છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. પણ હવામાન ખાતાની આગાહી મુજબ હજુ વરસાદના બે થી ત્રણ રાઉન્ડ બાકી છે. પાછા વળતા મોસમી પવન અને સિસ્ટમનો મળી આ સિઝનનો 8 થી 10 ઈંચ વરસાદ પડશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વરસોથી વરસાદની પેટર્નમાં ફેરફાર આવ્યો છે. એટલે સપ્ટેમ્બર માસના અંતમાં ચોમાસું વિદાય લેશે. 15 સપ્ટેમ્બર પછી 30 સપ્ટેમ્બર સુધી પાછા વળતા મોસમી પવનનો વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાઈ શકે.
જો કે, આ વરસાદ એકીસાથે અને સાર્વત્રિક હોવાને બદલે જ્યાં સિસ્ટમ હશે ત્યાં છૂટોછવાયો વરસાદ નોંધાશે. બંગાળની ખાડીમાં સિસ્ટમ જુલાઈ અને ઓગસ્ટમાં બનતી હોય છે.જેનો વરસાદ નોંધાતો હોય છે.આ વરસે બંગાળની ખાડીમાં સિસ્ટમ પહેલેથી જ સક્રિય રહી છે. હજુ વરસાદનો એક રાઉન્ડ આવશે તે સિસ્ટમનો હશે. તે ગાજવીજ સાથે પડશે. હવામાન ખાતાના અાંકડા મુજબ ચાલુ વરસે જૂન માસમાં 42.2 મીમી, જુલાઈ માસમાં 461.1 મીમી અને ઓગસ્ટ માસમાં 447 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે 2019 માં ઓગસ્ટ માસમાં 521 મીમી, 2018 માં 159 મીમી વરસાદ નોંધાયો હતો. ચાલુ વરસે સિઝનનો કુલ 961 મીમી વરસાદ નોંધાયો છે. રવિ-સોમ બે દિવસ સુધી ભારે વરસાદ પડવાથી સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.