રાજકોટ મહાનગરપાલિકાએ MIG યોજના હેઠળના 3BHK ફ્લેટ કે જે 24 લાખમાં મુકાયા છે તેની કિંમતમાં 6 લાખ રૂપિયાનો ઘટાડો કરીને 18 લાખ રૂપિયા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકી છે જેના પર સોમવારે નિર્ણય લેવાશે. 3BHK ફ્લેટ માત્ર 24 લાખ રૂપિયામાં હોય આમ છતાં 1268 ફ્લેટના 3-3 વખત ડ્રો કર્યા બાદ પણ માત્ર 293 લોકો જ એ ફ્લેટ લેવા આગળ આવ્યા છે. આ સ્કીમ નિષ્ફળ જતા મનપાએ તેનો ભાવ ઘટાડ્યો છે પણ આ સ્કીમ શા માટે નિષ્ફળ ગઈ છે તેની પાછળનું કારણ મનપાના ઈજનેરો જ છે.
શહેરના 4 પ્રાઈમ લોકેશન જેવા કે 150 ફૂટ રિંગ રોડ, વિમલનગર રોડ, નાનામવા રોડ અને મવડી પાળ રોડ પર 2020માં મનપાની આવાસ ટેક્નિકલ શાખાએ MIG સ્કીમ હેઠળ પ્રોજેક્ટ મૂક્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દરેક ફ્લેટમાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવે છે પણ MIG સ્કીમ જે તે સત્તામંડળે જ ખર્ચ ભોગવવાનો હતો તેથી આ તમામ ફ્લેટનો ખર્ચ મનપા માથે હતો પણ વેચાય જ જશે તેવો વહેમ હતો. 2BHKના ફ્લેટમાં 50 ચોરસ મીટર જગ્યા અને 12 લાખમાં અપાયા હતા જ્યારે ઈજનેરોએ 60 ચોરસ મીટર જગ્યામાં 3BHK બનાવ્યા એટલે કે 10 ચોરસ મીટર જગ્યા આપી ભાવ ડબલ રાખ્યા.
વળી આ 60 ચોરસ મીટર જગ્યામાં ભંડકિયા જેવા 3 રૂમ બનાવ્યા તેમજ હોલની સાઈઝ પણ બેડરૂમ જેવડી છે. સામાન્ય 2BHK હોય તેમાં પણ ઓછામાં ઓછો કાર્પેટ 60 ચો.મીટર મળે છે પણ મનપાએ તેમાં 3BHK ધરાર બેસાડી દીધા હતા. આ બધા કારણોસર પ્રોજેક્ટમાં લોકોએ રસ ન લીધો અને બધા ફ્લેટમાંથી 300 કરોડની આવક સામે માત્ર 38 કરોડની જ આવક થઈ છે તેથી ખોટનો ધંધો સાબિત થયો છે આ કારણે ફ્લેટનો ભાવ ઘટાડી મનપાની તિજોરી પર જે ઘા થયો છે તેના માટે માત્રને માત્ર આવાસ યોજનાના ટેક્નિકલ વિભાગના ઈજનેરો જ જવાબદાર છે.
આ ઉદાહરણથી સમજો : મનપાને કેટલી ખોટ થઈ
મનપાની 3BHKની સાઈટ વસંત માર્વેલની બાજુમાં વિમલનગર મેઈન રોડ પર છે. આ વસંત માર્વેલ પણ પહેલા મનપાનો જ પ્લોટ હતો અને હરાજીમાં બિલ્ડરે ખરીદ્યો હતો તેની જ દીવાલે મનપાએ ફ્લેટ બનાવ્યા છે. વસંત માર્વેલમાં 63 ચોરસ મીટર જગ્યામાં 2BHKના અંદાજે 35 લાખ રૂપિયા ભાવ છે જ્યારે 82 ચો.મી.માં 3BHKનો ભાવ 58 લાખ છે. જ્યારે મનપાની ટેક્નિકલ આવાસ શાખના ઈજનેરોએ 60 ચો.મી. એટલે કે 2BHK કરતા પણ ઓછી જગ્યામાં 3BHK ધરાર બનાવ્યા જેથી ફ્લેટમાં રૂમ નાના ભંડકિયા જેવા બન્યા તેમજ બહારથી એલિવેશન પણ સામાન્ય ક્વાર્ટર જેવા જ રાખ્યા.
આ કારણે બંને વચ્ચે 15 લાખ ભાવ ઓછો હોવા છતાં મનપાના ફ્લેટ પૂરે પૂરા વેચાઈ શક્યા નથી. જો 60 ચોરસ મીટર કરતા વધુ જગ્યા અને આકર્ષક ડિઝાઈન બનાવાઈ હોત તો 24 લાખ રૂપિયામાં આરામથી ફ્લેટ વેચાઈ જાત અને મનપાને ફ્લેટ બન્યા પહેલા જ પૂરી રકમ ઉપરાંત 100 કરોડનો નફો આવી જાત પણ ઈજનેરોએ ડિઝાઈનમાં ભૂલ કરી લાખના 12 હજાર કરી નાંખ્યા.
100 કરોડ નાખવા પડ્યા, 166 કરોડના ખર્ચ સામે 304 કરોડ લઈ 128 કરોડનો નફો કરવો હતો
ચારેય સ્થળે આવાસ બનાવવાનો કુલ ખર્ચ 166 કરોડ રૂપિયા થશે જે પૈકી 134 કરોડ રૂપિયા ચૂકવાઈ પણ ગયા છે. યોજના જાહેર થઈ ત્યારે 166 કરોડનો ખર્ચે 1268 ફ્લેટ બનાવી પ્રતિ ફ્લેટે 24 લાખ લઈ 304 કરોડ ભેગા કરી પ્રજાના જ પૈસે આવાસનો ખર્ચ કાઢી 138 કરોડ રૂપિયાનો નફો કરવાની મનપાની ગણતરી હતી પણ તેને બદલે મનપા 100 કરોડ ખોટમાં છે તેથી હવે પ્રતિ ફ્લેટ 18 લાખ કર્યા છે જો હવે તમામ ફ્લેટ વેચાય ત્યારે મનપાના 100 કરોડ નીકળશે અને પછી 62 કરોડનો ફાયદો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.