ભાસ્કર એનાલિસિસ:નવી 31 ટીપરવાન આવી ત્યાં 42 ભંગાર થઈ ગઈ એટલે ફરી નવી 50 ખરીદવા ટેન્ડર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એજન્સીના ડ્રાઇવર્સની બેફામ હાંકણી અને મરામતના અભાવને કારણે ખર્ચ ઉપર ખર્ચ
  • સોલિડ​​​​​​​ વેસ્ટ મેનેજમેન્ટ શાખા વાહન ખરીદી લીધા બાદ પણ કચરો ઉપાડવા રૂ.47 કરોડ ખર્ચે છે

રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં ઘણો ખરો હિસ્સો સફાઈ પાછળ ખર્ચ થાય છે તે પૈકી કચરો ઉપાડવા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ 47 કરોડ રૂપિયા વાપરી નાખ્યા છે. આ ઉપરાંત નવા વાહનો ખરીદ કરે તેનો ખર્ચ તો અલગ જ થશે. તાજેતરમાં જ નવા 31 ટીપરવાન આવ્યા છે આમ છતાં વાહનોની સંખ્યા વધવાને બદલે ઘટી ગઈ છે!

રાજકોટ મહાનગરપાલિકાએ તાજેતરમાં 31 ટીપરવાનનું લોકાર્પણ કર્યુ હતું. આટલી મોટી સંખ્યામા ટીપરવાન આવે તો કચરો ઉપાડવાનું કામ સરળ બને પણ હકીકતે ટીપરવાનની સંખ્યા ઘટી છે કારણ કે, 42 ટીપરવાન ભંગાર થઈ ગઈ છે. આથી કુલ ટીપરવાનની સંખ્યા 437 છે જેમાંથી 343 અલગ અલગ રૂટમાં કચરો લેવા જાય છે જ્યારે 52 ટીપરવાનમાંથી અમુક ટીપરવાન સ્ટેન્ડ ટુ રખાય છે.

મનપાએ જે નવી 31 ટીપરવાન લીધી છે તેનો ખરેખર 100 વાનનો વર્ક ઓર્ડર અપાયો હતો જેમાંથી 31 જ આવી છે અને હજુ 69 બાકી છે જે આગામી દોઢથી બે મહિનામાં આવી જશે તેવો વાયદો કરાયો છે. આ ઉપરાંત વધુ 50 ટીપરવાન ખરીદ કરવા માટે પણ ઈ-ટેન્ડર કરવામાં આવ્યા છે તેથી આગામી સમયમાં નવી 150 ટીપરવાન આવશે જોકે તેની સામે સ્ક્રેપ થતી વાનની સંખ્યામાં પણ વધારો થશે.

રાજકોટ મનપા જે ટીપરવાન ખરીદે છે તે ચલાવવા માટે એજન્સીને કામ અપાયું છે અને તેના ડ્રાઈવર અલગ અલગ રૂટ પર જાય છે. આ રૂટ પર વાહનો પહોંચે છે કે નહિ તે માટે જીપીએસ ટ્રેકિંગ સોફ્ટવેર પણ વિકસાવાયો છે. જોકે ટીપરવાનના ઘણા ચાલકો બેફિકરાઈથી વાહન ચલાવવા માટે કુખ્યાત છે. અવારનવાર અકસ્માતો થાય છે ખાસ કરીને વેસ્ટ ઝોનના વિસ્તારોમાંથી કચરો લઈને ગાર્બેજ કલેક્શન સેન્ટર તરફ જતી ટીપરવાનનો ત્રાસ 150 ફૂટ રિંગ રોડ પર વર્તાય છે.

અવારનવાર બ્રેકડાઉન થયેલી ટીપરવાન રસ્તામાં ઊભી હોય છે તેમજ બેફિકરાઈથી ચલાવવાને કારણે કચરો પણ રોડ પર ઉડતો રહેતો હોય છે. આવી ટીપરવાનમાં મરામત માટે પણ યોગ્ય કામગીરી ન થતા તૂટેલા પતરાં તેમજ ધુમાડો ઓકતી વાન દરેક શહેરીજનને ક્યાંકને ક્યાંક જોવા મળી જાય છે. મનપા ગમે તેટલી નવી ટીપરવાનની ખરીદી કરે પણ વાહનચાલકોને યોગ્ય તાલીમ અને અનુશાસન નહિ અપાય તો આ વાહનો પણ ઝડપથી ભંગાર થશે અને પ્રજાના પૈસાનું પાણી થશે.

અન્ય સમાચારો પણ છે...