• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • There Will Be A Live Election In The School, The Principal Will Be The Chief Election Commissioner, The Teachers Will Be The Election Commissioner, The Students Will Be The Candidates

ભાસ્કર એક્સક્લુઝિવ:શાળામાં થશે લાઈવ ચૂંટણી, આચાર્ય મુખ્ય ચૂંટણી કમિશનર, શિક્ષકો ચૂંટણી કમિશનર, વિદ્યાર્થીઓ બનશે ઉમેદવાર

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓને પક્ષના નામ અને ચૂંટણી ચિહ્ન ફાળાવાયા - Divya Bhaskar
વિદ્યાર્થીઓને પક્ષના નામ અને ચૂંટણી ચિહ્ન ફાળાવાયા
  • વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા સમજાવવા ખાનગી સ્કૂલમાં લાઈવ ડેમો થશે: આજે વિદ્યાર્થીઓ ઉમેદવારી નોંધાવશે
  • 25મી નવેમ્બરે રેલી, 26મીએ પ્રથમ ચરણનું મતદાન થશે, 28મીએ પરિણામ જાહેર કરાશે અને 30મીએ શપથ ગ્રહણ કરાવાશે

વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયાની એ ટુ ઝેડ જાણકારી મળે, તમામ બાબતો જાણે અને સમજે, લોકશાહીના મોટા પર્વથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે શહેરની ક્રિષ્ના સ્કૂલ દ્વારા સ્કૂલમાં જ આખી ચૂંટણી પ્રક્રિયા યોજવાનું આયોજન કરાયું છે. જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને શપથગ્રહણ સુધીના તમામ કાર્યક્રમો સ્કૂલમાં લાઈવ યોજીને જ વિદ્યાથીઓને સમજાવાશે. સૌથી પહેલા વિદ્યાર્થીઓને ચૂંટણી લડવાની લાયકાત સહિતની બાબતોથી માહિતગાર કરાશે ત્યારબાદ જેવી રીતે કોઈ રાજકીય પક્ષના ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવે તેવી જ રીતે વિદ્યાર્થીઓ ઉમેદવાર બનશે. સ્કૂલના ટ્રસ્ટી રાજ્યપાલ, પ્રિન્સિપાલ મુખ્ય ચૂંટણી કમિશનર, સ્કૂલના શિક્ષકો ચૂંટણી કમિશનર બનશે. અન્ય શિક્ષકો પ્રિસાઈડિંગ ઓફિસર બનશે.

22મીએ ફોર્મ પાછું ખેંચવાની તારીખ
ચૂંટણીના કાર્યક્રમો પણ નક્કી કરી લેવાયા છે જેમાં તારીખ 21 નવેમ્બરને સોમવારે ફોર્મ ભરવાની એટલે કે વિદ્યાર્થીઓ ઉમેદવારી નોંધાવશે, 22મીએ ફોર્મ પાછું ખેંચવાની તારીખ છે, ફોર્મ ખરાઈ કરવાની તારીખ પણ 21મી રખાય છે. 22મીએ પક્ષ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે, 23મીએ ઉમેદવાર ચૂંટણી પ્રચાર/સભા કરશે, 24મીએ મતદાન જાગૃતિ અભિયાન કરાશે. 25મીએ દરેક ઉમેદવાર રેલી યોજશે. 26મી નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન સ્કૂલમાં જ યોજાશે. 28મીએ ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. અને છેલ્લે 30મીએ શપથગ્રહણ અને જુદા જુદા ખાતાની વહેંચણી કરાશે. ઉમેદવારોને ચૂંટણીના નિશાન તરીકે પેન, પેન્સિલ, પુસ્તક, ડસ્ટર સહિતની વસ્તુઓના ઓપ્શન અપાશે.

સ્કૂલમાં જ પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું
​​​​​​​21મીને સોમવારે વિદ્યાર્થી ઉમેદવારો ઉમેદવારીપત્ર નોંધાવશે. ત્યારબાદ ચૂંટણી સંબંધિત તમામ વ્યવસ્થાઓ અંગે શાળાના શિક્ષકો અને આચાર્યો વિદ્યાર્થીઓને લાઇવ ડેમો આપીને માહિતગાર કરતા રહેશે. વિદ્યાર્થી ઉમેદવાર ચૂંટણી પ્રચાર અને રેલી સ્કૂલ કેમ્પસમાં જ યોજશે. 26મીએ જ્યારે સ્કૂલમાં જ પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું છે તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ જ જે તે ઉમેદવારને મત આપશે અને શિક્ષકો વિદ્યાર્થીઓને ચૂંટણીમાં મતનું મહત્ત્વ સમજાવશે. શાળા સંચાલકો દ્વારા મતદાનની વ્યવસ્થા લેપટોપમાં ખાસ સોફ્ટવેરથી કરી છે. જેમાં વિદ્યાર્થીઓ લેપટોપમાં જ જે તે ઉમેદવારને પોતાનો વોટ આપી શકશે. ત્યારબાદ 28મીએ ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને 30મીએ વિદ્યાર્થીઓને શપથ ગ્રહણવિધિ સમજાવાશે.

ઉમેદવારની લાયકાત- વિદ્યાર્થીની હાજરી અને શિસ્તથી નક્કી કરાશે

  • આ પ્રોજેક્ટમાં ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 12 વર્ષ હોવી જોઈએ.
  • સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી 80% કે તેથી વધુ હોવી જોઈએ.
  • શાળામાં તેની ડિસિપ્લિન હોવી જોઈએ.
  • તેનું તમામ વિષયોનું વર્ક પૂરું હોવું જોઈએ.
  • વિદ્યાર્થી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ.
  • તે હંમેશા બીજાને મદદરૂપ હોવા જોઈએ.

વિદ્યાર્થીઓને મોનિટર, હેડ બનાવી ખાતાની વહેચણી કરાશે
ખાતાઓની વહેંચણી તરીકે વિદ્યાર્થીઓને લીડરશિપ જ અપાશે જેમાં તેઓ સ્કૂલના, વર્ગના, ઇવેન્ટના મોનિટર કે હેડ બનશે. જેમાં મુખ્યપ્રધાન બનાવાશે જેને મોટી જવાબદારી અપાશે. આ ઉપરાંત અંગ્રેજી મીડિયમ, ગુજરાતી મીડિયમ અને સીબીએસઈ એમ વિભાગ પ્રમાણે મોનિટર નિયુક્ત થશે. આ ઉપરાંત એક્ટિવિટી મોનિટર, સાંસ્કૃતિક કાર્યક્રમના મોનિટર, એસેમ્બલી મોનિટર, રમતગમત કાર્યક્રમના મોનિટર, ગણિત-વિજ્ઞાન કાર્યક્રમના મોનિટર, શિક્ષણ મોનિટર જેવા ખાતાઓ તરીકે જવાબદારી સોંપાશે.

અન્ય સમાચારો પણ છે...