• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • There Is No Officer Above 79 Posts Of Director Of Education, Joint Director, DEO DPEO In The State, 14 Posts Are Vacant In Saurashtra.

કેવી રીતે ભણે ગુજરાત:રાજ્યમાં શિક્ષણ નિયામક, સંયુક્ત નિયામક, DEO-DPEOના 79 પદ ઉપર કોઇ અધિકારી જ નથી, સૌરાષ્ટ્રમાં 14 જગ્યા ખાલી

રાજકોટ3 મહિનો પહેલાલેખક: નિહિર પટેલ
  • કૉપી લિંક
  • શિક્ષણ વિભાગમાં મહત્ત્વના પદાધિકારીઓ જ નથી- ગુજરાતમાં DEO-DPEO કેડરની 100 માંથી માત્ર 39 જગ્યા ભરેલી 61 ખાલી

એકબાજુ ભણે ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે અને બીજી બાજુ શિક્ષણ વિભાગમાં જ મહત્ત્વના પદ ખાલી હોય, મહત્ત્વની જવાબદારી જેના શિરે હોય એવા અધિકારીઓની જ ઘટ હોય તો બાળકોને અસરકારક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું પડકારજનક સાબિત થાય છે.

રાજ્યમાં વર્ગ-1ના શિક્ષણ નિયામક, સંયુક્ત શિક્ષણ નિયામક, નાયબ નિયામક, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી સહિતના અધિકારીઓની કુલ 138માંથી માત્ર 59 જગ્યા જ ભરાયેલી છે જ્યારે 79 જગ્યાઓ ઉપર ઘટ પ્રવર્તી રહી છે. ઉચ્ચ અધિકારીઓની ઘટને પગલે મહત્ત્વના નિર્ણયો લેવામાં પણ વિલંબ થઇ રહ્યો હોવાની સ્થિતિ નિર્માણ પામી છે.

રાજ્યમાં નિયામકની 5 જગ્યા સામે 1 ભરેલી છે 4 ખાલી છે, સંયુક્ત નિયામકની 15 જગ્યા સામે 8 ભરેલી અને 7 ખાલી છે, નાયબ નિયામકની 18 જગ્યા સામે 11 ભરેલી અને 7 ખાલી છે. જ્યારે ડીઈઓ અને ડીપીઈઓ સહિતની કેડરની કુલ 100 જગ્યા સામે માત્ર 39 ભરેલી અને 61 જગ્યા ખાલી છે. આમ શિક્ષણ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની 58% જેટલી જગ્યા ખાલી છે.

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં DPEO અને 3 જિલ્લામાં DEO નથી : 3 જિલ્લામાં બંનેની જગ્યા ખાલી પડી છે
સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નથી, 3 જિલ્લામાં DEO નથી અને 3 જિલ્લામાં DEO (જિલ્લા શિક્ષણાધિકારી) અને DPEO (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી) બંને નથી. રાજકોટ જિલ્લામાં ડીઈઓ છે ડીપીઈઓ નથી.

દ્વારકામાં ડીઈઓ નથી, પોરબંદરમાં ડીપીઈઓ નથી, જૂનાગઢમાં ડીઈઓ નથી, અમરેલીમાં DEO નથી, ભાવનગરમાં DEO નથી, બોટાદમાં DPEO નથી અને સુરેન્દ્રનગરમાં પણ DPEO નથી. જ્યારે સોમનાથ, જામનગર અને મોરબી જિલ્લામાં DEO અને DPEO બંનેની જગ્યા ખાલી છે.

જિલ્લામાં ધો.1 થી 12માં 1100 શિક્ષકની ઘટ
રાજકોટ જિલ્લાની શાળાઓમાં ધોરણ 1થી 5માં અંદાજિત 400 અને 6થી 8માં પણ 400 શિક્ષકની ઘટ પ્રવર્તી રહી છે. આ ઉપરાંત ધોરણ 9થી 12માં પણ અંદાજિત 300 શિક્ષકની અછત પ્રવર્તી રહી હોવાનું જાણવા મળ્યું છે. એકબાજુ શાળાઓમાં ભણે ગુજરાત, ગુણોત્સવ સહિતના આયોજનો થાય છે અને બીજી બાજુ બાળકોને ભણાવવા માટે શિક્ષકોની જ અછત પ્રવર્તી રહી છે.

રાજકોટ DEO પાસે DPEO નો ચાર્જ
રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ખાલી છે. હાલ જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક શિક્ષણાધિકારીના ચાર્જમાં છે. આ ઉપરાંત ડીઇઓ અન્ય જિલ્લાના અધિકારીઓના પણ ચાર્જ હોવાના કારણે શૈક્ષણિક અને વહીવટી નિર્ણયો લેવામાં મુશ્કેલીની સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...