકાને પુરાવો આપવો પડશે કે તેમના ઘરની આજુબાજુના 250 મીટર વિસ્તારમાં પાર્કિંગ છે કે નહીં. જોકે આ નીતિ હજુ પણ રાજકોટમાં લાગુ કરવી કે નહિ તે માટે વિચાર ચાલી રહ્યો છે.

આ 15 માર્ગ પર પ્રીમિયમ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે
ડો. યાજ્ઞિક રોડ, ડો. દસ્તુરમાર્ગ, ઢેબર રોડ, ટાગોર રોડ, પેલેસ રોડ, ગુંદાવાડી, કેનાલ રોડ, દાણાપીઠ, કાલાવડ રોડ(ગૌરવ પથ), 150 ફૂટ રિંગ રોડ, સોનીબજાર, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સર લાખાજીરાજ રોડ, રેસકોર્સ રિંગ રોડ

પાર્કિંગના ભાવ ઓન સ્ટ્રીટ પાર્કિંગ (પ્રીમિયમ સિવાય)

પ્રકાર0થી 3 કલાક3થી66થી99થી1212થી 24 કલાક
થ્રી વ્હિલ1520253040
કાર2030405060
LCV2535455565
HCV3545556575

ઓફ સ્ટ્રીટ પાર્કિંગ (પ્રીમિયમ સિવાય)

પ્રકાર0થી6 કલાક6થી1212થી 1818થી 24 કલાક
થ્રી વ્હિલ10152025
કાર15253545
LCV20304050
HCV30405060

ટુ વ્હિલ, ઓન અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ ચાર્જ

પ્રકાર0થી 3 કલાક3થી66થી99થી1212થી 24 કલાક
ટુ વ્હિલ510152025

પાર્કિંગ પરમિટમાં ડિસ્કાઉન્ટ અપાશે
મનપા ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે હવે પરમિટ આપશે અને આ પરમિટ કાર સહિતના વાહનચાલકોએ પોતાના વાહનના વીન્ડશિલ્ડ પર લગાવવાનું રહેશે. જો કોઇ વ્યક્તિ કે જેનું ઘર મુખ્યમાર્ગ પર જ છે અને અને તે રોડ પર વાહન રાખે છે તો તેને પણ ચાર્જ આપવો પડશે. એક વર્ષના એક સાથે પાર્કિંગ શુલ્કની ભરપાઈ કરાય તો 50થી 65 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

પાર્કિંગમાં જગ્યાની માહિતી મળશે
પાર્કિંગમાં જગ્યા છે કે નહિ તે માટે સેન્સર મુકાશે અને તેના દ્વારા કઈ સાઈટ પર કેટલી જગ્યા છે તે સેન્ટ્રલ સિસ્ટમમાં આવશે. આ જ માહિતીનો ઉપયોગ વાહનચાલકોને સાઈટ શોધવા માટે કરાશે. જેથી કરીને પાર્કિંગ સ્પેસ શોધવામાં લોકોનો સમય બગડે નહીં. જોકે તે ક્યાં સુધીમાં બની જશે તે હજુ નક્કી કરાયું નથી.

અન્ય સમાચારો પણ છે...