બુલંદ હોસલા:જન્મથી જ દૃષ્ટિ, નાક, તાળવું અને હોઠ નથી, સર્જરી બાદ યુરિનની કોથળી સાથે દિવ્યાંગ યુવાન સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષા આપવા આવે છે

રાજકોટએક દિવસ પહેલા
જસાણી કોલેજમાં ઉત્તમ મારુ પરીક્ષા આપી રહ્યો છે.
  • તબીબોએ જે બાળકને ‘શાંત ’કરી દેવાનું કહ્યું, પણ પરિવારજનોએ શક્તિમાન બનાવ્યો
  • અત્યારસુધીમાં 10 ઓપરેશન કરવામાં આવ્યાં છે, પણ દિવ્યાંગનું મનોબળ આજે પણ અડગ

રાજકોટના ઉત્તમ મારુ નામના દિવ્યાંગ યુવાનને જન્મથી જ દૃષ્ટિ, નાક, તાળવું અને હોઠ નથી. તાજેતરમાં જ તેણે સર્જરી કરાવી હતી. તેમ છતાં યુરિનની કોથળી સાથે ઉત્તમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા આવે છે. યુનિવર્સિટીની ટી.વાય.બી.એ. સેમેસ્ટર 5માં સંસ્કૃત વિષય સાથે પરીક્ષા આપતાં આ ‘ઉત્તમ’ વિદ્યાર્થી- ઉત્તમ મારુ અનેક વિદ્યાર્થીઓને ભણવાની પ્રેરણા પૂરી પાડી રહ્યો છે. ઉત્તમના ચહેરા પર અનેક પ્રકારની સર્જરી અને એક જ કાનથી સંભળાય છે તેમજ રોગપ્રતિકારક શક્તિ પણ નબળી છે.

ભગવદ ગીતાના 18 અધ્યાય કડકડાટ બોલે છે
ઉત્તમ ભગવદ ગીતાના 18 અધ્યાય કડકડાટ બોલે છે અને ઉપનિષદો પણ કંઠસ્થ છે. ગાયન-વાદનમાં પારંગત અને તમામ વાદ્યો વગાડી શકે છે. જીવનમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ઉત્તમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ.માં અભ્યાસ કરી રહ્યો છે. હાલ તેની પરીક્ષા ચાલી રહી છે. ઉત્તમની છાતીમાં શરદી-ઉધરસને લીધે કફ જામ થઇ જતાં સર્જરી કરાવવી પડી અને યુરિનની કોથળી પણ સાથે રાખવી પડે છે. તેમ છતાં ઉત્તમ જસાણી કોલેજમાં પરીક્ષા આપી રહ્યો છે.

ઉપકુલપતિ ડો.વિજય દેસાણી ઉત્તમને બિરદાવવા પરીક્ષા કેન્દ્ર જસાણી કોલેજ ખાતે આવ્યા હતા.
ઉપકુલપતિ ડો.વિજય દેસાણી ઉત્તમને બિરદાવવા પરીક્ષા કેન્દ્ર જસાણી કોલેજ ખાતે આવ્યા હતા.

કોઈપણ બાળકને સ્વીકારો તો તેની ઊણપ દેખાય નહીં: ઉત્તમના દાદા
ઉત્તમ મારુએ જણાવ્યું હતું કે મારો જન્મ થયો ત્યારથી મને સંસ્કૃત સંભળાવવામાં આવ્યું હતું. બાદમાં સાંભળી સાંભળીને શ્લોકો પાકા કર્યા હતા. ઉત્તમના દાદાએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 10 ઓપરેશન કર્યાં છે. અસંખ્ય ડોક્ટરોએ કહી દીધું હતું કે આને ઇન્જેક્શન મારી શાંત કરી દ્યો. બાદમાં અમારા ઘરે બધાએ નક્કી કર્યું કે ઉત્તમ જે સ્થિતિમાં છે એમાં આપણે તેનો ઉછેર કરવાનું શરૂ કરવો છે. કોઇપણ બાળક હોય, તેને પહેલા સ્વીકારવું જોઇએ. તેને સ્વીકારો તો તેની ઊણપ દેખાય નહીં. તે ઘોડિયામાં સૂતો ત્યારથી હું ગીતાજી અને ઉપનિષદો ઘોડિયામાં મૂકતો તથા સંભળાવતો. જેની પર પ્રેમ હોય તેમાં તમને ખામી ન દેખાય. અમિતાભ બચ્ચનની બ્લેક ફિલ્મ જોયા પછી મને તેનામાં ખામી નહીં, ખૂબી જ નજરે આવી છે.

રાઇટર રાખી ઉત્તમ પરીક્ષા આપી રહ્યો છે.
રાઇટર રાખી ઉત્તમ પરીક્ષા આપી રહ્યો છે.

ઉત્તમ ખૂબ જ તકલીફો વચ્ચે પણ પરીક્ષા આપી રહ્યો છે
આજે ઉત્તમ મારુને બિરદાવવા માટે સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ ડો.વિજય દેસાણી જસાણી કોલેજ ખાતે આવ્યા હતા. ડો.વિજય દેસાણીએ વધુમાં જણાવ્યું હતું કે આપણી છાત ગજગજ ફૂલે અને આપણા સૌનું ગૌરવ ઉત્તમ મારુ બી.એ. સેમેસ્ટર પાંચની પરીક્ષા આપી રહ્યો છે. તેની તબિયત ખૂબ ખરાબ હતી. પોતાની ખૂબ જ તકલીફો વચ્ચે પણ પરીક્ષા આપી રહ્યો છે. ગીતાના 700 શ્લોક અને કેટલાય ઉપનિષદો તેને કંઠસ્થ છે. પતંજલિ યોગ અને સંગીતમાં માસ્ટર છે. ઉત્તમ મારુ અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રત્ન છે. આવા વિદ્યાર્થીઓના પાઠ બીએ અને એમએના અભ્યાસક્રમમાં ઉમેરાય એવા પ્રયત્નો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક કાર્યક્રમમાં ઉત્તમ સાથે મુલાકાત કરી હતી.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક કાર્યક્રમમાં ઉત્તમ સાથે મુલાકાત કરી હતી.

પરીક્ષાના થોડા દિવસ પહેલાં વિકટ પરિસ્થિતિ ઊભી થઈ
પરીક્ષા શરૂ થવાને થોડા દિવસ બાકી હતા અને ઉત્તમ એક સમસ્યાનો ભોગ બન્યો હતો. તેનાં ફેફસાંમાં લીકેજ થવાથી શરીરમાં હવા ભરાવા લાગી હતી, આથી તાત્કાલિક સર્જરી કરવી જરૂરી હતી. જો સર્જરી ન થાય તો મોટી મુશ્કેલી સર્જાય અને સર્જરી થાય તો પરીક્ષા ન આપી શકાય. પરીક્ષા તો કોઈપણ ભોગે આપવી જ હતી એટલે આવી વિકટ પરિસ્થિતિમાં ઉત્તમે સર્જરી પણ થાય અને પરીક્ષા પણ અપાય એવો વિકલ્પ અપનાવ્યો. તેણે નક્કી કર્યું કે સર્જરી બાદ ભલે બાટલો ચડાવવા માટે હાથમાં ઇન્જેક્શન હોય કે પેશાબની થેલી લટકતી હોય, પણ એ સાથે પરીક્ષા કેન્દ્ર પર જઈને હું પરીક્ષા આપીશ.

ઉત્તમનાં આજે 4 પેપર પૂરાં થઈ ગયાં
ઉત્તમનાં આજે 4 પેપર પૂરાં થઈ ગયાં છે. ઉત્તમ આંખોથી કશું જોઈ શકતો નથી એટલે નિસર્ગિ મહેતા નામની 11મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઉત્તમની રાઇટર તરીકે તેને મદદ કરે છે અને આ છોકરો એક હાથમાં ઇન્જેક્શન અને બીજા હાથમાં યુરિનની બેગ લઈને પરીક્ષા આપવા આવે છે. આ એ જ ઉત્તમ છે, જે એના જન્મ વખતે તેની બંને આંખો, હોઠ અને તાળવું નહોતું. બંને મગજ પણ અવિકસિત હતાં અને અમુક ડોક્ટરોએ તો એને ઇન્જેક્શન આપીને શાંત કરી દેવાની પરિવારને સલાહ આપી હતી. ઉત્તમના દાદા કુંવરજીભાઇ મારુની પ્રેરણા અને પુરુષાર્થથી 19 વર્ષનો ઉત્તમ ઇન્જેક્શનથી શાંત થઈ જવાને બદલે શાંત ચિત્તે ઇન્જેક્શન સાથે પરીક્ષા આપે છે. અત્યારસુધીની બધી જ પરીક્ષાઓમાં A ડિસ્ટિક્શન સાથે પાસ થયો છે.

ઉત્તમ સારું ગાય પણ શકે છે.
ઉત્તમ સારું ગાય પણ શકે છે.

‘બાલશ્રી અવૉર્ડ’ સહિત અનેક પુરસ્કારો મેળવી ચૂક્યો છે
આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને શ્રીમદ ભગવદ ગીતાના 700 શ્લોક, 11 ઉપનિષદ, પતંજલિ યોગસૂત્ર, નારદ ભક્તિસૂત્ર, પાણીનિના અષ્ટાઅધ્યાય સહિત અનેક ભજનો અને ગીતો કંઠસ્થ છે. ગાયન, વાદન અને હાર્મોનિયમમાં વિશારદ મેળવી છે. તાળવાની સમસ્યા હોવા છતાં સારામાં સારો ગાયક છે. બાળકોને અપાતા દેશના સર્વોચ્ચ અવૉર્ડ ‘બાલશ્રી અવૉર્ડ’ સહિત અનેક પુરસ્કારો મેળવી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...